Abtak Media Google News

થોડા મહિના અગાઉ ક્ષમતાનું 30 ટકા જ પ્રોડક્શન કરતા સ્પીનિંગ મિલો અત્યારે દિવસ રાત ધમધમીને ક્ષમતાનું 90 ટકા પ્રોડક્શન કરી રહ્યા છે,
ચીન તરફથી કોટન યાર્ન માટે લાઉ-લાઉ

અબતક, રાજકોટ :વ્હાઇટ ગોલ્ડ ફરી ચમકશે. કારણકે ચીન અત્યારે મબલખ ખરીદી કરી રહ્યું છે. જેને પગલે કપાસની બજારમાં તેજી આવવાની છે. બીજી તરફ થોડા મહિના અગાઉ ક્ષમતાનું 30 ટકા જ પ્રોડક્શન કરતા સ્પીનિંગ મિલો અત્યારે દિવસ રાત ધમધમીને ક્ષમતાનું 90 ટકા પ્રોડક્શન કરી રહ્યા છે.

કોરોનાની ઘાતક લહેર વચ્ચે ઝઝૂમવા છતાં પણ ચીન મબલખ રીતે ભારત પાસેથી કોટન યાર્ન ખરીદી રહ્યું છે અને આનાથી ગુજરાત સ્થિત સ્પિનિંગ મિલોને ક્ષમતાના 90% સુધી ઉપયોગ કરવામાં મદદ મળી છે.  ચીને ડિસેમ્બરમાં ભારતમાંથી 50 લાખ કિલો કોટન યાર્નનો ઓર્ડર આપ્યો હતો.  એકંદરે, કપાસના ઘટતા ભાવ સાથે વૈશ્વિક અને સ્થાનિક માંગ ઓછી રહી છે, પરંતુ ચીનના ઓર્ડરથી ભારતીય ટેક્સટાઇલ સેક્ટરમાં આશાવાદ આવ્યો છે.

ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે, “કોવિડથી પ્રભાવિત ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં, ચીને ભારતીય કોટન યાર્નમાંથી 50 લાખ કિલો – 20 ટનના 250 કન્ટેનર ખરીદ્યા છે. ભારતીય કોટન યાર્નની કિંમત ઘટાડો થઈને રૂ 250 પ્રતિ કિલો થઇ છે.કપાસના ભાવમાં ઘટાડાને પગલે ચીન આ મહિને ભારતીય કપાસના સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે.”

સ્પિનર્સ એસોસિએશન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ જયેશ પટેલે જણાવ્યું હતું કે, “સ્પિનિંગ મિલો માટે ચીનની માંગ ખૂબ જ પ્રોત્સાહક છે. ભારતીય કપાસના ભાવ ઘટીને રૂ. 58,000 પ્રતિ કેન્ડી (356 કિગ્રા) થયા છે જે અગાઉના મહિને રૂ. 67,000 આસપાસ હતા.

તેમણે કહ્યું, “યાર્નના ભાવમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે ભારતીય કપાસ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બન્યો છે. તાજેતરના દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં કપાસના ભાવમાં વધારો થયો છે, જેનાથી ભારતીય કપાસને સમાનતા પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.”

પટેલના જણાવ્યા અનુસાર, સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં યાર્નની માંગ ઓછી છે, પરંતુ ચીનના ઓર્ડરથી ઉત્સાહિત, ગુજરાત સ્થિત સ્પિનિંગ મિલો 80-90% ક્ષમતા પર ચાલી રહી છે.  “અમે માનીએ છીએ કે કપાસના ભાવમાં વધુ ઘટાડો થવાથી સ્થાનિક બજારમાં પણ માંગ વધશે.”  તેમણે ઉમેર્યું હતું કે પ્રારંભિક ટૂંકા પુરવઠા પછી કપાસનું આગમન સારું છે અને મિલોમાં પૂરતો જિન કરેલ કપાસ ઉપલબ્ધ છે તેની ખાતરી કરી છે.

છેલ્લા છ મહિનાથી કોટન યાર્નની માંગ ઓછી હતી

આંતરરાષ્ટ્રીય બજારોની સરખામણીમાં કપાસના ઊંચા ભાવને કારણે, ગુજરાત સ્થિત સ્પિનિંગ મિલોએ છેલ્લા છ મહિનામાં નીરસ તબક્કો જોયો હતો, અને મોટાભાગની મિલો લગભગ 30% ક્ષમતા પર ચાલી રહી હતી.  નવરાત્રિ અને દિવાળી પછી પણ માંગ ઓછી રહી હતી પરંતુ હવે ચીનની માંગમાં ઉછાળાથી બજારમાં વિશ્વાસ આવ્યો છે

15 જાન્યુઆરી બાદ સ્થાનિક માંગમાં પણ વધારો થશે

નિષ્ણાતો માને છે કે અત્યારે ગુજરાતના સ્પીનિંગ મિલો ચીનના ઓર્ડરના કારણે જ પ્રોડક્શન કરી રહ્યા છે. સ્થાનિક માંગ અત્યારે ખૂબ ઓછી છે. પણ હવે 15 જાન્યુઆરી પછી ચિંતા નથી. ત્યારબાદ જો ચીનની માંગ ઘટે તો પણ કોઈ સમસ્યા નહિ રહે. કારણકે 15 જાન્યુઆરી બાદ સ્થાનિક માંગ નીકળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.