ફક્ત મે મહિનામાં જ વોટ્સએપે 19 લાખ એકાઉન્ટસ પર મુક્યો પ્રતિબંધ !!

મે માસમાં મળેલી કુલ 528 ફરિયાદોના આધારે વોટ્સએપની મોટી કાર્યવાહી

સોશ્યલ મીડિયાનું વાયરલ દિન પ્રતિદિન વધુ ખતરનાક બની રહ્યું છે ત્યારે આ વાયરલ ’વાયરસ’ સાબિત થાય અને વૈમનસ્ય ફેલાવે તે પૂર્વે જ વોટ્સએપ હરકતમાં આવ્યું છે. મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના તાજેતરના માસિક અહેવાલ મુજબ કંપનીએ મે મહિનામાં તેની ફરિયાદ ચેનલ દ્વારા યુઝર્સની ફરિયાદોના આધારે ભારતમાં 19 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.  વ્હોટ્સએપના પ્રવક્તાએ આ અંગે કહ્યું છે કે, તાજેતરના માસિક અહેવાલ મુજબ વોટ્સએપએ મે મહિનામાં 19 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું છે કે, કંપનીના આ માસિક યુઝર સિક્યોરિટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને તે ફરિયાદો પર વોટ્સએપ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીનું પ્રતિબિંબ છે.

મે મહિનામાં વોટ્સએપને કુલ 528 ફરિયાદના અહેવાલો મળ્યા હતા અને 24 એકાઉન્ટ પર પ્રક્રિયા કરવામાં આવી હતી. આ અપીલોમાંથી 303 તેમના પોતાના પ્રતિબંધ માટે અને અન્ય એકાઉન્ટ સપોર્ટ, પ્રોડક્ટ સપોર્ટ અને સલામતી સંબંધિત હતી.

અગાઉ વોટ્સએપએ એપ્રિલ મહિનામાં 16 લાખથી વધુ ભારતીય ખાતાઓ અને માર્ચ મહિનામાં 18.05 લાખ ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુઝર્સ તરફથી મળેલા નેગેટિવ ફીડબેકને ધ્યાનમાં રાખીને એકાઉન્ટ પર પ્રતિબંધની આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષોથી અમે અમારા પ્લેટફોર્મ પર અમારા વપરાશકર્તાઓને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની પ્રક્રિયામાં ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ કર્યું છે.

ગયા વર્ષે દેશમાં અમલમાં આવેલા નવા આઇટી નિયમો અનુસાર મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સ (5મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથે) એ દર મહિને તેમના અનુપાલન અહેવાલ પ્રકાશિત કરવો જરૂરી છે, જેમાં તેઓ મહિના દરમિયાન મળેલી ફરિયાદો અને કાર્યવાહીની વિગતો આપે છે.

ફક્ત 3 માસમાં જ વોટ્સએપએ 53 લાખ ભારતીય એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ !!

નવા આઈટી એકટની અમલવારી બાદ વોટ્સએપ હરકતમાં આવી ગયું છે. ફક્ત 3 માસમાં જ વોટ્સએપએ 53 લાખથી વધુ ભારતીય એકાઉન્ટસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ વોટ્સએપએ એપ્રિલ મહિનામાં 16 લાખથી વધુ ભારતીય ખાતાઓ અને માર્ચ મહિનામાં 18.05 લાખ ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુઝર્સ તરફથી મળેલા નેગેટિવ ફીડબેકને ધ્યાનમાં રાખીને એકાઉન્ટ પર પ્રતિબંધની આ કાર્યવાહી કરવામાં આવી છે.