Abtak Media Google News

કોઇ પણ પ્રોડક્ટ કે બ્રાન્ડનાં પ્રચાર-પ્રસાર માટે આજકાલ જેને ટીવી અને ફિલ્મો કરતાં પણ વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે તેવા સોશિયલ મીડિયાનાં અમુક સમીકરણો ખૂબ વિચિત્ર છે! વિચિત્ર એટલા માટે કેમકે અહીં રાતોરાત સ્ટાર બનવા માટેનાં દરવાજાઓ ખુલ્લા મૂકી દેવાયા છે. બચપન કા પ્યાર વાળો બાળક હોય, પેલા આફ્રિકન વ્યક્તિઓ કે પછી પ્રિયા પ્રકાશ વરિયરને જ જોઈ લો! ડેબ્યુ ફિલ્મમાં મારેલી આંખની એક મીંચકારીએ 36 કલાકમાં પચાસ લાખથી વધુ ફોલોઅર્સ કમાવી આપ્યા, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા!

આપણે દરેક લોકો રોજબરોજ કંઇક ને કંઇક અપલોડ કરતાં હોઇએ છીએ. મારા જેવો માણસ ક્યાં તો પોતાનાં લેખ પ્રસિધ્ધ કરશે યા તો ફોટો! એવી જ રીતે અન્ય કેટલાક પાસે પોતપોતાનાં બિઝનેસ મોડ્યુલ હશે, જેનાં પ્રમોશન માટે તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં હશે. તો કોલેજ-સ્કૂલમાં ભણતાં ટીનેજર્સ પોતાનાં મનોરંજન ખાતર જાતજાતનાં વેરાયટીસભર ફોટો, વીડિયો કે જીઆઈએફ (GIF) અપલોડ કરીને સોશિયલ મીડિયાનો આનંદ માણતાં હશે.

અમિતાભ બચ્ચને ટ્વિટરને પ્રેમપૂર્વક પોતાનાં ફોલોઅર્સ વધારી આપવાની વાત કરી. તેમણે લખ્યું કે દરરોજ આટઆટલું પોસ્ટ કરીએ છીએ, આમ છતાં ફોલોઅર્સ વધારવા માટે બીજું કંઇ કરવું પડે એમ હોય તો જણાવજો!!  લાખો-કરોડો ફોલોઅર્સ અને લાઇક્સ ધરાવતાં અકાઉન્ટ્સને જોઇએ ત્યારે સ્વાભાવિક રીતે એક સવાલ થાય કે આટલી હદ્દે પોપ્યુલારિટી મેળવવા માટે શું કરવું પડે!? સ્ટાર-સિલેબ્રિટીની વાત અલગ છે, કારણકે તેઓ દર શુક્રવારે આપણા થિયેટરોમાં આવીને પોતાનું અલાયદું ઓડિયન્સ ઉભું કરે છે, જે તેમને ઓનલાઈન તેમજ ઓફલાઈન ફોલો કરતાં રહે છે.

પરંતુ સોશિયલ મીડિયા પર એવાય ઘણા અકાઉન્ટ્સ છે જેમને સિલેબ્રિટી-સ્ટેટસ સાથે કોઇ લેવા-દેવા જ નથી, તેમ છતાં તેમનાં ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે! આપણે પણ અગર એમનાં જેવી સફળ બ્રાન્ડ ઉભી કરવી હોય, એનાથી પણ વધુ ફોલોઅર્સ મેળવવા હોય તો શું કરવું પડે? સોશિયલ મીડિયાની દુનિયામાં હેશ-ટેગ કોઇ નવો શબ્દ નથી. દરેક યુઝરને તેનાં વિશે આછોપાતળો ખ્યાલ છે, પરંતુ મુશ્કેલી એ છે કે આપણે તેનું મહત્વ ઓછું આંકી બેઠા છીએ. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વ્યાપક રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા હેશટેગ્સ આપણી વ્યક્તિગત પોસ્ટને અલગ-અલગ વર્ગમાં વહેંચવાનું કામ કરે છે.

