ગાયએ તંદુરસ્ત વાછરડીને જન્મ આપતા ગૌ ભકતે ‘બદુડી’ને પેંડાથી જોખી

હળવદના અમરાપરના ગૌપ્રેમીએ ગાય બીમાર રહેતા અનોખી માનતા માની અને પૂર્ણ કરી

 

અબતક,  હળવદ

સામાન્ય રીતે આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ માટે બાળકને સાકર કે પેંડા કે ચાંદી ભારોભાર જોખવાની માનતાઓ લેવાતી હોય છે ત્યારે હળવદના ગૌપ્રેમીએ પોતાની ગર્ભવતી વ્હાલસોય ગાય બિમાર પડી જતા ગાયને હેમખેમ પ્રસુતિ થઈ જાય તો આવનાર વાછરડા – વાછરડીને પેંડા ભારોભાર જોખવાની માનતા રાખી હતી અને તંદુરસ્ત બદુળીનો જન્મ થતા આ ગૌભક્તે આજે 30 કિલિગ્રામ વજનના પેંડા ભારોભાર જોખવામાં આવી હતી.

હળવદ તાલુકાના અમરાપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કરશનભાઇ ચાવડા ગૌભક્ત છે અને ઘણા સમયથી તેમને ગાય પાળેલી છે.તાજેતરમાં તેમની વહાલસોયી પ્રસૂતા ગૌમાતા બીમાર પડી જતા પ્રકાશભાઈએ ગૌમાતાને હેમખેમ પ્રસુતિ થઈ જાય તે માટે ગામમાં જ આવેલ તેમના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે આવનાર વાછરડી કે વાછરડાને પેંડા ભારોભાર જોખવા ટેક લીધી હતી. જોગાનુજોગ ધર્મેન્દ્રભાઈ ચાવડાની વહાલી ગાય માતાએ સુંદર મજાની વાછરડીને જન્મ આપ્યો છે અને હાલમાં ગાય માતા અને વાછરડી બન્ને સ્વસ્થ હોય તેઓએ કુળદેવી માતાના મંદિરે વાછરડીને ગામ લોકોની બહોળી હાજરી વચ્ચે પેંડાથી જોખતા 30 કિલોગ્રામ પેંડા ઉપયોગમાં લેવા પડયા હતા. નોંધનિય છે કે, ધર્મેન્દ્રભાઈએ વાછરડી માટે સ્પેશિયલ પેંડા બનાવડાવ્યા હતા અને માનતા પૂર્ણ થયે તમામ પેંડા ગ્રામજનોને પ્રસાદરૂપે વિતરણ કર્યા હતા.