Abtak Media Google News
  • દર વખતે કોંગ્રેસ તરફ લઘુમતીઓનો વધુ ઝુકાવ રહેતો, પણ આ વખતે આપ અને ઓવૈસીની
  • AIMIM પણ મેદાને હોવાથી લઘુમતીઓના મત વહેંચાઈ જવાની ભીતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે લઘુમતી વર્ચસ્વ ધરાવતી અનેક બેઠકોના સમીકરણો બદલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણકે આ વખતે લઘુમતી મત મેળવવા માટે કોઈ એક પાર્ટીના નહિ પણ ત્રણ-ત્રણ પાર્ટીના પ્રયાસો છે. જેથી લઘુમતી મતો વહેંચાઈ જવાની સંભાવના રાજકીય નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં લઘુમતી સમુદાયના મતો મેળવવાની સ્પર્ધા વધુ ઉગ્ર બનતી જણાય છે કારણ કે લઘુમતી સમુદાય પાસે હવે મત આપવા માટે દર વખતની જેમ એકમાત્ર વિકલ્પ કોંગ્રેસ નથી. આ વખતે ત્રણ વિકલ્પ મળવાના છે. અગાઉની ચૂંટણીઓમાં, કોંગ્રેસને ગુજરાતમાં મુસ્લિમ મતો માટે એકમાત્ર મુખ્ય દાવેદાર માનવામાં આવતું હતું, પરંતુ આ વખતે મુખ્ય વિપક્ષી પક્ષ લઘુમતી મતદારોને તેની બાજુમાં લાવવા માટે નાના સંગઠનો દ્વારા સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. ઔવેશીની મુખ્યાલય ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM ), અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી અને સમાજના આ વર્ગમાંથી ચૂંટણીમાં સમર્થન માટે કેટલીક અન્ય પાર્ટીઓ સ્પર્ધામાં છે. ઇતિહાસ સાક્ષી છે કે ભાજપ, જે બે દાયકાથી વધુ સમયથી રાજ્યમાં શાસન કરી રહ્યું છે, તે મુસ્લિમ મતદારો માટે એક સક્ષમ વિકલ્પ તરીકે જોવામાં આવતું નથી. અત્યાર સુધી લઘુમતી સમુદાયનો ઝુકાવ કોંગ્રેસ તરફ વધુ હતો. પણ આ વખતે ત્રણ પક્ષો મેદાને હોય લઘુમતીઓના મતો વહેંચાઈ જવાની પુરી સંભાવના છે.

મુસ્લિમોના મતોનો હિસ્સો 11 ટકા, 25 બેઠકો ઉપર વર્ચસ્વ

ગુજરાત રાજ્યની કુલ 6.5 કરોડની વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો આશરે 11 ટકા છે અને લગભગ 25 વિધાનસભા બેઠકો પર તેમની હાજરી નોંધપાત્ર છે. જો કે કોંગ્રેસ આ બેઠકો ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતી હતી. પણ હવે કોંગ્રેસ ઉપરાંત આપ અને ઓવૈસીની પાર્ટી પણ મુસ્લિમ વર્ચસ્વ ધરાવતી બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

2017માં મુસ્લિમ સમુદાયના 3 ઉમેદવાર ચૂંટાયા, તે તમામ કોંગ્રેસના

2017ની ચૂંટણીમાં માત્ર ત્રણ મુસ્લિમ ધારાસભ્યો, જે તમામ કોંગ્રેસ પાર્ટીના હતા, જીત્યા હતા.  જો કે, આ સંખ્યા 2012 માત્ર બે જ હતી. કોંગ્રેસ પાર્ટીએ 2012માં સાતની સામે રાજ્યમાં 2017માં છ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. સામે ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ન આપવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે.

ઓવૈસી પણ મુસ્લિમ મતો મેળવવા સતત ગુજરાત પ્રવાસે

એઆઈએમઆઈએના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી મુસ્લિમ મતો મેળવવા માટે અવારનવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે.  તેમની પાર્ટીએ કહ્યું હતું કે તે ગુજરાતમાં 30 બેઠકો પર લડશે અને છ ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે. આ પાર્ટીના ગુજરાતના વડા સાબીર કાબલીવાલાએ કહ્યું કે પાર્ટી રાજ્યમાં 30 ઉમેદવારો ઉભા કરશે.અમે પહેલાથી જ છ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અહીં ગુજરાતમાં અમારા માટે સારું વાતાવરણ છે અને અમે અહીં સીટો જીતીશું. ઓવૈસી અહીં પ્રચાર કરવા વારંવાર આવે છે.

લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મતો કબ્જેકરવા આપ ચુપચાપ કામ કરી રહી છે

આમ આદમી પાર્ટી મુસ્લિમ સમુદાયને આકર્ષવા માટે ચૂપચાપ કામ કરી રહી છે.  તેણે તાજેતરમાં લઘુમતી પ્રભુત્વ ધરાવતા દરિયાપુર વિસ્તારમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ-શોનું આયોજન કર્યું હતું.  આપએ અત્યાર સુધીમાં ત્રણ મુસ્લિમ ઉમેદવારો જાહેર કર્યા છે. બીજી તરફ અગાઉ આપના મંત્રીની કરતૂતનો મુદ્દો ભાજપે ખૂબ ચગાવ્યો હતો. આ ઘટનાને લઈને હિન્દૂ સમાજમાં આપ સામે નારાજગી પણ પ્રવર્તી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.