Abtak Media Google News
  • વર્દીની આડમાં ‘તોડ’ અને ‘લૂંટ’નો પરવાનો મળ્યો હોય તેમ દારૂ, જુગાર, એમસીએકસના બેનંબરી ધંધાર્થીને ખેખરવાનો સીલસીલો જારી: જામનગર રોડ પર જોખમી રીતે ચાલતા ગેસ રિફીલીંગના કૌભાંડ સામે પોલીસના આંખ આડા કાન
  • લોઠડામાં શાકભાજીની દુકાનમાંથી આજી ડેમ પોલીસે દેશી દારૂનો દરોડો પાડી બાજુની દુકાનમાં લૂંટ ચલાવી?: એરપોર્ટ પોલીસના વિદેશી દારૂના દરોડોમાં અડધો મુદામાલ ગુમ કરવાનાની ચર્ચાએ પોલીસબેડામાં ચકચાર જગાડી છે

રાજકોટ પોલીસ દ્વારા હવાલા સંભાળી મોટી રકમના ‘તોડ’ કરતી હોવાની ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા ગૃહ મંત્રી સુધી કરાયેલી ફરિયાદ પર સમગ્ર રાજયમાં રાજકોટ પોલીસના તોડકાંડના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. તોડકાંડના પગલે રાજકોટ પોલીસની મથરાવટી મેલી થઇ હોવાથી પોલીસ સ્ટાફને સુધારવાની સાથે મોરલ ઉચુ લાવવા ગૃહ વિભાગ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણુક આપવામાં આવી છે. તેમ છતાં નીચેનો પોલીસ સ્ટાફ પોલીસના ઉચ્ચ અધિકારઓને ઉંધા ચશ્મા પહેરાવી ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામે દારૂ-જુગાર અને એમસીએકસના ધંધાર્થી પાસેથી હપ્તા વસુલી કરવાનું અને નામચીન બુટલેગરો પાસેથી મોટી રકમના તોડ કરવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા એકાદ માસમાં પોલીસની છબી સુધરવાના બદલે વધુ બગડી હોય તેમ પોલીસની વિવાદીત ભૂમિકા સામે આવી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે તાજેતરમાં જ હડમતીયાથી હરપાલ ડોડીયાનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો હતો. તે સમયે બુટલેગર હરપાલ ડોડીયા ભાગી છુટયા બાદ અનેક વિવાદોમાં સંડોવાયેલા બુલટેગર પ્રતિક ચંદારાણાએ હરપાલ ડોડીયાને હાજર કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના વિજયગીરી સાથે મોબાઇલમાં થયેલી વાત-ચિતનો ઓડીયો વાયરલ થયો છે. ઓડીયો ક્લિપમાં વિજયગીરીએ પોતાને ઉચ્ચ પોલીસ અધિકારીઓને હિસ્સો આપવો પડતો હોવાનું કહી પ્રથમ રૂા.5 લાખ અને ત્યાર બાદ રૂા.3 લાખ આપવા અંગે કરી હોવાનું જાહેર થતા પોલીસબેડામાં ખળભાટ મચી ગયો છે. પોલીસ કમિસનર રાજુ ભાર્ગવે આ બાબતને ગંભીરતા સાથે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીને ઇન્કવાયરી સોપવામાં આવી છે.રાજકોટ શહેર પોલીસ દારૂ-જુગારના ધંધાર્થી પાસેથી હપ્તા વસુલી અને તોડ કરવા જેવી શરમજનક ઘટના રોજીંદી બની ગઇ છે ક્રાઈમ બ્રાન્ચના જ મહિલા પીએસઆઇ સહિતનો સ્ટાફ પોતાની હદ છોડી તોડની હદ કરી હોવાના ચકચારી પ્રકરણના પડઘા હજી સમ્યા નથી ત્યારે વધુ એક વિવાદ સાથે ક્રાઇમ બ્રાન્ચના વિજયગીરીના કરતુતથી વગોવાય છે.

