દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી પરિસરનો વિકાસ કયારે કરાશે ?

કોરીડોર પાછળ કરોડો ખર્ચવાની નેમ ધરાવતી સરકાર

દ્વારકા દર્શન રૂટના ચાર તીર્થસ્થળો પૈકી રૂક્ષ્મણી મંદિરના વિકાસની જાહેરાતો માત્ર કાગળ પર

રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં દોઢ દાયકામાં યાત્રાધામ દ્વારકામાં અબજો રૂપિયાના ખર્ચે વિકાસકાર્યો   હાથ ધરાયા છે આમ છતાં દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી માતા રૂક્ષ્મણીજીના મંદિર તેમજ  પરિસરનો વિકાસ તરફ હજુ સુધી સરકાર  વામણી  ઉતરી હોય તેવું પ્રતિતિ  થઈ રહ્યું છે.દ્વારકાધીશ જગતમંદિરની પૌરાણિકતા જેટલી જ પૌરાણિકતા ધરાવતાં રૂક્ષ્મણીજી મંદિરની હોય દ્વારકા આવતાં ભાવિકો દ્વારકા દર્શન રૂટમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ , ગોપી તળાવ , બેટ દ્વારકા અને રૂક્ષ્મણી મંદિર એમ ચાર તીર્થ સ્થાનોના દર્શનાર્થે અચૂક જાય છે અને દ્વારકાધીશ સાથે તેમના મુખ્ય પટ્ટરાણીના આશીર્વાદ પણ લેતાં હોય તેનું પૌરાણિક મહાત્મ્ય છે .

દુર્વાસા ઋષિના શાપને કારણે માતા રૂક્ષ્મણીજીને દ્વારકાધીશથી દૂર થવું પડયાની પ્રચલિત અને સર્વમાન્ય કથા પણ છે . આટલા પ્રાચીન મંદિર દ્વારકા શહેરથી બે કિમી દૂર હોય જગતમંદિર આસપાસ જે રીતે ઝડપભેર વિકાસકાર્યો છેલ્લાં દોઢ દાયકામાં સમગ્ર યાત્રાધામમાં જોવા મળ્યા છે તેની સાપેક્ષમાં રૂક્ષ્મણી મંદિર આસપાસ વિકાસના નામે લગભગ શૂન્યતા વ્યાપેલી જોવા મળી રહી છે . અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે દ્વારકા દર્શન રૂટના ચાર તીર્થસ્થળો પૈકી એકમાત્ર રૂક્ષ્મણી મંદિર એવું તીર્થસ્થાન છે જ્યાં અવાર નવાર વિકાસની જાહેરાતો થવા છતાં હાલ સુધી આ વિસ્તારમાં વિકાસ માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહયુ છે.

છેલ્લા દોઢ દાયકાથી રૂક્ષ્મણી મંદિરમાં સેવા – પૂજા કરતાં વારાદાર પૂજારીે અરૂણભાઈ દવેએ તેમના વીડીયો  સંદેશથી સરકારને અપીલકરતાં જણાવેલ કે  જેટલુ દ્વારકાધીશ મંદિર પુરાણુ છે રૂક્ષ્મણીજીનું મંદિર એટલુજ પુરાતન છે.દર્શનાર્થીમાં રૂક્ષ્મણીજી  મંદિરે દર્શનાર્થે આવી માતાજીના  ચરણમાં અચૂક માથુ નમાવી દર્શન કરી યાત્રા પૂર્ણ કરે છે. પરંતુ આ રૂક્ષ્મણીજી મંદિરની આસપાસ કોઈ વિકાસ કાર્ય નથી. દ્વારકા કોરીડોર બનીરહ્યો છે.

ત્રીજી એપ્રિલની શોભાયાત્રા માટે થનગનતા તંત્રને રૂક્ષ્મણી મંદિરની પાછળના ગંદકીના ઢગલાં દેખાશે ?

એક તરફ છેલ્લાં અઠવાડિયાથી સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કેન્દ્ર – રાજય સરકારના ઉત્સવ આયોજનતા ભાગરૂપે આગામી 3જી એપ્રિલના રોજ માધવપુર ઘેડના મેળાના ચાર દિવસમાં એક દિવસનું એક્ષ્ટેશન આપી પાંચમાં દિવસે દ્વારકામાં ભગવાન – માતાજીના રથના આગમન અને તેના સ્વાગત વિગેરેની તડામાર તૈયારીમાં લાગી ગયું છે અને મલ્ટીમીડીયા શો,નવ નવ  રાજ્યોમાં પ્રસારણ સહિત આ અવસરને રાષ્ટ્રીય ફલક પર લઈ જવાના શુભ આશય સાથે આયોજનોમાં લાગ્યું છે

ત્યારે તૈયારીમાં વ્યસ્ત તંત્રને રૂક્ષ્મણી મંદિર આસપાસ ગંદકીના વર્ષોથી ઢગલા ખડકાયા છે તેની તરફ નજર જતી જ નથી કે શું તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે . સહીંથી નજીકમાં આવેલ રૂપેણ બંદરમાં હજારોની વસ્તી છે . ત્યારે તેની પાસે જ ગંદકીના ઢગલાઓ તેઓનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે તેમ રૂક્ષ્મણી મંદિરની મુલાકાતે આવતાં દરરોજના હજારો ભાવિકો પણ દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણીની પૌરાણિક ધરોહર સમાન મંદિર આસપાસ ગંદકીના ઢગલો જોઈ કચવાટ અનુભવે છે.