Abtak Media Google News

લોકલ ભારાડીઓની દાદાગીરી અંકુશમાં, ટોલ ટેક્સ સીધો સરકારની તિજોરીમાં જશે

ક્યુબ હાઈવેઝ સહીત ૬ કંપનીઓ વચ્ચે હોડ, અદાણી અને ડી. પી. જૈન એન્ડ કું.એ સૌથી ઉંચી બોલી લગાવી

દરેક કંપનીઓને કોઈને કોઈ મોટા રાજકારણીઓના આશીર્વાદ હોવાની ચર્ચા

દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે કેન્દ્ર સરકાર છેલા ઘણા સમયથી ‘બૂટ’ અને ‘ટોટ’ પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે. ‘બૂટ’ એટલે બિલ્ટ-ઔન-ઓપરેટ-ટ્રાન્સફર જયારે ‘ટોટ’ એટલે ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર. મતલબ કે ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવો એનો ઉપયોગ કરનારાઓ પાસેથી ટોલ વસુલ કરો, જ્યાં સુધી એની કીમત વસુલ થઇ જાય ત્યાં સુધી એને ઓપરેટ કરો અને ત્યાર બાદ એ ઇન્ફ્રાસ્ટ્રકચર સરકારને ટ્રાન્સફર કરો. આ ‘ટોટ’ સીસ્ટમ દ્વારા નેશનલ હાઈવે ઓથોરોટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં કુલ ૧૬૦ કી.મી. લાંબો નેશનલ હાઈવે બનાવવા માટે ટેન્ડર ઓપન કર્યું હતું. જેમાં ગુજરાતની ક્યુબ હાઈવેઝ સહિતની દેશની ૬ કંપનીઓએ બિડિંગ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, આ પ્રકારના ટેન્ડરો ભરતી કંપનીઓ પાછળ કોઈને કોઈ મોટા ગજાના રાજકારણીઓનો ટેકો અને આશીર્વાદ હોતા હોવાની ચર્ચા ચાલતી રહેતી હોય છે. કરોડો રૂપિયાના આ વિકાસના ખેલમાં જેવા-તેવાનું કામ નથી હોતું.

ગત શુક્રવારે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આ બીડ ખોલવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની અદાણી એન્ટરપ્રાઈઝ અને નાગપુરની ડી. પી. જૈન એન્ડ કંપની સૌથી ઉંચી બોલી લગાવનારી કંપનીઓ તરીકે જાહેર થયા હતા. હાઈવે ઓથોરીટીના અધિકારીના કહેવા મુજબ આ ટેન્ડરની રીઝર્વ પ્રાઈઝ હજુ સીલબંધ છે, જે આવતા મહીને મળનારી બેઠકમાં ખોલવામાં આવશે. જો અદાણી અને ડી. પી. જૈનની બોલી આ રીઝર્વ પ્રાઈઝ કરતા ઉંચી બોલી લગાવી હશે તો જ આ ટેન્ડરો એમને મળશે. મતલબ કે અદાણી કે ડી. પી. જૈન ની કંપનીઓને ટેન્ડર મળી ગયા છે એમ ન કહી શકાય.

હાઈવે ઓથોરીટીના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કુલ છ કંપનીઓએ આ ૧૬૦ કી.મી. હાઈવે માટે ટેન્ડર ભર્યા હતા જેમાં અદાણી, ડી. પી. જૈન એન્ડ કંપની, ઇન્ડિયન હાઈવેઝ ક્ધસેસન ટ્રસ્ટ,  આઈઆરબી તેમજ ક્યુબ હાઈવેઝનો સમાવેશ થાય છે. આ ટેન્ડરને બે હિસ્સામાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ હિસ્સા માટે અદાણીએ રૂ.૧૦૧૧ કરોડની સૌથી ઉંચી બોલી લગાવી છે જયારે બીજા હિસ્સા માટે ડી. પી. જૈન એન્ડ કંપનીએ રૂ. ૧૨૫૧ કરોડની સૌથી ઉંચી બોલી લગાવી છે. ઉલ્લેખનિય છે કે ‘ટોટ’ સીસ્ટમ અંતર્ગત કુલ ૫૦૦ કી.મી.ના હાઈવેના કામ કરવાના થાય છે.

પોર્ટ, એરપોર્ટની જેમ હાઈવે પણ ખાનગી હાથોમાં

છેલા ઘણા સમયથી રાષ્ટ્રીયસ્તરના વિકાસના કાર્યો તેમજ રાષ્ટ્રીય માળખાઓને ખાનગી કંપનીઓને સોપવાનું શરુ થયું છે. પોર્ટ અને એરપોર્ટ એના પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ જ પધ્ધતિથી દેશના નેશનલ હાઈવેઝ્ને બનાવવાનું કામ પણ ખાનગી હાથોમાં સોપાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે અદાણી આ બાબતમાં અગ્રેસર છે. અમદાવાદ એરપોર્ટ હોય કે મુન્દ્રા પોર્ટનું તેમજ દ. ભારતમાં હસ્તગત કરેલો પોર્ટ કે પછી મુંબઈનો જે.એન.પી.ટી., અદાણી ગ્રુપ હવે હાઈવેઝ બનાવામાં પણ રસ લઇ રહ્યું છે.

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ આવતા જે-તે વિસ્તારોના ભારાડીઓની દાદાગીરી અંકુશમાં

ટોલ પ્લાઝા પર ટોલ વસુલ કરવા માટે ગત વર્ષથી ફાસ્ટેગ પદ્ધતિનો અમલ કરાયો છે. આમ વાને કારણે એક સારી વાત એ થઇ છે કે ટોલના રૂપિયાની કટકી થવાની બંધ થઇ ગઈ છે. સૌ જાણે છે કે પહેલા એવું હતું કે ટોલ પ્લાઝાનો મેઇન કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીને જો ટોલ નાકું ચલાવવું હોય તો જે-તે વિસ્તારના માાભારે, ભારાડી વ્યક્તિને સીધો કે આડકતરી રીતે સબ કોન્ટ્રાક્ટ આપવો પડતો હતો. પરિણામે ભ્રષ્ટાચાર અને માલ પ્રેક્ટીસને ખુલો દૌર મળતો હતો. ફાસ્ટેગ આવી જતા કમસેકમ આ દુષણી મુક્તિ મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.