ક્રાઇમ બ્રાન્ચને સગ્રમ શહેરમાં મિલકત વિરોધના ગુના શોધવાની મહત્વની કામગીરી સાઇડ લાઇન કરી કયાં દારૂનું વેચાણ કરે છે. કયા પોલીસ મથકના સ્ટાફે દારૂ અને જુગારનો કેસ કર્યો તે અંગેનું જ મોનિટરીંગ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

તાજેતરમાં જ આજી ડેમ પોલીસના સ્ટાફે લોઠડા ખાતે દેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી લીધા હતા તેની પાસેથી સવા સો લીટર દેશી દારૂ મળી આવ્યો પરંતુ કંઇ રોકડ મળી ન હોવાથી આજી ડેમના પોલીસ સ્ટાફે બાજુની બંધ રહેલી દુકાનમાં દારૂ છે તેમ કહી મુરઘાનું વેચાણ કરતા વેપારીની બંધ દુકાન ખોલાવી હતી. અને ત્યાંથી દારૂ ન મળ્યો પણ અંદાજે રૂા.1.50 લાખ રોકડા મળી આવતા પોલીસે રોકડ રકમ લઇ લીધી હતી. ખરેખર દારૂ વેચાણની રકમ હોય તો પોલીસે આ રકમ દારૂના કેસમાં મુદામાલ તરીકે બતાવવી જોઇએ તે બતાવ્યુ નહી અને રોકડ મળી આવતા દરોડો આર્થિક રીતે સફળ બન્યા હતો. બાજુની દુકાનમાંથી મળી આવેલી દોઢ લાખ દેવી રકમ ખિસ્સામાં મુકનાર પોલીસ વિરૂધ્ધ કોર્ટમાં એક વકીલનો સંપર્ક કર્યો હતો તે વકીલ પણ પોલીસનો માણસ હોય તેમ પોલીસ વિરૂધ્ધ અરજી લખી આપવાના બદલે આજી ડેમ પોલીસને તોડકાંડની જાણ કરી હતી. આજી ડેમ પોલીસે દુકાનના માલિક સામે જાહેરનામા અંગેનો કેસ કરી તેની પાસેથી રૂા.40 હજાર પડાવ્યાના આક્ષેપ થઇ રહ્યા છે. આજી ડેમ પોલીસના તોડકાંડના છેલ્લા ચાર દિવસથી ચાલતા પ્રકરણ સુલટાવવા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ મદદે આવી ગયો હતો અને સમગ્ર ઘટના પર પડદો પાડી દેવા પોલીસ દ્વારા શામ, દામ અને દંડની નિતિ સાથે ખાખીનો રોફ બતાવી દારૂના ખોટા કેસમાં ફસાવવા મુરઘાની દુકાનદારને ધમકાવવામાં આવતા હોવાની ચર્ચાએ પોલીસબેડામાં ચકચાર જગાડી છે.

નિર્મલા રોડ પર આવેલી નાગરિક બેન્ક સોસાયટીમાંથી તબીબ દંપતીના એકના એક પુત્રના થયેલા અપહરણના પ્રયાસ અને ખંડણી માગવાના ચકચારી કેસના આરોપીને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગણતરીના કલાકોમાં પકડી ગાંધીગ્રામ પોલીસને સોપી દીધા હતા. ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ આવા ગંભીર ગુનાના આરોપીના વકીલ હોય તે રીતે કલમ લગાવવામાં ગંભીર (ઇરાદા પૂર્વક) ભુલ કરતા પાંચેય આરોપીઓ એક પણ દિવસમાં જેલમાં ગયા વિના છુટી ગયા છે. આ ઘટનાની પાછળ પણ પોલીસ દ્વારા મોટી રકમનો તોડ થયાની ચર્ચાએ ચકચાર જગાડી છે. આ મુદે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.એરપોટ પોલીસે તાજેતરમાં જ લાખોની કિંમતનો વિદેશી દારૂ પકડયો હતો. પોલીસે પકડેલા દારૂનો અડધો મુદામાલ સગેવગે થઇ ગયો હતો તેની પાછળ પોલીસ સ્ટાફ દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, બાતમીદારોને સાચવવા મુદામાલ ઓછો કર્યો હતો ઓછો એટલે પકડાયેલા મુદામાલનો અડધો મુદામાલ પોલીસે બુટલેગરને સાચવવાના બદલે બારોબાર વેચાણ કર્યાની ચર્ચાએ પોલીસબેડામાં ખળભળાટ મચાવ્યો છે.આ રીતે જ જામનગર રોડ પર પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા ગેસ રિફીલીંગમાં પોલીસ દ્વારા હપ્તા વસુલી થતી હોવાનું કહેવાય છે. ગેસ રિફિલીંગ જોખમી રીતે થતું હોવાથી કયાંરેક પોલીસના પાપના કારણે નિર્દોષ વ્યક્તિઓને ભોગ બનવુ પડે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