ધારો કે, તમે તમારી પોસ્ટમાં હેશટેગ-ગુજરાતી (#gujarati) લખીને કોઇ ફોટો અપલોડ કર્યો તો ઇન્સ્ટાગ્રામ પરનો યુઝર પોતાનાં સર્ચ-એરિયામાં હેશટેગ-ગુજરાતી ટાઇપ કરશે તો તમારી પોસ્ટ તેને સૌથી ઉપરનાં ક્રમ પર દેખાઈ જશે. અગર એ વ્યક્તિ તમારા ફોટોથી પ્રભાવિત થયો તો તમારું આખું અકાઉન્ટ ચેક કરશે અને યોગ્ય લાગ્યું તો કદાચ ફોલો પણ કરી શકે! કઇ જગ્યાએ, શા માટે અને કેવી રીતે આ ત્રણ પ્રશ્નોનો જવાબ બરાબર રીતે સમજીને હેશ-ટેગનો ઉપયોગ કરતાં થઈ ગયા તો તમે તમારા સોશિયલ મીડિયા પર રીતસરનો તરખાટ મચાવી શકશો!

તમે લખેલા હેશ-ટેગમાં જે કોઇ વ્યક્તિને રસ હશે એ આપોઆપ તમારા અકાઉન્ટ તરફ ખેંચાઈ આવશે. અહીં માત્ર ફોલોઅર્સ વધારવાની વાત નથી. હેશ-ટેગ્સ વડે કોઇ નવી-સવી કંપનીની પ્રોડક્ટને પણ જબરો ફાયદો થઈ શકે છે. તમને યાદ છે બિગ-બોસ સિઝન-11ની વિજેતા ક્ધટેસ્ટન્ટ શિલ્પા શિંદે? એનાં નામ પર ટ્વિટર પર ત્રણ કરોડથી પણ વધારે હેશટેગ્સનો ઉપયોગ થયો હતો.

લગભગ અઢી વર્ષ સુધી તેણે ટીવી કે ફિલ્મોમાં અભિનય નહોતો કર્યો. પ્રોડ્યુસરો સાથે ચાલી રહેલા વિવાદોને લીધે તેને એકેય વ્યક્તિ કામ આપવા તૈયાર નહોતી. બિગ-બોસની આખી સિઝન દરમિયાન પણ તેને સપોર્ટ કરવા માટે કોઇ સિલેબ્રિટી આગળ નહોતો આવ્યો. આમ છતાં ભારતભરમાં ફેલાયેલા તેનાં પ્રશંસકો અને શુભેચ્છકોએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર રીતસરનું હેશ-ટેગ અભિયાન ચલાવ્યું અને તેને શો જીતવામાં મદદ કરી! તો આ છે હેશ-ટેગની તાકાત, દોસ્તો!

આસિફા કેસ તથા દિલ્હીનાં નિર્ભયા કાંડ વખતે પણ લોકોએ આ જ રીતે હેશ-ટેગનો મારો ચલાવીને મિનિટોની અંદર આખા દેશને સાબદો કરી દીધો હતો. આ તો થઈ માણસ અથવા કોઇ ઘટનાને વાઇરલ બનાવવાની વાત! હવે ધારી લો કે તમારા નવા બિઝનેસને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવો છે તો શું થઈ શકે? સૌપ્રથમ તો તમારી પ્રોડક્ટની કેટેગરી નક્કી થવી થવી જરૂરી છે.

પીઝા, બર્ગર, સેન્ડવિચ કે અન્ય ફાસ્ટ-ફૂડની ચેઇન-રેસ્ટોરા શરૂ કરી હોય તો, હેશ-ટેગ્સ પણ ફૂડી (ખાવાનાં શોખીન) લોકોને આકર્ષે તેવા હોવા જોઈએ. ત્યારબાદ જે કોઇ શહેરમાં બિઝનેસ સ્થપાયો ત્યાંના સ્થાનિક લોકોને તમારી પ્રોડક્ટ વિશે અવગત કરાવવા માટે શહેરનાં નામનો ઉપયોગ હેશ-ટેગ તરીકે થઈ શકે. ધારો કે તમારી રેસ્ટોરામાં ઇટાલિયન ખાણું સૌથી સ્વાદિષ્ટ ગણાય છે તો ઈંફિંહશફક્ષ શબ્દને પોસ્ટમાં ઉમેરતાં રહો, જેથી ઇટાલિયન ફૂડનાં શોખીનો જ્યારે પોતાનાં શહેરમાં આવા રેસ્ટોરાંની તપાસ કરશે ત્યારે તમારું નામ મોખરે પોપ-અપ થશે! મુંબઈની ઘણી સારી-સારી હોટલો આ રીતે પોતાનું ઓનલાઈન પ્રમોશન કરતી રહે છે.

