કારની એકલી સવારીમાં માસ્ક ફરજીયાત તો ઘરમાં ક્યારે?

કાચ બંધ વચ્ચારે સંક્રમિતતા તો ઘરના બારી-દરવાજા વાંકી દેવાના?

વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતીઓ રાખવી જરૂરી છે. માસ્ક પહેરવું, સોશ્યલ ડિસરન્સ જાળવવું સહિતની સાવચેતીઓ રાખવી જરૂરી છે ત્યારે આ સાવચેતીઓનો અતિરેક થાય તેવું પણ ચાલે નહીં. ગૃહ મંત્રાલયે એક અજીબ માર્ગદર્શિકા આપીને કારમાં એકલા સવારી કરતા ચાલકે પણ માસ્ક પહેરવું જરૂરી છે તેવો ઉલ્લેખ આ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ એકલો જ હોય, કારના કાચ બંધ હોય, ત્યારે સંક્રમણ કંઈ રીતે વધી શકે તે સવાલ આ પરિપત્ર જોતા ઉદ્ભવી રહ્યો છે. પરિપત્રમાં સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કારમાં એકલો વ્યક્તિ હોય અને માસ્ક પહેરે નહીં તો પણ સંક્રમણ વધે તો શું ઘરમાં માસ્ક નહીં પહેરવાથીસંક્રમણ નહીં વધે તેવો સવાલ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યો છે. જો બંધ ગાડીમાં સંક્રમણ ફેલાવાની દહેશત હોય તો ઘરના ખુલ્લા બારી-દરવાજાને કારણે સંક્રમણ નહીં ફેલાય તેની ખાતરી શુ ? જો કાચ બંધ કારમાં માસ્ક નહીં પહેરવાથી સંક્રમણ ફેલાતું હોય તો  ખુલ્લા બારી-દરવાજાને તો ચોક્કસ સંક્રમણ ફેલાશે જ. જો કારમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવતું હોય તો ઘરમાં પણ માસ્ક પહેરવું ફરજીયાત તો બનાવવું જ જોઈએ અને સાથોસાથ ઘરના બારી-દરવાજા પણ બંધ જ રાખવા તેવો પરિપત્ર પણ જાહેર કરવો જોઈએ.

હવે કારની એકલી સવારીમાં પણ માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. હાલ સુધી જો તમે એકલા ગાડી ચલાવતા હોય તો માસ્ક પહેરવું ફરજીયાત ન હતું પરંતુ ગૃહ મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટમાં માસ્ક ફરજીયાત પહેરવુ તેવો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે કોઉ વ્યક્તિ એકલો હોય ત્યારે પણ કોરોના સંક્રમણ ફેલવાની શક્યતાઓ હોય તો શું હવે ઘરમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત બનાવવું જોઈએ કે કેમ તેવો સવાલ ઉદ્ભવયો છે.

હવે કારમાં એકલા સવારી કરતા લોકો કે જેમણે માસ્ક નહીં પહેર્યા હોય તેમને પણ દંડ ફટકારવામાં આવશે તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. ૧લી જાન્યુઆરીના રોજ ગરિહ મંત્રાલય દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો અને ગત શનિવારે રાજ્યના તમામ પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસવડાને આ પરિપત્ર મોકલવામાં આવ્યા છે. જેથી રાજ્યમાં આજથી જ આ નિયમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.

ગૃહ મંત્રાલયના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર આ નિર્ણયની અમલવારી કંઈ રીતે કરાવવી અને આ નિર્ણય અંગે વધુ સ્પષ્ટતા કરવા આજે એક મહત્વપૂર્ણ બેઠક મળનારી છે. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ હાજર રહેશે. ઉપરાંત આ બેઠકમાં રાજ્ય ભરના પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસવડા પણ હાજર રહેનાર છે. ઉલ્લેખનીય બાબત છે કે, આ બેઠક વર્ચ્યુલી મળનારી છે. ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર આ પરિપત્રને કારણે રાજ્યભરના પોલીસ અધિકારી અને કર્મચારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.

આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અગાઉ માસ્ક અંગે અનેક જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. અંતિમ જાહેરનામાની હું સમીક્ષા કરી રહ્યો છું. મારા મત મુજબ જે જાહેરમાનું બહાર પાડવામાં આવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા નથી તેમ છતાં હું આજે વધુ એકવાર આ જાહેરનામાનો અભ્યાસ કરીશ.

અમદાવાદ ટ્રાફિક પોલીસના એસીપી મયંકસિંહ ચાવડાએ આ અંગે કહ્યું હતું કે, અગાઉ એકલા કારની સવારી કરતા હોય પરંતુ માસ્ક પહેર્યું ન હોય તેવા ચાલકો પાસેથી પણ દંડ વસુલવામાં આવતો હતો. કારમાં માસ્ક નહીં પહેરવાથી સંક્રમણની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે આ જાહેરનામું પ્રજાના હિતમાં ચબે તેમ છતાં આ અંગે કોઈ સ્પષ્ટતા આવશે તે મુજબ અમેં કાર્યવાહી કરીશું.

ગાડીમાં એકલા હોઈએ ત્યારે માસ્ક પહેરવું જોઈએ તેવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ નિયમ પાળવાને લઈને લોકોમાં કચવાટ જોવા મળ્યો છે. ખાસ કરીને એવી મહીલાઓ અને પુરુષો કે જે જાતે જ કાર ડ્રાઇવ કરે છે. મોટાભાગના લોકોનું માનવું છે કે, આ તો લોકોને હેરાન કરવાની વાત છે. કેમ કે, તમે કારમાં એકલા જ હોવ અને બધા જ કાચ બંધ હોય તો તમે કઈ રીતે બીજાને ઈન્ફેક્ટ કરી શકો છો.કેટલાક લોકોનું કહેવું છે કે, સતત કલાકો સુધી માસ્ક પહેરવાથી રોગને પણ નોતરું મળે છે. એકંદરે ખુબ ઓછા લોકોએ આ નિયમનું સમર્થન અને વધુ લોકોએ આ નિયમને અયોગ્ય ગણાવ્યો હતો.