Abtak Media Google News

ભારત વિવિધ ધર્મ પ્રધાન દેશ છે, જેમાં અનેક ધર્મ પાળતા લોકો વસે છે. તહેવારોથી ઓળખાતા આ દેશમાં અનેક તહેવારો ઉજવાય છે. જેમ કે હોળી, દિવાળી, રામનવમી, મોહરમ વગેરે. આ બધા જ તહેવારોમા મુસ્લિમ ધર્મનો એક મહત્વનો તહેવાર છે, ‘ઈદ’. રમઝાન એક પવિત્ર મહિનો મુસ્લિમો માટે ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. આ પવિત્ર માસમાં દરેક ઘરનો વ્યક્તિ રોઝા રાખે છે. રમઝાન માસના રોઝા પછી જયારે ચાંદ દેખાય તે પછીના દિવસને મુસ્લિમો ઇદ “ઉલ-ફિત્ર” તરીકે ઉજવે છે. દરેક જણ આ ઉત્સવને ધૂમધામથી ઉજવે અને ખુદા પાસે ખુશી-શાંતિની દુઆ કરે છે. આ વર્ષે ઇદનો તહેવાર 14 મેના રોજ ઉજવવામાં આવશે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સદર મૌલાના રાબે હસની નદવી દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે, ગળે મળી અથવા હાથ મિલાવી ઈદની બધાઈ દેવા કરતા આ વખતે ફક્ત બોલીને ઈદની શુભેચ્છાઓ આપો. જમાતમાં નમાઝ હોય તો બે લોકો વચ્ચે અંતર રાખો અને વ્યવસ્થિત લાઈનમાં ઉભી નમાઝ અદા કરો.

બરેલવી ધર્મગુરુ મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું છે કે, ‘કોરોના રોગચાળાને હરાવવા આપણે બધાએ સાવચેત રહેવું જોઈએ. ઈદ એ ખુશીનો ઉત્સવ છે, તેથી આ પ્રસંગે આપણે સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ. પરંતુ કોરોના ચેપ ના કારણે કોઈને ગળે ન લગાવવા, એકબીજા સાથે હાથ ન મિલાવવા અને સામાજિક અંતર રાખવાની વિનંતી કરી છે.’

Eid
ઈદની ઉજવણીનું કારણ

ઇસ્લામમાં ઇદનો તહેવાર વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. જેમાંથી આ પ્રથમ ઇદ છે, અને બીજી ઈદને ‘ઈદ ઉલ-અદાહ’ અથવા ‘બકરી ઈદ’ કહેવામાં આવે છે. ઈસ્લામી માન્યતાઓ અનુસાર, પ્રથમ ‘ઇદ ઉલ-ફિતર’ પૈગમ્બર મુહમદએ સન 624 માં ‘જંગ-એ-બદર’ પછી આની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. તેથી, ‘ઈદ ઉલ-ફિતર’ નિમિત્તે, મુસ્લિમો અલ્લાહની આરાધના કરે છે, અને આખો મહિના રોજા રાખે છે. રમઝાનના અંત પછી, વિશ્વભરના મુસ્લિમો ખૂબ જ આનંદ સાથે ઈદની ઉજવણી કરે છે.

ઈદનું મહત્વ

ઈદ એ ભાઈચારો અને એકબીજા સાથે સબંધ વધુ મજબૂત બનવાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાને ભેટીને ઈદની શુભેચ્છા પાઠવે છે. ‘ઈદ ઉલ-ફિતર’ના દિવસે ગરીબોને દાન આપવામાં આવે છે, જેથી ગરીબ લોકો પણ ઈદની ઉજવણી કરી શકે, નવા કપડા પહેરી શકે. રમઝાન મહિનાના ઉપવાસના અંત સાથે ઈદના દિવસે મુસ્લિમો અલ્લાહનો આભાર માને છે કે, ‘અલ્લાહે તેમને આખો મહિનો ઉપવાસ કરવાની શક્તિ આપી છે.’

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.