Abtak Media Google News

વિશ્વમાં પ્રથમવાર પાલકને ‘શિરપાવ’ દેવાં કેલિફોર્નિયા રાજ્ય સજ્જ

નંદ ઘેર આનંદ ભયો…. હાથી-ઘોડા પાલખી…. ભગવાન શ્રીકૃષ્ણ નટખટ કનૈયાને જન્મ ભલે દેવકી અને વસુદેવે આપ્યો હોય પરંતુ કાનૂડો તો જશોદાનો જ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિએ ભગવાન શ્રીકૃષ્ણ અવતાર યુગથી પાલક માતા-પિતાનું મહત્વ ઉજાગર કર્યું છે. પાલકનો શિરપાવ ભારતીય સંસ્કૃતિની દેન છે. પરંતુ વિશ્ર્વમાં સૌ પ્રથમવાર અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યએ પારકાં ને પોતીકા બનાવી પાલક ધર્મ બજાવતાં લોકો માટે દુનિયામાં સૌ પ્રથમવાર રાજ્ય સરકાર પુરસ્કૃત ગેરેન્ટેડ આવક યોજનાને મંજૂરીની મહોર આપી દીધી છે.

કેલિફોર્નિયાની રાજ્યની વિધાનસભાએ અમેરિકાના સૌથી પ્રથમ એવાં રાજ્ય કે જે રાજ્ય સરકાર પુરસ્કૃત પાલક પરિવારને નિશ્ર્ચિત આવક આપતી માસિક આવક ગેરેન્ટીની યોજના મંજૂર કરી છે. અમેરિકા ભલે પશ્ર્ચિમી સંસ્કૃતિનો દેશ ગણાતો હોય પરંતુ કેલિફોર્નિયાએ પાલક પરિવાર માટે રાજ્ય સરકાર ગેરેન્ટેડ 35 મિલિયન ડોલરના ભંડોળ સાથેની પાલકોને શિરપાવ આપવાની યોજનાનો અમલ કરીને ભારત પાલક સંસ્કૃતિને 21મી સદીમાં ઉજાગર કરી છે. કેલિફોર્નિયા રાજ્ય સરકારે 35 મિલિયન ડોલરના ભંડોળની ફાળવણી સાથે પાલક પરિવારોની દર મહિને 500થી 1000 ડોલરની માસિક ગેરેન્ટેડ આવકને મંજૂર કરી છે.

સેનેટમાં 36/0 અને વિધાનસભામાં 064/0 મતે મંજૂરીને બહાલ કરી છે. અમેરિકા સહિતના પશ્ર્ચિમી દેશોમાં વિભક કુટુંબ અને તેના પણ બાળકો અને યુવાનોને મૂળભૂત મા-બાપના આશ્રયની મોટી ખોટ વર્તાઇ છે. આધુનિક ભોગ વિલાસ અને સ્વાર્થી જીવન શૈલીના કારણે મા-બાપ બાળકોના નથી અને બાળકોને મા-બાપ હોવા છતાં અનાથ જેવી પરિસ્થિતીમાં સ્વાવલંબી બનવું પડે છે. અમેરિકન સમાજની આ વરવી વાસ્તવિકતા વચ્ચે કેલિફોર્નિયા રાજ્યએ એક ક્રાંતિકારી કદમ ઉઠાવીને પાલક માતા-પિતાને શિરપાવ આપી 500 થી 1000 ડોલર સુધીની માસિક ગેરેન્ટેડ આવક યોજના શરૂ કરી છે.

સેનેટ રિપબ્લીક નેતા સ્કોટે જણાવ્યું હતું કે રાજ્યમાં પાલક પરિસ્થિતિમાં રહેતાં યુવા વર્ગના આંકડા ખૂબ જ મોટ છે. આ વર્ગને પગભર કરવા માટે આ યોજના જરૂરી હતી. સ્થાનિક સરકાર અને સંસ્થાઓ આ યોજનામાં જોડાવવા માટે અરજી કરી શકશે. 500 થી 1000 ડોલર સુધી કેલિફોર્નિયા સરકાર પાલકને શિરપાવ તરીકે ચૂકવશે અને આ નાણાંનો ખર્ચ લાભ લેનાર પોતાની રીતે કરી શકશે.

