Abtak Media Google News

રાઈડ્સ સંચાલકો અને આઈસ્ક્રીમના વેપારીઓ દ્વારા સતત ત્રીજી વાર હરાજીનો બહિષ્કાર : સાંજે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક

લોકમેળામાં રાઈડ્સ અને આઈસ્ક્રીમના 70 પ્લોટનું હવે શું કરવું ? તે મામલે તંત્ર અવઢવમાં હોય આજે સાંજે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજનાર છે. જેમાં પ્રાંત સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.

ગેમઝોન દુર્ઘટના બાદ લોકોની સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.

તેમાં જ્યાં વધુ જનમેદની એકત્ર થતી હોય તેવા સ્થળોએ યાંત્રિક અને રાઈડ્સ માટે ફરજિયાત એનડીટી રિપોર્ટ, ફાઉન્ડેશન, એડવાન્સ ટેક્સ, સોગંદનામાં, સોલ રિપોર્ટ માગવામાં આવતા રાઇડ્સના સંચાલકોએ કેટલાક નિયમમાં છૂટછાટ આપવાની માગણી કરી હતી.આ માટે કલેક્ટર સાથે બબ્બે વખત મંત્રણા પણ કરવામાં આવી હતી. પરંતુ કલેક્ટર તંત્ર દ્વારા નિયમમાં કોઈ બાંધછોડ કરવાનો ઈનકાર કરતા રાઈડસ માલિકોએ હરાજીનો બહિષ્કાર કરી તંત્રને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તંત્ર ટસનું મસ થયું ન હતું.

જિલ્લા કલેકટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, સરકારની માર્ગદર્શિકામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. રાઈડ્સ સંચાલકો મેળામાં ભાગ ન લે તો પણ ચાલશે.દરમિયાન ગતરોજ હરાજીમાં રાઇડ્સ સંચાલકોએ નમતું ન જોખતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સુરક્ષા અને સલામતીના નામે જે એસઓપી બનાવવામાં આવી છે. તેનું પાલન કરવું શક્ય નથી. અત્યાર સુધી મેળામાં ક્યારેય દુર્ઘટના થઈ નથી. આમ છતા પણ ઈલેક્ટ્રીક, ફાયર, પોલીસ એનઓસી આપવામાં આવતી જ હતી. એટલું જ નહીં પ્રત્યેક રાઇડ સંચાલકો બે કરોડનો વીમો અને 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ પણ આપવા તૈયાર છે. છતાં પણ નિયમ હળવા કરવામાં આવતા નથી.

હરાજી નહીં થતા બાકી વધેલા 70 પ્લોટનું શું કરવું તે અંગે આજે સાંજે પ્રાંત અધિકારી જિલ્લા કલેકટર સાથે બેઠક કરશે. વધેલા પ્લોટ રમકડા કે ખાણીપીણીના ધંધાર્થીઓને આપવા કે અન્ય લોકોને આપવા તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તંત્રએ લોકમેળામાં આઇસ્ક્રીમના 11 સ્ટોલને બદલે 16 સ્ટોલ કરી દેતા આઈસ્ક્રીમના વેપારીઓએ પણ આજે હરાજીનો બહિષ્કાર કર્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, ગત વખત કરતા આ વખતે સ્ટોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છતાં પણ અમે મંજૂર રાખ્યો હતો પરંતુ સ્ટોલમાં ઘટાડો નહીં કરતા હરાજીમાં ભાગ લીધો નથી. જોકે આ અંગે તંત્રએ એવું જણાવ્યું હતું કે, ડાયરેક્ટ આઈસ્ક્રીમની કંપનીને સ્ટોલ ફાળવવા સંપર્ક કરાશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.