હોટલ ત્રિદંત જોઇ લો કે પછી રેડ્ડીસન બ્લ્યુ અથવા મેરિયોટ્ટ! ફક્ત હોટેલ બિઝનેસની પણ વાત નથી. દરેક પ્રકારનાં ધંધામાં સોશિયલ મીડિયા માર્કેટિંગ ખૂબ અગત્યનું છે. નિયમિતપણે તમારી અવનવી પ્રોડક્ટ વિશે સોશિયલ મીડિયા પર અપડેટ કરતાં રહો. ધીરે-ધીરે ગ્રાહકો તમારા અકાઉન્ટને ચકાસવાનું શરૂ કરી, ત્યારબાદ યોગ્ય લાગે તો ફોલો કરશે! તમે એમની રોજબરોજની ચર્ચાનો ભાગ બનતાં જશો.ટ્વિટર પર હેશ-ટેગ્સ સૌથી વધુ ઉપયોગી બને છે. કોઇ પ્રકારની ચર્ચામાં ઉતરવા માટે આજકાલ તેનો સૌથી વધુ ઇસ્તમાલ થઈ રહ્યો છે. ટ્વિટર યુઝર્સ જ્યારે રાષ્ટ્રીય મુદ્દા (દા.ત. આસિફા કેસ) પર વાતચીત કરવા માટે હેશટેગ્સનો ઉપયોગ કરે છે ત્યારે તેમનાં ફોલોઅર્સ ઉપરાંતનાં અન્ય યુઝર્સ પણ તેમની ટ્વિટ જોઇને મૂલ્યાંકન કરી શકે છે.

યોગ્ય લાગે તો ટ્વિટ પણ કરે છે અને ફોલો પણ! પરંતુ કેટલીકવાર વધારે પડતાં હેશ-ટેગ્સનો ઉમેરો કરવાથી તમારા અકાઉન્ટને નુકશાન થઈ શકે છે.  ઘણી વખત એવું બને છે કે આપણે મુખ્ય વિષયથી ભટકી જઈએ છીએ અને કેપ્શન (પોસ્ટ પર કરવામાં આવતું લખાણ) લખવામાં પૂરતું ધ્યાન નથી આપતાં. હેશ-ટેગ્સનો મારો ચલાવી દેવાથી સોશિયલ મીડિયા અકાઉન્ટ પર યુઝર/ફોલોઅર્સનો ઢગલો થઈ જશે એમ માનવું ભૂલભરેલું છે. હેશ-ટેગ એ અજાણ્યા યુઝરને તમારી વાત (મુદ્દા) વિશે જાણ કરાવતું સપોર્ટિવ એલિમેન્ટ છે.

ચોકસાઈપૂર્વકનાં હેશટેગ્સનો ઉપયોગ થાય ત્યાં સુધી બરાબર છે પરંતુ જ્યારે વધારે લાંબાલચક હેશટેગ વપરાય છે ત્યારે તેનું મહત્વ ઘટી જાય છે અને અજાણ્યો યુઝર તમારી પ્રોફાઇલ તરફ આકર્ષાવાને બદલે દૂર ભાગે છે! આથી, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય હેશ- ટેગને તમારી પ્રોડક્ટ-પ્રમોશનનાં મુખ્ય-એલિમેન્ટ (લખાણ અથવા કેપ્શન) પર ભારે નહી પડવા પડવા દેવાનાં! નહીંતર ગમે એટલી સારી બ્રાન્ડ હોવા છતાં પણ તમે સોશિયલ મીડિયા પર ખાસ કશુ ઉકાળી નહીં શકો! ઇન્સ્ટાગ્રામ પર પણ આ તમામ ટેકટિક્સ કામ કરે છે.

