ચીન હોય કે પાક, ભારત દુશ્મનોને ભરી પીવા સજ્જ, સરહદે ૧૩ લાખ જવાનો તૈનાત

પૂર્વ લદાખ વિસ્તારમાં એપ્રિલ-મે થી ચીન સાથે એલએસી પર પ્રવર્તે છે તંગ સ્થિતિ

ભારતના પાડોશી દેશ પાક. અને ચીન વચ્ચે પ્રવર્તતા તનાવપૂર્ણ માહોલમાં ભારત દુશ્મનોને ભરી પીવા સજ્જ છે. ભારત બંને સરહદે ૧૩ લાખ જવાનોને તૈનાત કરી દીધા છે. પૂર્વિ લદાખમાં પ્રવર્તતી તનાવભરી પરિસ્થિતિમાં ભારતીય લશ્કરે અમુક વ્યુહાત્મક સ્થળોએ પાક અને ચીન સાથે સંયુક્ત રીતે લડી શકાય તેવી તૈયારી કરી છે.

પાક. સાથેની સરહદે એલઓસી તાજેતરના સમયમાં સક્રિય ન હતી પણ હવે ત્યાં પણ સક્રિયતા વધતા તકેદારી વધારાઈ છે. હાલના સમયમાં સરહદ પર જે જવાનોની તૈનાતી છે તે પુરતી છે આમ છતાં લશ્કરી વડા મથકેથી ચાંપતી નજર રખાઈ રહી છે અને એલએસી પરની સ્થિતિ અંગે આર્મી કમાન્ડરો પાસેથી સુચનો અને જરૂરીયાતો અંગે માહિતી મેળવાઈ રહી છે.

લશ્કરી વર્તુળોએ જણાવ્યું હતું કે, રક્ષણાત્મક અને લડાયક બન્ને કામગીરી કરી શકાય તે માટે વ્યૂહ ગોઠવાયો છે. પશ્ર્ચિમ સરહદે મથુરામાં એક સાથે ભોપાલ ખાતે ૨૧ ટુકડી અને અંબાલા ખાતે ખર્ગા ટુકડી તૈનાત કરાઈ છે. બે મોરચે લડી શકાય તે માટે ૧૩ લાખ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ચીન સરહદે પણ તનાવભરી સ્થિતિ સર્જાતા મધ્ય અને પશ્ચિમ ભારતમાં આધુનિક હથિયારો સાથેના સજ્જ જવાનો ગોંવવામાં આવી સ્થિતિની જરૂરીયાતો મુજબ લશ્કરી ગોઠવણ કરવામાં આવી રહી છે.

સરહદી વિસ્તાર લદાખ ક્ષેત્રમાં ચીનની હાજરીને ધ્યાનમાં લઈ ત્યાંની સ્થિતિને અંકુશમાં રાખવા માટે લશ્કરી બીએમપી,  ટી-૮૦ અને ટી-૭૨ના જવાનોને ગોઠવવામાં આવ્યા છે. પૂર્વિ લદાખ વિસ્તારમાં ચીને ૬૦ હજાર જવાનોને ગોઠવ્યા છે તેની સામે ભારતે પણ પર્વતો પર ખાસ બંદોબસ્ત જાળવવા ત્રણથી વધારે ટુકડીઓ તૈનાત કરી છે.

અત્રે એ યાદ આપીએ કે પૂર્વ લદાખ વિસ્તારમાં ગત એપ્રિલ-મે માસથી ચીન સરહદે તનાવપૂર્ણ સ્થિતિ પ્રવર્તે છે અને એલએસીએ અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ હોવાથી ભારતે વધુ જવાનો તૈનાત કરી દુશ્મનોને ભરી પીવા માટે તૈયારી કરી દીધી છે.

છેલ્લા સમયથી પાક. સરહદે તંગદીલી પ્રવર્તી હતી અને પાક.માંથી ઘુસણખોરી થતી હતી પણ હવે ચીને પણ પોતાની જાત બતાવી સરહદે ઘુસણખોરીના અને કબજા જમાવવાના પ્રયાસ કર્યા છે. આથી ભારતે પાક. સરહદ સાથે ચીન સરહદે પણ તકેદારી વધારી છે. ચીન સરહદે પણ લશ્કરના જવાનો અને આધુનિક હથિયારો સાથેના મથકો ઉભા કર્યા છે. આ ઉપરાંત થોડા સમય પહેલા ચીન સરહદે ડ્રોન સાથે હથીયારો મોકલવાની અને ઘુસણખોરી કરવાની તથા સ્થિતિ વણસાવવાના પ્રયાસો કરાયા હતા. તેથી ભારતે પણ સતર્ક બની આવા ઘુસણખોરીના અને કબજો જમાવવાના પ્રયાસો અટકાવ્યા હતા. લદ્દાખમાં જ ભારતની હદમાં ચીનના સૈનિકો ઘુસી આવ્યા હતા ત્યારે ભારતીય જવાનોએ પણ ત્યાં ધસી જઈ અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ સમયે ઘર્ષણ સર્જાયું હતું અને તેમાં કેટલાક ચીનના ભારતના સૈનિકો ઘવાયા હતા.