Abtak Media Google News

પૂર્વ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈના મુદ્દે હાઇકોર્ટની લાલ આંખ: એસપી, સ્થાનિક પોલીસ પાસે જવાબ માગ્યો

રાજ્યના  માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈમાં કોરોના ગાઇડલાઇન્સનું સરેઆમ ઉલ્લંઘન કરી ૨૦૦૦ લોકોનું ટોળું ભેગું કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી આ મામલે જિલ્લા એસપી અને સ્થાનિક પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે ફરિયાદ દાખલ થઈ છે કે નહીં એ અંગેની માહિતી માગી હતી.

ગઈકાલે ડોસવાડા ગામે રાજ્યના પૂર્વ આદિજાતિમંત્રી અને સુમૂલના ડિરેકટર એવા કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ ૩૦મી નવેમ્બરે ડોસવાડાના ભગત ફળિયામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાઈડલાઈન્સનો સંપૂર્ણ ભંગ થયો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. રાત્રે હજારો લોકો એકત્રિત થઇ ગરબા યોજવામાં આવ્યા હતા. સગાઈના પ્રસંગમાં લોકોએ મોઢે માસ્ક બાંધ્યું ન હતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું ન હતું.

આ સગાઈ પ્રસંગનો મોટી મેદની સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. હાલમાં વિશ્વવ્યાપી કોરોના મહામારીને વધતી અટકાવવા સરકાર વિવિધ ગાઈડલાઇન્સ બહાર પાડે છે. સામાજિક પ્રસંગોએ ૧૦૦થી વધુ લોકો ભેગા ન થાય એ માટે સૂચના આપી છે. જોકે કોંગ્રેસ હોય કે ભાજપ, બંને પક્ષના નેતાઓ ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ કરે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ પાસે આવાં જ કારણોસર દંડ વસૂલ કરે છે.

આ મુદ્દે કાંતિ ગામીતે જણાવ્યું હતું કે અમારે ત્યાં મારા પિતાના વખતથી તુલસીવિવાહનો કાર્યક્રમ વર્ષોથી ચાલતો આવ્યો છે. એ પ્રમાણે સોમવારે તુલસીવિવાહ આયોજિત થયો હતો, સાથોસાથ આ શુભ પ્રસંગે મારી પૌત્રીની સગાઈવિધિ પણ થઈ હતી. આ સંદર્ભે હું કે મારા પરિવાર દ્વારા કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ મારા સંબંધોને કારણે લોકો સ્વયંભૂ આવી ગયા હતા. દર વર્ષની માફક અંદાજિત ૧૫૦૦થી ૨૦૦૦ માણસોનું જમવાનું પણ બનાવવામાં આવ્યું હતું. કોરોના સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સ અંગે તકેદારી ન રાખવાની મારી ભૂલ થઈ ગઈ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.