જુગાર ધારાની કલમમાં ફેરફાર કરવામાં પણ મોટો વહીવટ?

સૌરાષ્ટ્રમાં ભીમ અગીયારથી શ્રાવણ માસની અમાસ સુધી ઠેર ઠેર ઘર ઘરના જુગાર રમીને ટાઇમ પાસ કરતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા જુગાર અંગે દરોડા પાડી પોલીસ મથકે જ જામીન આપવાનો ભાવ ડબલ કરી નાખ્યો છે. અત્યાર સુધી માથા દીઠ રૂા.5 હજાર વસુલ કરવામાં આવતા હતા તેના હવે રૂા.10 હજાર કરી નાખવામાં આવ્યા છે. એટલુ નહી મકાનમાં જુગાર રમાતો હોય ત્યારે જુગાર ધારા 4-5 કલમ લાગે છે તેના બદલે જાહેર જગ્યાએ જુગાર રમતો બતાવી જુગાર ધારા કલમ 12 મુજબ કાર્યવાહી કરવાના પોલીસ દ્વારા અલગથી રકમ લેવામાં આવે છે તેમજ સાથે સાથે પટ્ટમાંથી કબ્જે કરેલી રકમ અડધી પોલીસ પોતાના ખિસ્સામાં મુકતી હોવાનું જાણકારો કહી રહ્યા છે. પોલીસના આ તમામ તોડ પકરણ અંગે પોલીસના જ એક ઉચ્ચ અધિકારી બાવા બન્યા છીએ એટલે હિન્દી બોલવુ પડે તેમ કહી પોલીસને તોડ કરવાનો અને હપ્તા વસુલ કરવાનો કાયદેસર હક્ક હોવાનું કહી ભારે આશ્ર્ચર્ય સજર્યુ છે.

હદ છોડી હદ કરનાર ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇ સહિતના સ્ટાફના કરતુતમાંથી બોધ પાઠ લેવાના બદલે પોલીસ વધુ બેફામ બની: તબીબ દંપતીના પુત્રના અપહરણ અને ખંડણી પડાવવાના ચકચારી કેસમાં પણ પોલીસે લાખોનો વહીવટ કરી કુણુ વલણ દાખવ્યું

બોડી કેમેરા ક્રાઇમ બ્રાન્ચ અને ડી સ્ટાફને લગાવવા જરૂરી

ટ્રાફિક બ્રાન્ચ દ્વારા હપ્તા વસુલી થતી હોવાની ઉઠેલી ફરિયાદના પગલે સરકાર દ્વારા ટ્રાફિક પોલીસની કામગીરી પારદર્શક બનાવવા માટે બોડી કેમેરા લગાવવામા આવ્યા છે. ખરેખર આવા કેમેરા ક્રાઇમ બ્રાન્ચ અને દરેક પોલીસ મથકના ડી સ્ટાફને લગાવવામાં આવે તે જરૂરી બન્યું છે. જેના કારણે પોલીસની ખરડાયેલી છબી સુધરે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.