Abtak Media Google News

ડાયાબિટીઝ જેવા મેટાબોલિક અને લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડરમાં યોગ ઘણી રીતે મદદરૂપ થઈ શકે છે

ભારતમાં આજે ડાયાબિટીઝનો વ્યાપ ઘણો વધારે છે, પરંતુ એવું નથી કે આ રોગ આપણા માટે નવો છે. આયુર્વેદમાં પણ આ રોગનો ઉલ્લેખ છે અને એનો ઇલાજ પણ છે. મહત્વનું એ છે કે પહેલાં લોકો એક્સરસાઇઝ નીરોગી રહેવા માટે નહોતા કરતા, એ તેમના જીવનનો એક ભાગ હતો. ખોરાક પોષણ માટે લેતા હતા, વેઇટલોસ કે ગેઇન કરવા માટે નહીં. એ જ રીતે યોગ આધ્યાત્મિક રીતે આગળ વધવાનો અને જીવનને બેલેન્સ કરવાનો માર્ગ હતો, જેમાં નીરોગીપણું બાય પ્રોડક્ટ તરીકે મળી આવતું. આજે લોકો પ્રશ્ન પૂછે છે કે યોગ ડાયાબિટીઝમાં મદદરૂપ છે કે નહીં. હકીકત એ છે કે યોગ દરેક રોગમાં મદદરૂપ છે, કારણ કે એ શરીરમાં કોઈ પણ પ્રકારના ઇમ્બેલેન્સને દૂર કરીને બેલેન્સ સ્થાપવાની કોશિશ કરે છે. ડાયાબિટીઝ જેવા મેટાબોલિક અને લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડરમાં યોગ ઘણી રીતે મદદરૂપ થઈ શકે છે. લોકો આજે પણ યોગ પર આ બાબતે ઘણો વિશ્વાસ ધરાવે છે. યુએસવી ઇન્ડિયા દ્વારા હાલમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ મુંબઈની ૪૦ ટકા ડાયાબિટીઝ ધરાવતી સ્ત્રીઓ માને છે કે ડાયાબિટીઝ સામે લડવા માટે યોગ બેસ્ટ છે. આ સર્વે દિલ્હી, મુંબઈ, બેન્ગલોર, કલકત્તા અને અમદાવાદની ડાયાબિટીઝ ધરાવતી ૧૨૦૦ સ્ત્રીઓ પર કરવામાં આવ્યો હતો; જેમાં ડાયાબિટીઝને લગતી બીજી ઘણી અલગ-અલગ બાબતોની જાણકારી પણ મળી હતી. જો યોગની જ વાત કરીએ તો ભારતભરમાં ૩૪ ટકા સ્ત્રીઓએ આ માન્યું હતું કે યોગ ડાયાબિટીઝ સામે લડવા માટે શ્રેષ્ઠ કામ કરે છે.

ડાયાબિટીઝના દરદીઓને યોગ અત્યંત ઉપયોગી છે જ એ વાત સાબિત થયા પછી આજે જાણીએ સાંતાક્રુઝના ધ યોગ ઇન્સ્ટિટ્યૂટનાં યોગગુરુ હંસા યોગેન્દ્ર અને વિલે પાર્લેના ન્યુ એજ યોગ સેન્ટરનાં યોગગુરુ સંધ્યા પત્કી પાસેથી કે કયા પ્રકારનાં આસનો ડાયાબિટીઝના દરદીઓએ કરવાં જોઈએ. ડાયાબિટીઝના દરદીઓને શીતલી પ્રાણાયામ, ઉજજેય પ્રાણાયામ, યોગનિદ્રા અને સભાનપણે કરવામાં આવતું રિલેક્સેશન પણ ઘણું જ જરૂરી અને ઉપયોગી છે. નિષ્ણાતોના મત મુજબ જે આસનમાં પેટના સ્નાયુઓ પર બળ પડે એવાં આસનો ડાયાબિટીઝમાં ઉપયોગી છે. આ આસનોથી તેમનું પાચન સારું થાય. આગળ ઝૂકવાનાં આસનો પણ તેમને ઘણાં મદદરૂપ થાય, પરંતુ શરત ફક્ત એટલી છે કે વ્યક્તિને હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ ન હોવી જોઈએ. જાણીએ ડાયાબિટીઝના દરદીઓ માટે કેટલાંક અત્યંત ઉપયોગી આસનો.

