સોશિયલ મીડિયાનો વાયરલ ‘વાયરસ’ બને એ પહેલા તેના પર અંકુશ કોનો ?

૨૧મી સદીના વિશ્ર્વમાં હવે ડિજીટલાઈઝેશનથી આખુ વિશ્ર્વ આંગળીના ટેરવે રમવા લાગ્યું છે તેવા સંજોગોમાં સોશિયલ મીડિયાના દૂરઉપયોગ અને અતિરેક પર હવે અંકુશ લાવવાની જરૂર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સસ્તી પ્રસિધ્ધી અને કુપ્રચારને ચૂંટણી જીતવાના એક માત્ર અભરખાથી રાજકીય પક્ષો ક્યારેય પોતાની સામાજીક જવાબદારીની લક્ષ્મણ રેખા સોશિયલ મીડિયાના પોતાના હાથ વગા હથિયારનો દૂરઉપયોગ કરીને સફળતાની શોર્ટકટથી ચૂંટણી જીતવા માટે થતી પેરવીઓ મોટા અનર્થ સર્જે છે. આંગળીના ટેરવે દુનિયાને રમાડવી હવે શક્ય બની છે પરંતુ માસ કોમ્યુનિકેશનથી ઝડપથી થતાં પ્રચાર-પ્રસાર અને માહિતીના ફેલાવાનો ઉપયોગ થવો જોઈએ. તેનો દૂરઉપયોગ ન થવો જોઈએ. સોશિયલ મીડિયા અત્યારે અસરકારક શસ્ત્ર બની રહ્યું છે પરંતુ આ જ શસ્ત્રનો દૂરઉપયોગ કરી સમાજમાં ખોટા સમાચારો, હકીકતો અને દૂષપ્રચાર ફેલાવવામાં આવે અને સમાજને નવો રસ્તો બતાવવાના બદલે અવળા માર્ગે લઈ જવાનો પ્રયાસ થાય તો તેના ઉપયોગથી ફાયદાના બદલે મોટા અનર્થ સર્જાય જાય છે.  માસ કોમ્યુનિકેશનના આ યુગમાં સોશિયલ મીડિયા સાઈટ અને ડિજીટલ પ્લેટફોર્મ ઝડપથી કોઈપણ માહિતીના ફેલાવા માટે ઉપયોગી બને છે તેવી જ રીતે તેનો દૂરઉપયોગ સમાજને ગુમરાહ કરે છે. સસ્તી અને તાત્કાલીક પ્રસિધ્ધી મેળવવા માટે રાજકીય પક્ષોને પણ સોશિયલ મીડિયાના દૂરઉપયોગ સામે અંકુશમાં લેવાની નીતિનો અમલ અને તેનું પાલન થવું જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ અને દૂરઉપયોગ સમાજમાં વિષમ પરિસ્થિતિનું કારણ બની શકે છે ત્યારે સોશિયલ મીડિયાના દૂરઉપયોગ કરનારા તત્વો પર કાયદાનું આકરૂ નિયંત્રણ હવે અનિવાર્ય બન્યું છે અને સરકાર તેમજ વહીવટી તંત્રનો તેના પર અંકુશ હોવો જોઈએ.

Loading...