Abtak Media Google News

સ્ત્રી અને પુરૂષના લગ્નની ઉંમરમાં રહેલા તફાવતને દૂર કરવા સુપ્રીમમાં કરાઈ અરજી

સ્ત્રી-પુરૂષના લગ્નની ઉંમર ફરીવાર નક્કી કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે એવી જ રીતે સમયાંતરે કાયદાઓ અને જોગવાઈઓમાં પણ પરિવર્તન જરૂરી બની જતું હોય છે. ભારતીય સંવિધાન મુજબ પુરૂષના લગ્નની ઉંમર ૨૧ વર્ષ જ્યારે સ્ત્રીના લગ્નની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે વિવિધ ધર્મોમાં સ્ત્રી-પુરૂષના લગ્નની ઉંમરમાં વિસંગતતા જોવા મળે છે. ત્યારે સમગ્ર દેશભરમાં સ્ત્રી-પુરૂષના લગ્નની ઉંમરમાં રહેલી વિસંગતતા દૂર થાય, તમામ ધર્મમાં પણ લગ્નની ઉંમર એક થાય તેમજ સ્ત્રી અને પુરૂષ બન્નેની લગ્નની વય સમાન બને તે હેતુસર એડવોકેટ અને ભાજપના નેતા અશ્ર્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. લગ્ન માટે સ્ત્રી અને પુરૂષ બન્નેની ઉંમર સમાન કરી દેવામાં આવે તેવી માંગણી સાથે સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. અશ્ર્વિનીકુમાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટીસ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મામલામાં નોટિસ ફટકારી હતી. જેમાં અરજદાર વતી વરિષ્ઠ એડવોકેટ ગીતા લુથરા હાજર રહ્યાં હતા.

અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સંવિધાનની કલમ ૧૪-૧૫ અને ૨૧ના અર્થઘટન અંગેના કેસોની બહુમતિ અને વિરોધાભાષી મંતવ્યો ટાળવા માટે દાખલ કરવામાં આવી છે અને તેમાં લીંગ, ન્યાય અને સમાનતા સંબંધો સામેલ છે. અરજદારે કહ્યું છે કે, જ્યારે પુરૂષોને ૨૧ વર્ષની ઉંમરે લગ્ન કરવાની છુટ છે ત્યારે મહિલાઓને ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરવાની છુટ આપવામાં આવી છે. અરજદારે જણાવ્યું કે, પુરૂષો અને સ્ત્રીની લગ્નની નિર્ધારીત વયમાં આ તફાવત પિતૃ પ્રધાન રૂઢીને આધીન છે. જેને વૈશ્ર્વિકસ્તરે કોઈ ટેકો નથી. હકીકતમાં મહિલાઓ સામેની અસમાનતાના પ્રતિક સમાન આ જોગવાઈ છે.

સુપ્રીમમાં દાખલ કરાયેલી અરજીમાં લગ્નની ઉંમર નક્કી કરવા મામલે વિવિધ ધર્મમાં રહેલી વિસંગતતા અંગે પણ રજૂઆત કરાઈ છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે, ભારતીય ઈસાઈ વિવાહ અધિનિયમ, ૧૮૭૨ની કલમ ૬૦, પારસી વિવાહ અને તલાક અધિનિયમ, ૧૯૩૬ની કલમ ૩ (૧)સી, વિશેષ વિવાહ અધિનિયમ, ૧૯૫૪ની કલમ ૪-સી, હિન્દુ વિવાહ અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૫ (૩), બાળ વિવાહ નિષેધ અધિનિયમ, ૨૦૦૬ની કલમ ૨ (એ) સહિતની કલમોનો ઉલ્લેખ કરીને લગ્નની ઉંમરમાં રહેલી વિસંગતતા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અરજદારે કહ્યું છે કે,  આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મુજબ ધર્મ કે લીંગને આધારે લગ્નની વયમાં તફાવત રાખી શકાય નહીં. સમગ્ર દેશમાં લગ્નની ઉંમર એક જ હોવી જોઈએ.

મામલામાં સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કર્યું છે જેમાં રાજસ્થાન હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓને પણ સુપ્રીમમાં ફોરવર્ડ કરવા ઉલ્લેખ કરાયો છે. અશ્ર્વિનીકુમારે દાખલ કરેલી અરજી અંગે સુપ્રીમના ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ એ.એસ.બોપન્ના અને વિ.રામાસુબ્રમણ્યમ્ની ખંડપીઠ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

બંધારણની કલમ ૧૪, ૧૫ અને ૨૧નો કરાયો ઉલ્લેખ

અરજીમાં બંધારણની કલમ ૧૪, ૧૫ અને ૨૧નો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે, પુરૂષો અને સ્ત્રીઓના સામાજિક અને સાંસ્કૃતિક રહેણી-કરણી, રીત-ભાતને લગતા પૂર્વ ગ્રહો અને રૂઢીચુસ્તતાને સંપૂર્ણપણે નાબુદ કરવા જોઈએ. જેના માટે જરૂર પડ્યે સમયાંતરે પરિવર્તનની જરૂરીયાત પણ ઉભી થતી હોય છે. બન્ને જાતિઓની શ્રેષ્ઠતા જળવાઈ રહે તે પ્રકારે જૂની રૂઢીચુસ્તતાને દૂર કરવી પણ જરૂરી છે. જેના સંદર્ભમાં અરજદારે કહ્યું છે કે, કોઈપણ વર્ગ સામે ભેદભાવપૂર્ણ રૂઢીચુસ્તતા હોવી જોઈએ નહીં. બંધારણની કલમ ૧૪, ૧૫ અને ૨૧ પણ આ પ્રકારની જોગવાઈઓને સ્પષ્ટપણે મનસ્વી છે.

સ્ત્રી અને પુરૂષના બૌદ્ધિક વિકાસની ઉંમર અલગ હોઈ શકે નહીં!

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, જે રીતે સ્ત્રી અને પુરૂષ બન્નેની લગ્નની ઉંમરમાં તફાવત જોવા મળે છે. તેના આધારે તારણ કાઢી શકાય કે, પુરૂષો માનસિક રીતે ૨૧ વર્ષની વયે સ્થીર થાય છે. જ્યારે મહિલાઓનો શારીરિક અને માનસિક વિકાસ ૧૮ વર્ષની ઉંમરે જ થઈ જતો હોય છે. ખરેખર તેવું નથી. સ્ત્રી અને પુરૂષ બન્નેના બૌદ્ધિક વિકાસની ઉંમરમાં તફાવત હોતો નથી. બન્ને જાતિનો બૌદ્ધિક વિકાસ એક જ સમયે એક જ ઝડપે થતો હોય છે. ત્યારે બન્નેની લગ્નની વયમાં પણ તફાવત હોવો જોઈએ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.