સારા ફોટો અથવા વીડિયો પર યોગ્ય હેશટેગ્સ લગાવવામાં આવે તો રાતોરાત તેને વાઇરલ કરી શકાય છે. અગર તમે સારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છો તો તમારા માટે ત્યાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. અગર તમારી પાસે કોઇ ખાસ કળા છે, દેખાવ સારો છે, જીમમાં જઈને બનાવેલું સિક્સ-પેક બોડી છે અથવા અન્ય કંઈ પણ ખાસિયત છે તો ઇન્સ્ટાગ્રામ પરની તમારી પોસ્ટ્સ પર હેશટેગ્સ લગાડવાનું શરૂ કરી દો. તેનાં લીધે તમે, તમારા જેવો રસ ધરાવતાં દેશ-વિદેશનાં અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ સુધી પહોંચી શકશો અને તમારી જાતને લાઇમલાઇટમાં લાવી શકશો! એક ખાસ વાત. ફેસબુક કે લિન્ક્ડ-ઇન પર હેશ-ટેગ્સ કશાય કામનાં નથી.

કારણકે આપણે ક્યારેય ફેસબુક પર હેશટેગનાં માધ્યમ વડે પ્રોડક્ટ વિશે માહિતી નથી મેળવતાં. અન્ય મોટી કંપનીઓ પણ ફેસબુક/લિન્ક્ડ-ઇન પર ક્યારેય હેશ-ટેગનો ઉપયોગ નથી કરતી. ફેસબુક પર 2013ની સાલમાં લોન્ચ થયેલા હેશ-ટેગનો વ્યાપક પ્રમાણમાં ફેલાવો ન થયો, જેનાં લીધે આજની તારીખે પણ ફેસબુક પર લખાણ અને ફોટો-વીડિયોનું મહત્વ સૌથી વધારે છે. અમેરિકામાં થયેલ રિસર્ચમાં સામે આવ્યું હતું કે ફેસબુક પર થયેલો હેશ-ટેગનો ઉપયોગ કોઇપણ ધંધા માટે નુકશાનકર્તા પુરવાર થઈ શકે છે.

ફેસબુક યુઝર્સ હેશ-ટેગ્સથી ચીડાઈ જતાં હોય છે. આથી ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર જ તેનો વધુ ઉપયોગ થાય એ હિતાવહ છે.  આજનાં જમાનામાં સોશિયલ મીડિયાનું નામ સાંભળતાંવેંત આપણા આંખ, કાન સરવા થઈ જાય છે. કરોડો યુઝર્સ દરરોજ કેટકેટલુંય ક્ધટેન્ટ અપલોડ કરતાં રહે છે. એવામાં જ્યારે તમે તમારું પોતાનું ક્ધટેન્ટ અપલોડ કરો છો ત્યારે તે વધુ લોકોની નજરમાં આવે એ જોવું ખૂબ જરૂરી છે.

અન્યથા બીજી બધી પોસ્ટ્સની માફક તમારી પોસ્ટ પણ બે સેક્ધડમાં સ્ક્રોલ થઈ જશે અને કોઇની નજર સુદ્ધા એના પર નહીં પડે! એટલે બની શકે તો આજથી જ સમજણપૂર્વક હેશ-ટેગ્સનો ઉપયોગ કરતાં થઈ જાઓ, જેથી તમારે તમારો સમય, શક્તિ અને પૈસા બિઝનેસ-માર્કેટિંગ પાછળ ઓછા ખર્ચવા પડે!

તથ્ય કોર્નર
હેશટેગ શબ્દ ઓક્ષફોર્ડ ડિક્શનરીમાં પણ સ્થાન ધરાવે છે!

વાઇરલ કરી દો ને
સોશિયલ મીડિયાના પ્રચલનથી હવે લોકોની ભાષાઓમાં પણ હેશટેગ એક વિશ્લેષણ રૂપે વણાઈ ગયું છે! # વાઇરલ પોસ્ટ #ફન # સોશિયલ મીડિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.