Abtak Media Google News

‘વસુધેવ કુટુંમ્બકમ’ની ભાવના મૂળભૂત રીતે ભારતીય સંસ્કૃતિની ધરોહર ગણવામાં આવે છે. માનવી સામાજીક એક્યતા અને સમૂહમાં રહેવાની જ પ્રકૃતિ ધરાવે છે ત્યારે ઓલમ્પિક ખેલ સ્પર્ધાઓમાં હજારો રમતવીરો અલગ-અલગ રમતના માધ્યમથી એક સાથે મેદાનમાં ઉતરે છે. ઓલમ્પિકનો પ્રારંભનો ઇતિહાસ છેક બારસો વર્ષ પહેલા શરૂ થયો હતો. જૂના જમાનામાં શાંતિમય સમય દરમિયાન સૈનિકો દ્વારા વિવિધ સ્પર્ધાઓ સાથે રમત રમવાની સંસ્કૃતિનો વિકાસ થયો હતો. પ્રારંભમાં દોડ, કુસ્તી, રથદોડ, જેવા અલગ-અલગ પ્રકારના ખેલને સૈનિક પ્રશિક્ષણ સાથે દોડીને સૈનિકોનું શરીર સોસ્ઠવ અને સંઘભાવના, શિસ્ત, અને નિયમ પાલન માટે રમતનો વિકાસ થયો હતો.

સારૂ પ્રદર્શન કરવા વાળા સૈનિકોને વિરોધીઓ સામે શક્તિ પ્રદર્શન કરવાનો તક મળતી હતી. 1896માં ગ્રીસ એટલે કે યુનાનની રાજધાની એથન્સમાં પ્રથમ ઓલમ્પિક રમતોત્સવ ઓલ્મિપીયા પર્વતના નામ સાથે જોડાઇને ઓલમ્પિકનું નામ થયું. જેના પ્રથમ તબક્કે ઘોડેસવારી, કુસ્તીને લઇને લોકપ્રિય બની પછી બોક્સિગંનો ઉમેરો કરવામાં આવ્યો હતો. 393 ઇ.સ. દરમ્યાન ગ્રીસમાં રમતોત્સવો બંધ થયાં. 1896 પછી 1900માં પેરિસને ઓલમ્પિકનું યજમાન પદ બન્યું. ઓલમ્પિક ધ્વજનું નિર્માણ 1913માં થયું અને 1920માં પ્રથમવાર તેને લહેરાવવામાં આવ્યું. ઓલમ્પિકનો ઉદેશ સંઘભાવના, શિસ્ત, શક્તિપ્રદર્શન, પ્રતિસ્પર્ધિયોને રણમેદાન બહાર ખેલ જગતમાં પરાસ્ત કરવાની ભાવનાને સંતોષવા માટેનું માધ્યમ બનાવવામાં આવ્યું.

આધુનિક યુગમાં હવે જ્યારે રાજવી અને સામ્રાજ્યવાદની સંસ્કૃતિને બદલે લોકતાંત્રીક વ્યવસ્થા દુનિયાએ અપનાવી છે ત્યારે સમગ્ર વિશ્ર્વની સંઘભાવના અને પોતાના કૌશલ્યની પ્રદર્શની માટે ઓલમ્પિક આદર્શ બન્યું છે. 1904માં યોજાયેલાં સેન્ટ લૂઇ ઓલમ્પિક પછી અમેરિકન ખેલાડીઓનો દબદબો વધતો ગયો. લંડનમાં પહેલીવાર 1908માં યોજાયેલાં ઓલમ્પિકમાં ખેલાડીઓને પોતાના દેશના ઝંડા સાથે સ્ટેડિયમમાં માર્ચ પાસ્ટ કરવાનો મોકો મળ્યો. કહેવાય છે કે વિશ્ર્વ યુધ્ધના પગરણ જ ઓલમ્પિકથી મંડાયા હતાં. લંડનના ઓલમ્પિકમાં અમેરિકાના ખેલાડીઓએ બ્રિટનના જજ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો.

1912માં યોજાયેલાં ઓલમ્પિક પર વિશ્ર્વયુધ્ધની છાયાં પડી અને વિશ્ર્વયુધ્ધ પછી 1920 ઓલમ્પિકનું આયોજન થયું. બર્લીનમાં 1936માં ઓલમ્પિકના આયોજન બાદ સમગ્ર વિશ્ર્વની બદલાયેલી પરિસ્થિતિની અસર ઓલમ્પિકમાં પણ થઇ. ત્યાર પછી ધીરેધીરે આયોજનમાં સુધારાં થતાં ગયા વિશ્ર્વ મંચ પર પોતાના દેશ અને કૌશલ્યની ધરોહરને ઉજાગર કરવાની તકના સ્વરૂપમાં ઓલમ્પિકનું મહત્વ માત્ર ખેલ પુરતું જ નહિં પણ દેશની શાખ માટે પણ મહત્વનું બન્યું. આ રેસમાં અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા, જાપાન, ફ્રાન્સ જેવા બળવતર દેશોની સાથેસાથે નખ જેવડાં દેશો પણ જોડાવા લાગ્યા.

આજે આધુનિક 21મી સદીના વિશ્ર્વમાં દેશો વચ્ચે સામ્રાજ્યવાદ અને સરહદ માટેની લડાઇની આવશ્યકતા નથી. ત્યારે હરીફ દેશો પર દમામ માટે ખેલના મેદાનો જ યુધ્ધ ભૂમિ જેવા બની રહ્યાં છે. વૈશ્ર્વિક ધોરણે યોજાતાં ઓલમ્પિક મહોત્સવ, સંઘભાવના, રાષ્ટ્રભાવના, શિસ્ત, દેશદાઝની ભાવના વ્યક્ત કરવાનો માધ્યમ બની રહ્યો છે. ઓલમ્પિકમાં આ વખતે ભારતીય ખેલાડીઓએ પોતાની તાકાત બતાવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખેલ ક્ષેત્રે ભારતીય ખેલાડીઓને સફળ થવામાં વધુને વધુ સફળતા મળી રહી છે. રિયો ઓલમ્પિકમાં માત્ર 2 જ મેડલ મળ્યાં બાદ શરૂઆત થયેલાં પુરૂષાર્થની આ વખતે ભારતના ખેલાડીઓ વધુ મેડલ મેળવવા માટે સફળ થયાં છે. આ પરર્ફોમન્સ વધુમાં વધુ સુધરશે તે વાત નિશ્ર્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.