કોરોના રસી 30 વર્ષથી નીચેના લોકોને આપવી કે નહીં? ચિંતાનો વિષય !

કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વમાં દરદીઓને બીજી ઘણી સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંની કેટલીક સમસ્યાઓ એવી છે કે જેનાથી દરદીનું મૃત્યુ પણ થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, લોહીનું ગંઠાવવું ઘણા દરદીઓનાં મૃત્યુનું કારણ હોઈ શકે છે. આ ક્લોટને થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે. લોહીના ગંઠાઈ જવાથી ફેફસાંમાં ભારે સોજો આવે છે. કોરોના વાઇરસવાળા દરદીનું શરીર સામાન્ય પ્રતિક્રિયાના ભાગરૂપે તરીકે ફેફસાંમાં સોજો ઉત્પન્ન કરે છે. ડોક્ટરોને ઘણી વધુ આઘાતજનક વાતો જાણવા મળી છે. જેમાં ઘણા દર્દીઓનાં ફેફસાંમાં સેંકડો માઇક્રો-ક્લોટ પણ મળી આવ્યા હતા. હવે બ્રિટિશ ઓથોરિટીએ સલાહ આપતા કહ્યું છે કે, કોરોનાની એસ્ટ્રાજેનેકા રસીને કારણે પણ લોહી ગંઠાઇ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. મુખ્યત્વે 30 વર્ષની ઉંમરથી નીચેના લોકો જ્યારે કોરોનાની એસ્ટ્રાજેનેકા રસી લે છે ત્યારે તેમનામાં રેર બ્લડ કલોટ જોવા મળી રહ્યા છે. અગાઉ રસીની રસ્સાખેંચ ચાલી રહી હતી ત્યારે વધુ એક વાર રસીની રસાખેચ સામે આવી છે. જે રીતે બ્રિટિશ ઓથોરિટી દ્વારા એસ્ટ્રાજેનેકા રસીને 30 વર્ષથી નીચેની વ્યક્તિ માટે ખતરારૂપ દર્શાવવામાં આવ્યું છે. તેમજ 30 વર્ષથી નીચેના લોકોને આ રસી નહીં આપવા માટે પણ બ્રિટિશ ઓથોરિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે. ત્યારે વિશ્વભરના તબીબોને રસીની અસરકારકતા અને આડ અસરને લઈને અનેકવિધ મૂંઝવણો સતાવી રહી છે.

એન્ટીજન કિટની અછતથી શંકાસ્પદ દર્દીઓને હાલાકી

એન્ટીજન કીટની અછતથી શંકાસ્પદ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં અનેક શહેરોમાં એન્ટીજન ટેસ્ટીંગ માટે જે કેન્દ્ર નિયત કરાયેલા છે તે કેન્દ્રો પર શંકાસ્પદ દર્દીઓની કતારો જામે છે. અનેક વખત એવું પણ બને છે કે કીટ ખુટી જવાના કારણે દર્દીઓને ધરમનો ધક્કો થાય છે. અગાઉ એન્ટીજન કીટની ભયંકર અછત સર્જાયા બાદ સરકારે આ મામલે ત્વરીત કાર્યવાહી કરી એન્ટીજન કીટનો વધુ જથ્થો મોકલવાનું શરૂ કર્યું હતું પરંતુ ફરી સ્થિતિ એની એ જ થઈ છે. હજુ પણ અનેક સેન્ટરોમાં એન્ટીજન કીટો ખુટી જવાના બનાવો સામે આવી રહ્યાં છે. કલાકો સુધી કતારમાં ઉભા રહ્યાં બાદ દર્દીઓને ટેસ્ટીંગ વગર જ ઘરે પરત ફરવું પડે છે.

યુ ટુ ડોકટર: આરોગ્ય સેવાને ધંધો બનાવવાનું બંધ કરો!

કોરોના મહામારીને તક સમજીને અમુક લાલચુ ડોકટરોએ પૈસા બનાવવાના પ્રયાસો શરૂ કરી દઈ આરોગ્યને ધંધો બનાવી દીધો છે. અમુક તબીબોએ ચાર દિવાલો વચ્ચે કોવિડ કેર સેન્ટરો ખોલી અને દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. અનેક કોવિડ કેર સેન્ટરોમાં સુવિધાના નામે મીંડુ છે. સામે તંત્ર પણ લાચાર છે. તંત્ર દ્વારા બેડની વ્યવસ્થા વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેનો ફાયદો ઉઠાવી અમુક તબીબો જાણે તંત્ર અને દર્દીઓ ઉપર ઉપકાર કરતા હોય તે રીતે કોવિડ કેર સેન્ટરો ખોલીને વાસ્તવમાં પોતાની તિજોરી ભરી રહ્યાં છે. આવા અમુક તબીબો સમગ્ર તબીબ આલમ ઉપર દાગ લગાવી રહ્યાં છે ત્યારે આવા તબીબો સામે સરકાર અંકુશ મુકે તેવી માંગ ઉઠવા પામી છે.

કોરોનાની દવાના ભાવમાં પણ અસહ્ય વધારો

કોરોનાની મહામારીમાં દર્દીની સારવારમાં કેટલીક મેડિસીન અને ડ્રગ્સનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. શરૂઆતથી જ વિટામીન-સી અને જીનક્યુ દવાઓનો કોરોના સામે રાહત મેળવવા ઉપયોગ થઈ રહ્યો છે. આ બે મેડિસીનની માંગમાં ભરપુર ઉછાળો નોંધાતા તેના ભાવમાં અસહ્ય વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા વિટામીન-સીની દવાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. અગાઉ પણ ફાર્માસ્યુટીકલ કંપનીએ દવાના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો ઝીંક્યો હતો. કોરોના કાળમાં દવાની કંપનીઓએ ભાવ વધારો કર્યો હોય સરકારે આ દવાના ભાવ ઉપર અંકુશ લગાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

ઓક્સિજનના ભાવમાં 60 ટકાનો ધરખમ વધારો!

કોરોનાની સારવારમાં ઓક્સિજનની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. જેથી ગરજને ધ્યાને લઈને ઓક્સિજન સપ્લાયર્સે 7 ક્યુબીક મીટર સીલીન્ડરના ભાવ રૂા.170 થી વધારી 285 પ્લસ જીએસટી કરી દેતા દેકારો મચી ગયો છે. 7 ક્યુબીક મીટરનું ઓક્સિજન સીલીન્ડર હવે રૂા.325એ મળતું થયું છે. એક તરફ કોરોનાના દર્દીઓને અગાઉથી જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં ઓક્સિજનના ઉત્પાદકોએ ભાવમાં 60 ટકાનો વધારો ઝીંકી દેતા દર્દીની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ છે. સરકારે કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈ ઓક્સિજનનું ઉત્પાદન કરતા તમામ એકમોને આરોગ્ય સેવા માટે તેમના કુલ ઉત્પાદનમાંથી 60 ટકા ઉત્પાદન રિઝર્વ રાખવાની સુચના આપી હતી. પરંતુ ઉત્પાદકોએ સામે 60 ટકાનો ભાવ વધારો પણ ઝીંકી દીધો છે. આમ ઓક્સિજનના ઉત્પાદકોએ મહામારીને તક સમજીને તેનો ભરપુર ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે સરકારે ઓક્સિજન ઉત્પાદકો સાથે બેઠક કરી જો મામલો સમજાવટથી પતે તો ભલે નહીંતર કડક એકશન લેવા જોઈએ.