શું છે વાઘ બારસનું અસલી નામ ? કેમ કરવામાં આવે છે નંદી અને દૈવી સરસ્વતીની પૂજા ? જાણો પૌરાણિક કથાના રહસ્યો

ભારતભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાતો મુખ્ય તહેવાર દિવાળી છે અને આ દિવાળીની શરૂઆત વાઘ બારસ પર્વથી થાય છે. આસો મહિનાના કૃષ્ણ પક્ષની 12મી તિથિ ને વાઘ બારસ કહેવાય છે.

આ તહેવારનું અસલી નામ “વાક બારસ” હતું. પરંતુ વાક શબ્દનો અપભ્રંશ થતા થતા વાઘબારસ થઈ ગયું. વાક નો અર્થ વાણી છે અને વાણી નો અર્થ માતા સરસ્વતી છે. તેથી આ દિવસે માતા સરસ્વતી ની પૂજા કરવામાં આવે છે. આ પૂજા પાછળની માન્યતા છે કે આપણે એવી વાણી બોલવી જોઈએ કે કોઈને ઠેસ ન પહોંચે. આમ પણ હિન્દુ સંસ્કૃતિમા માં લક્ષ્મીની પહેલા, માં સરસ્વતી ની પૂજા કરવામાં આવે છે. આ પરંપરા પ્રમાણે દિવાળીની પહેલા વાકબારસ તહેવાર મનાવાય છે.

હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભવિષ્ય પુરાણમાં વાઘબારસ કરવાનો ઉલ્લેખ થયો છે. જેમાં દેવોની દિવ્ય ગાય નંદીની ની વાત કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાના રૂપમાં પૂજવામાં આવે છે, કારણ કે ગાય માનવ જાતિનું પોષણ કરે છે. આ દિવસે દરેક મહિલાઓ પોતાના બાળકોની લાંબી ઉંમર માટે વ્રત કરે છે. માન્યતા પ્રમાણે જો કોઈ મહિલાને સંતાન ન હોય અને તે શ્રદ્ધા ભક્તિ સાથે આ વ્રત કરે તો તેને જલ્દી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે ગાય અને તેના વાછડાની બંનેની સાથે આ દિવસે પૂજા થાય છે, તેથી તેને ગોવત્સ દ્વાદશી કહેવામાં આવે છે. આ પૂજાના માધ્યમથી દેશભરમાં ગાયોની સુરક્ષા કરવા માટે સહાય મળે છે.

આ દિવસે ભગવાન દત્તાત્રેયના અવતાર એવા શ્રી વલ્લભ ની પણ પૂજા કરવામાં આવે છે. વાઘ બારસ પર્વનો અર્થ નાણાકીય લેવડદેવડ પતાવવાનો છે. આ દિવસે વેપારી લોકો પોતાના ખાતાના ઉધાર હિસાબ પૂરા કરી નવી ખાતાવહી શરૂ કરે છે.

જંગલમાં રહેતા ગુજરાતના આદિવાસી આ દિવસે પોતાના જાનમાલ ની સલામતી માટે વાઘની દેવ માની ને પૂજા કરે છે અને ખીરનો પ્રસાદ ધરે છે. આદિવાસી લોકો પ્રકૃતિ પ્રેમી હોવાથી પશુ પક્ષી તેમજ ઝાડ-પાનની પૂજા કરીને પોતાની પરંપરા ને આગળ વધારે છે. આમ દિવાળી પર્વમાં વાઘ બારસ પર્વનું મહત્વ અનેરૂ છે.