Abtak Media Google News

આજના સમયમાં ડિજિટલ સેવાનો વ્યાપ વધતાં દરેક સેવા આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે. તો બીજી બાજુ ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા શોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ પણ વધતો જઈ રહ્યો છે. તો સામે આ પ્લેટફોર્મ થકી સાયબર ગુનાઓ પણ વધ્યા છે. જેનો ભોગ જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ પણ બન્યા છે. યુટ્યુબ પર એકાઉન્ટ બનાવવાનું કહીં રાજકોટના ચેનલ ઓપરેટરે લાખો રૂપિયા હજમ કરી નાખ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામી છે.

CID ક્રાઇમના સાયબર સેલમાં સાહબદ્દીન રાઠોડના પુત્ર અફઝલ રાઠોડે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે તેમના ૮૪ વર્ષીય પિતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડના મિત્ર જય વસાવડાના કારણે રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કકકડ સાથે ઓળખાણ થઇ હતી. રિતેશ કકકડે શાહબુદ્દીન રાઠોડને કહ્યું હતું કે હું અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર વીડિયો અપલોડ કરું છું. ૨૦ ટકા સર્વિસ ચાર્જ લઇને ચેનલનું સંચાલન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેના કારણે શાહબુદ્દીન રાઠોડની ૮૩મી વર્ષગાંઠના દિવસે શાહબુદ્દીન રાઠોડ ઓફિસિયલ નામની યુ ટયુબ ચેનલ બનાવીને રિતેશ કકકડ સાથે ‘પ્રેમના પંથે’ અને ‘હોય જો આ મારું અંતિમ પ્રવચન’ કરાર બાદ શુટ થાય તેવા વીડિયો અપલોડ કરવાનો કોન્ટ્રાક્ટ થયો હતો.

શાહબુદ્દીન રાઠોડ અને રિતેશ કક્કડ વચ્ચે કરાર થયા બાદ યુટ્યુબ ચેનલનો સંપૂર્ણ પાવર ચેનલ ઓપરેટર રિતેશે પોતાની પાસે રાખી લીધો હતો. એટલું જ નહીં આ યુટ્યુબ પર જીમેઇલ એકાઉન્ટ અને મોબાઇલ નંબર પણ પોતાનો આપેલા હતા. શાહબુદ્દીન રાઠોડ દ્વારા અનેકવાર માગણી કરવા છતા રિતેશે યુઝર નેમ અને પાસવર્ડ આપ્યા નહીં અને છેતરપિંડી કરી છે.

રિતેશ કક્કડ સાથે કરાર પ્રમાણે શરૂઆતમાં શાહબુદ્દીન રાઠોડની ૧૧૦ ક્લિપ અપલોડ કરી લીધી હતી. શાહબુદ્દીન એક જાણીતા હાસ્ય કલાકાર છે, જેઓને દેશ વિદેશમાં મોટો ચાહકવર્ગ છે. યુટ્યુબ પર આ ચેનલને લાખો લાઇક્સ અને સબ્સક્રાઇબર થઇ ગયા. ચેનલ ઓપરેટર રિતેશે શરૂઆતના ત્રણ મહિનામાં રૂ.૧.૧૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ પૈસા કે પાસવર્ડ નહીં આપતા આખરે કંટાળીને શાહબુદ્દીન રાઠોડના પુત્ર અફઝલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.