અર્ધમત્સ્યેન્દ્રાસનCh7Top2Sub2Sub10Pic1

પગ આગળની તરફ રાખીને કરોડરજ્જુ ટટ્ટાર રાખીને બેસવું. જમણો પગ ઘૂંટણેથી વાળવો અને ડાબા પગ બહારની તરફ ગોઠવવો. ડાબો પગ ઘૂંટણેથી વાળીને એની એડી જમણા હિપની બાજુમાં ગોઠવો.ડાબો હાથ જમણા પગના ઘૂંટણેથી ફેરવીને એવી રીતે લેવો કે એ જ હાથેથી પગના તળિયાને પકડી શકાય. જમણો હાથ પીઠ પર પાછળની તરફ અદબ વાળતા હોય એ રીતે અને ગરદનને વાળીને એકદમ પાછળની તરફ જોવું. આ પોઝિશનમાં જેટલી વાર સ્થિર રહી શકો એટલું સારું છે. સ્થિર થાઓ ત્યારે તમારા પેન્ક્રિયાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. એ ઘણું જ અસરકારક સાબિત થશે. જે રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા એમ જ પાછા જવું. આ જ રીતે બીજી બાજુએ કરવું. આ અર્ધમત્સ્યેન્દ્રાસન અત્યંત ઉપયોગી આસન છે, પરંતુ જે લોકોની સ્થિતિસ્થાપકતા ઓછી હોય તેમને આ અઘરું પડે. તો તેમણે આ જ આસનનાં બીજાં વેરિએશન કરી શકાય. જેમનાથી અર્ધમત્સ્યેન્દ્રાસન ન થાય તેમણે પહેલાં વક્રાસનની પ્રેક્ટિસ કરવી. ધીમે-ધીમે શરીર ફ્લેક્સિબલ બને તો એમ આ આસનની પ્રેક્ટિસ કરી શકાય છે.

હસ્તપાદાસન

514C02B677C6Dc81B2Fa5Eba3960B85Aઆ આસન ઊભાં-ઊભાં કરાય છે. બન્ને પગ ભેગા રાખીને સીધા ઊભા રહો. શ્વાસ લેતાં-લેતાં બન્ને હાથને ઉપર તરફ લઈ જાઓ અને કરોડરજ્જુને સીધી ઉપર તરફ ખેંચો. શ્વાસ છોડતાં-છોડતાં બન્ને હાથ સાથે કમરથી ઉપરનું શરીર વાળો અને હાથને પગની બાજુમાં ગોઠવો. માથું ઘૂંટણને અડાડો. આ પોઝિશનમાં થોડો સમય રહો. આ સમયે પેન્ક્રિયાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. જો આ સમયે શ્વાસ રોકી ન શકો તો નોર્મલ ગતિએ શ્વાસ-ઉચ્છ્વાસ ચાલુ રાખો. શ્વાસ લઈને ફરીથી હાથ ઉપર તરફ કરતાં શરીર સીધું કરો અને પછી હાથને સીધા નીચે લાવો. આમ જે રીતે આસનમાં આગળ વધ્યા એ જ રીતે પાછા જાઓ.

પશ્ચિમોત્તાનાસન 

Zigya

મોટા ભાગના ડાયાબિટીઝના દરદીઓની ફાંદ મોટી હોય છે અને એને કારણે આ આસન તેઓ વ્યવસ્થિત ન પણ કરી શકે એવું બને, પરંતુ એને કારણે આસન છોડી ન દો. પ્રયત્ન કરતા રહો. ધીમે-ધીમે એ શક્ય બનશે. જેમ હસ્તપાદાસન ઊભા-ઊભા કરવાનું હતું એ જ રીતે જો આ આસન બેઠાં-બેઠાં કરવાનું હોય તો એ પશ્ચિમોત્તાનાસાન બની જાય છે, જેમાં પગ આગળની તરફ લાંબા કરીને બેસવું. કરોડરજ્જુ એકદમ સીધી હોવી જરૂરી છે. બન્ને હાથને શ્વાસ લેતાં-લેતાં ઉપર તરફ ઉઠાવવા અને શ્વાસ છોડતાં-છોડતાં કમરથી ઉપરનું શરીર નીચે તરફ ઝુકાવવું. એમાં આદર્શ રીતે તમારા બન્ને હાથે તમારા પગનાં તળિયાં પકડેલાં હોવાં જરૂરી છે અને માથું ઘૂંટણને અડવું જરૂરી છે. પરંતુ જો એ શક્ય ન બને તો જેટલે સુધી નીચે જઈ શકાય એટલે સુધી નીચે વળવું અને એ જ પોઝિશનને પકડી રાખવી. એ સમયે પેન્ક્રિયાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. એ પછી શ્વાસ લેવો અને હાથ ઉપર લઈ જવા અને શ્વાસ છોડતાં-છોડતાં હાથ નીચે લાવવા અને રિલેક્સ થવું.

