Abtak Media Google News

અબતક, રાજકોટ

શહેરના આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં નિર્માણ પામી રહેલ અર્બન ફોરેસ્ટ “રામવન” આગામી ડિસેમ્બર માસના અંત સુધીમાં લોકાર્પણ કરી દેવામાં આવશે. અર્બન ફોરેસ્ટમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોના સ્કલ્પચરો નિર્માણ થશે. તેવી જાહેરાત આજે મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

શહેરીજનોને શહેરથી દુર ટ્રાફિક તેમજ પ્રદુષણથી મુક્ત એક રમણીય તથા કુદરતી વાતાવરણ મળી રહે તેવા શુભ આશયથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં આશરે 47 એકર જમીન પર અર્બન ફોરેસ્ટ રામવનની ભેટ આપી છે. મહાપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ રામવન પ્રથમ ફેઇઝમાં રૂ. 7.69 કરોડના ખર્ચે સિવિલ કામોની કામગીરી ચાલુ છે.

આ ઉપરાંત ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને ધ્યાનમાં રાખી રૂ.1.61 કરોડના ખર્ચે સ્કલ્પચરો બનાવવાની કામગરી હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાગ બગીચા કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, ડે.કમિશનર આશિષ કુમારે સ્થળ મુલાકાત લીધી હતી.

સ્કલ્પચરોનું કામ ઝડપથી પૂર્ણ કરવા કોર્પોરેશનના પદાધિકારીઓની તાકીદ

સ્કલ્પચરો જેવા કે, જટાયુ ગેઈટ, હનુમાનજી, રામ-સીતા, લક્ષ્મણ, રામ તથા કેવટ, રામ-લક્ષ્મણ તથા શબરી, રામ-સીતા વનવાસ, વિગેરેનું 80% કામ પૂર્ણ થયેલ છે. તેમજ અન્ય સ્કલ્પચરનું પ્રેઝન્ટેશન પણ નિહાળવામાં આવ્યું હતું.અર્બન ફોરેસ્ટ રામવનમાં એડમીન ઓફીસ, સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવિનીકરણ, પાથ-વે તેમજ પુલ અને રેલીંગ, પાણીના પરબ, ટોઇલેટ બ્લોક્સ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ, જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચીસ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ વિગેરે સુવિધા ઉપલબ્ધ થશે.

ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આધારિત જેમાં મુખ્ય દરવાજો ધનુષ્ય બાણ સાથેનો, સીતાજી, લક્ષ્મણજી, જટાયુ આકારનો દ્વાર, ભગવાન રામ અને કેવટ, રામ-સીતા વનવાસ, રામ-લક્ષ્મણ શબરી, ચાખડી, ભગવાન રામનો સુગ્રીવ અને જાંબુવન સાથે મેળાપ, વાનરસેના સાથે રામસેતુ બનાવવાનું, હનુમાનજી સંજીવની પહાડ સાથે, રામ રાજ્યભિષેક, રામ વનવાસનો પથ, પાથવે પાસે મ્યુરલ કામ, સોફા ટાઈપ બેન્ચ, બેન્ચ, રેલીંગ, ફોરેસ્ટ/હટ, ગજેબો, નોર્મલ હટ, લાકડા જેવો પુલ, દીવાલો ઉપર ક્લેડીંગ કામ, યોગ કરતા બાળકો વિગેરે નિર્માણ થશે.

આગામી ડિસેમ્બર માસમાં રામવનનું લોકાર્પણ કરવાનું આયોજન છે. જેથી સ્કલ્પચરો બનાવી રહેલ એજન્સીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ. રામવન ડેવલપ થતા રાજકોટના શહેરીજનોને એક નવું નજરાણું મળશે અને ભગવાન શ્રીરામના જીવન ઝરમરના સ્કલ્પચરોથી નવી પેઢીને પ્રેરણા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.