ગવર્નર ગેવીનના સલાહકાર માઇકના મતે આ યોજના ખૂબ જ અસરકરતા બનશે. જે લોકો પાલક તરીકે જવાબદારી ઉઠાવતાં હશે તેમને અને યુવા, સગર્ભાઓ કે જેમને પોતાના બાળકના ભાવિ માટેની ચિંતા હોય તેમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. આવક ગેરેન્ટીની આ યોજના આમ તો 18મી સદીની ગણવામાં આવે છે પણ અગાઉ નિકશન સરકારે 1960 અને 70માં તેનો પ્રયોગ કર્યો છે.

મોટા ભાગે સરકારી સહાયમાં પૈસા કેવી ખર્ચવામાં આવે છે તેના સખત નિયમો પાળવાના હોય છે. પરંતુ આ યોજનામાં લાભ કરતાને કોઇપણ હિસાબ આપવાનો નથી. ગરીબી અને આર્થિક ખેંચ આરોગ્ય સમસ્યાઓનો કારણ બને છે. તેથી કેલિફોર્નિયાની આ આવક ગેરેન્ટી યોજનામાં પાલક લોકોને પોતાની રીતે પૈસા વાપરવાની છૂટ આપવામાં આવશે.

જેમાં પાલક બાળકોના પોષણ, શિક્ષણ અને વિકાસ માટેના ખર્ચાનું સારી રીતે વ્યવસ્થાપન થઇ શકશે. 17 વર્ષની નાઇઅલા ઇશુ નામના છોકરાને માતાના પાલનમાંથી દૂર કરીને માસીએ પાલક પુત્ર તરીકે અપનાવ્યો છે. આવા પારકા અને પોતીકા કરનારાઓ માટે સરકારે 1000 ડોલરની માસિક આવક બાંધી દીધી છે. અમેરિકાને પશ્ર્ચિમી સંસ્કૃતીનું જનક ગણવામાં આવે છે.

ત્યાંની સ્વાર્થી સમાજ વ્યવસ્થા દુનિયામાં વગોવાઇ રહી છે. પરંતુ કેલિફોર્નિયા સરકારે ભારતની પાલક સંસ્કૃતિને અપનાવીને પાલક માતા-પિતા માટે દર મહિને 500 થી 1000 ડોલરની આવક ગેરેન્ટી યોજનાએ સમગ્ર વિશ્ર્વમાં કેલિફોર્નિયાની નવી ઓળખ ઉભી કરશે.

દત્તકએ સ્વાર્થના સંબંધ અને પાલક તો પરમાર્થનું સગપણ

અમેરિકાના કેલિફોર્નિયામાં પાલક પરિવાર માટે 500 થી 1000 ડોલરની આવક ગેરેન્ટી યોજનાનો અમલ કરીને કેલિફોર્નિયાએ સમગ્ર વિશ્ર્વમાં પાલકપણાને એક આગવી ગરીમા આપી છે. પારકા બાળકોને અપનાવવામાં સૌથી મોટું પૂણ્ય માનવામાં આવે છે. અલબત્ત કોઇના બાળકને વારસદાર તરીકે અપનાવવાની દત્તક પ્રથાએ સ્વાર્થનું સગપણ ગણાય. દત્તક વ્યવહાર સ્વાર્થના કારણે થાય છે.

પરંતુ પાલક એ ત્યાગ, બલિદાન અને માત્ર ને માત્ર પરમાર્થનો હેતૂ સિધ્ધ કરે છે. દત્તક બાળક પર અધિકાર જતાવવાનો હોય છે. પણ પાલકને બાળપણથી ઘોડીએથી ઘોડે ચડ બનાવનાર પાલકનો કોઇ અધિકાર હોતો નથી. ભગવાન શ્રીકૃષ્ણને ભલે જન્મ દેવકીએ આપ્યો હોય પણ તેનું લાલન પાલન જશોદાએ કર્યો હતો. જશોદાએ ક્યારેય કાન્હા ઉપર અધિકાર દાખવ્યો ન હતો પણ કાનો તો જશોદાનો જ કહેવાયો આમ દત્તક અને પાલકમાં આસમાન જમીનનો તફાવત ગણાય. આપણી સનાતન ધર્મ સંસ્કૃતિમાં આથી જ બાળપણના પાલક બનવાને સૌથી મોટું ધર્મ કાર્ય પૂણ્ય ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.