જ્યારે કોઈ સાધુ ભજન કરે છે ત્યારે સાધન સંપન્ન લોકોને ખૂબ જ તકલીફ થાય છે:મોરારીબાપુ

જો બાપ હાજર-હયાત નથી તો એનું સ્મરણ કરો અને હાજર છે તો એની સેવા કરો:ફાધર્સ ડે પર બાપુની યુવાઓને શીખ

વ્યાસ ગુફા,માણા ગામ, બદ્રીનાથધામથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે બાપુએ કહ્યું કે એક એવો પ્રશ્ન છે કે અમે આપની સામે માથું ઝુકાવી,હાથ જોડીને ઊભીએ છીએ,આપ અમારું સ્વાગત કઈ રીતે કરો છો?તેના જવાબમાં ભગવાન વેદવ્યાસના શબ્દોમાં બાપુએ વિવિધ રીતે સ્વાગત કેમ કરાય એની વાત કરી અને કહ્યું કે હું તમને ’બાપ’ કહીને સ્વાગત કરું છું.આજે ફાધર્સ ડે ને યાદ કરીને બાપુએ આ સ્થળ ખૂબ જ મોટું તપસ્થળ-તીર્થ સ્થળ છે એ બતાવતા જણાવ્યું કે પિતામહ બ્રહ્મા પોતાની અતિ પ્રિય રચનાની પાછળ કોઈ કારણથી દોડ્યા અને એ વખતે ભગવાન શંકરને ગુસ્સો આવ્યો કે આ પિતામહ છે અને આવી બુદ્ધી કઈ રીતે બની!અને એને કારણે શંકરના હાથે બ્રહ્મહત્યા લાગી.એ બ્રહ્મહત્યા કોઈ રીતે છૂટતી ન હતી.મહાદેવ મહાવિષ્ણુ નારાયણ પાસે આવ્યા અને એને સઘળી વાત બતાવી.

એ વખતે વિષ્ણુએ કહ્યું કે આ એ ક્ષેત્ર છે બદ્રીવિશાલ,ત્યાં જઈ અને થોડો સમય તપ કરો. એ આધારે આ સ્થળ ખૂબ જ મોટું તપસ્થળ છે. અગ્નિ બધું જ ખાય છે શુભ અને અશુભ બંનેનો આહાર કરે છે.અશુભ ખાવાથી અગ્નિને પાતક લાગ્યું એ વખતે અગ્નિને કહેવામાં આવ્યું કે હિમાલય નગાધિરાજની આ ભૂમિ ઉપર જઈ અને થોડો સમય તપ કર. ભગવાન શ્રી કૃષ્ણ પ્રધ્યુમનના જન્મ પછી અહીં તપ કરવા આવેલા.રામજી એ પણ અહીં તપસ્યા કરી અને પરિવ્રાજક દેવર્ષિ નારદને શ્રાપ હતો કે કોઈ સ્થળે વધુ સમય ટકી ન શકે.

અને એ અલકનંદા સરસ્વતી જ્યાં વહે છે એ આ સ્થળે આવ્યા અને બેઠા.સહજ સહજ સમાધિ લાગી ગઈ. નારદની સમાધિને કારણે ઈન્દ્રને તકલીફ થઈ કે કદાચ મારું સ્વર્ગ છીનવાઈ જશે!બાપુએ જણાવ્યું કે જ્યારે કોઈ સાધુ ભજન કરે છે ત્યારે સાધનસંપન્ન લોકોને ખૂબ જ તકલીફ થાય છે.ઉદ્ધવજીએ સારૂપ્ય મુક્તિ માટે અહીં તપ કરેલું.બાપુએ કહ્યું કે કોઈ એક વક્તા પોતાનું સર્વસ્વ છોડી અને વિશ્વમંગલ માટે સંવાદ કરે છે એનાથી મોટું આ જગતનું સન્માન બીજું કયું હોઈ શકે!બાપુએ એ પણ કહ્યું કે 60 વર્ષમાં મેં નજરે જોયું છે કે એ હવા એ પૃથ્વી એ પાણી આજે નથી.બધું જ દૂષિત,પ્રદૂષિત અને બગડેલું દેખાય છે.

એ આકાશ પણ નથી એ પાણી પણ નથી.વ્યાસ વિશ્વાસ વિશે વાત કરતાં બાપુએ કહ્યું કે તુલસીજીએ ભગવાન વ્યાસનો આધાર લઈ અને વિશ્વાસના ચાર રૂપ બતાવેલા છે.જેમ ગાયને દોહતી વખતે નેતરું બાંધવું પડે નહીં તો ગાયના પગને કારણે જ્ઞાનરૂપી દૂધ ઢોળાઈ જાય. નિવૃત્તિ એ રસ્સી અથવા નેતરું છે.બાપુએ કહ્યું કે વિશ્વાસના ચાર રૂપમાં પહેલું છે:પાત્રતા.વિશ્વાસ જ એ પાત્ર છે જે જ્ઞાનને ધારણ કરી શકે છે.બીજો બાપ વિશ્વાસ છે.ભગવાન વેદવ્યાસ કહે છે કે બાપ વિશ્વાસ અને શ્રદ્ધા મા છે.