ગોમુખાસન14F3C643468A9134A3A3C8D053E4B7Fd

આ આસન બેઠાં-બેઠાં કરવાનું હોય છે જેમાં બન્ને પગને એકબીજા ઉપર ક્રોસમાં ગોઠવવાના હોય છે. સૌપ્રથમ જમણા પગની જાંઘને ડાબા પર ગોઠવો અને બન્ને પગ એકદમ ક્રોસમાં રહેવા જોઈએ. અહીં જમણો પગ ડાબા પગની ઉપર છે એટલે જ જમણો હાથ ખભા પાસેથી અને પીઠની પાછળ સ્ટ્રેચ કરીને લઈ જવો અને ડાબો હાથ કમર તરફથી નીચેની બાજુએથી ઉપર તરફ લઈ જવો અને કોશિશ એ કરવી કે બન્ને હાથ એકબીજાને પકડી શકે. ઘણી વખત વ્યક્તિ મેદસ્વી હોય ફ્લેક્સિબલ ન હોય તો એનાથી બન્ને હાથ એકબીજાને અડે નહીં એવું બને. પરંતુ જેટલી થાય એટલી કોશિશ કરવાની, ધીમે-ધીમે આગળ વધશે. આ જ રીતે બીજી વાર કરીએ ત્યારે ડાબો પગ જમણા પગની ઉપર આવશે અને ડાબો હાથ પણ ખભા પાસેથી ઉપરથી લેવાનો રહેશે. આ આસનમાં મુખ ગાય જેવું લાગે છે એટલે એને ગોમુખાસન કહે છે. પેટના સ્નાયુઓ અને કરોડરજ્જુ બન્ને માટે એ ઘણું ઉપયોગી આસન છે.

પવનમુક્તાસન

Pawanmuktasana 1423995850જેમના શરીરમાં ગેસ, અપચો, ઍસિડિટી જેવી તકલીફો છે તેમને પવનમુક્તાસન ખૂબ ઉપયોગી છે. ડાયાબિટીઝ મેટાબોલિઝમને લગતો રોગ છે એટલે ડાયાબિટીઝના દરદી માટે પણ એ બેસ્ટ આસન છે. આ આસન સૂતાં-સૂતાં કરવાનું હોય છે. વ્યક્તિ પીઠ પર સૂતી હોય ત્યારે સૌપ્રથમ જમણો પગ ઘૂંટણેથી વાળીને બન્ને હાથે એને પકડીને છાતી સુધી લેવો. જે લોકોને આટલું કરવાની તકલીફ પડે છે તેમણે અહીં જ અટકી જવું. જેમનાથી આ સરળ રીતે થાય છે તેમણે તેમનું માથું પણ ઊંચકવું અને નાક ઘૂંટણે લગાડવું. આ જ રીતે ડાબા પગથી પણ કરવું અને પછી બન્ને પગે એકસાથે પણ કરવું. બન્ને પગને બન્ને હાથથી પકડીને છાતીસરસા ચાંપી દેવા અને નાક ઘૂંટણને અડાડવું.

ભુજંગાસન

Bhujangasana Cobra Poseસર્પ જેવી અવસ્થા આ આસનમાં લેવાની છે. ઊંધા સૂઈ જવું. બન્ને હાથને છાતીની બાજુમાં રાખવા. હથેલી જમીનને ચોંટેલી. શ્વાસ લેતાં-લેતાં નાભિ સુધીનું શરીર સાપ જેમ ઊભો થાય એમ ઊભું કરવું. હાથની કોણીઓ વળેલી જ રાખવી, સીધી ન કરવી. આ પોઝિશનમાં પેન્ક્રિયાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને હોલ્ડ કરવું. શ્વાસ છોડતાં-છોડતાં નીચે આવવું. આ આસનમાં ધ્યાન એ રાખવું કે કેટલું ઊઠવાનું છે અને એ ઊઠતા હો ત્યારે કમર પર તકલીફ આવતી નથીને એ ખાસ જોવું. કમરના સ્નાયુઓ ખેંચાઈ જાય કે કોઈ ઇન્જરી થઈ જાય એ હદે સ્ટ્રેચ ન આપવો.

ધનુરાસન

20 1497959000 3આ આસનમાં શરીર આખું ધનુષ કે કમાન જેવું થઈ જાય છે. જે લોકોથી ભુજંગાસન સરળતાથી થાય છે તેઓ ધનુરાસન કરી શકે છે. આ આસનમાં ઊંધા સૂઈ જવું અને બન્ને હાથેથી ઘૂંટણથી વાળેલા પગ પકડી લેવા અને પેટ પર ઊભા થવું. એટલે આખું શરીર એકદમ જ વળી જશે અને કમાનનું રૂપ ધારણ કરશે. જ્યારે કમાનના સ્વરૂપમાં હો ત્યારે થોડું હોલ્ડ કરવાનો પ્રયત્ન કરવો અને એ સમયે પેન્ક્રિયાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.