Abtak Media Google News

મિલ્કત હડપ કરવા પિતાની હત્યા કરનારા પુત્રનો ગુન્હો સાબિત થાય તો મિલ્કત પર પોતાનો વારસાઈ હકક ગુમાવે છે

માણસની મિલ્કતનો દરજજો વડીલોપાર્જીત અને સ્વપાર્જીત એમ બે રીતે નકકી થાય છે. બંધારણીય કાયદાની જોગવાઈ મુજબ વડીલોપાર્જીત મિલ્કતમાં પરિવારનો વડો પુરૂષકર્તા છે. અને તે તેને યોગ્ય લાગે તેમ વહીવટ કરી શકે છે. પરંતુ આવી મિલ્કતમાં તેના પરિવારના તમામ વારસદારોને વારસાઈ હકક મળે છે. આવી મિલ્કતનો વહીવટ કરનાર પુરૂષકર્તા તમામ વારસદારોનો હકક છીનવી શકતા નથી. જયારે સ્વપાર્જીત એટલે કે પુરૂષકર્તાએ પોતે કમાયેલી મિલ્કતનો વારસો કોને આપવો તે જેતે પુરૂષકર્તા પર નિર્ભર છે. હિન્દુ ઉત્તરાધિકારી કાયદો ૧૯૫૬માં મૃતક હિન્દુ પુરૂષની મિલ્ક્તમાં વારસાઈ હકક કોને મળી શકે છે. તેની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.

આઝાદી બાદ વારસાઈ મિલ્કતમાં વારસદાર કોને ગણી શકાય તે મુદે સ્પષ્ટતા કરવા કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૫૬માં હિન્દુ ઉત્તરાધિકારી કાયદો બનાવ્યો હતો જે હિન્દુ ધર્મ પાળતા દરેક તેવા દરેક પરિવારોને લાગુ પડે છે. આ કાયદા મુજબ બિનવસિયતી મૃત્યુ પામનારા હિન્દુ વ્યકિતની વડીલોપાર્જીત મિલ્કત પર તેના તમામ વારસદારોનો હકક બને છે. જેમાં મૃતકના તમામ પુત્ર-પુત્રીઓનો સમાવેશ થાય છે. જો પુત્ર કે પુત્રીનું મૃત્યુ થયું હોય તો તેના વારસદારો આવી વડીલોપાર્જીત મિલ્કતમાં હકકદાર ગણી શકાય છે. આવા વારસદારોના ગર્ભમાં રહેલુ બાળકને પણ આવી મિલ્કતમાં વારસદાર ગણવામાં આવે છે.

જોકે, ૧૯૫૬માં આ કાયદો અમલમાં આવ્યા પહેલાના કાયદાઓ મુજબ મહિલાઓને વડીલોપાર્જીત મિલ્કતમાં વારસદાર ગણવામાં આવતી ન હતી જેથી ૧૯૫૬ પહેલા જન્મેલી મહિલાઓને તેના મૃતક પિતાની વડીલોપાર્જીત મિલ્કતમાં વારસાઈ હકક મળતો નથી. મૃત્યુ પામેલા બિનવસીયતી હિન્દુ પુરૂષની મિલ્કતના વારસાઈ હકક માટે આ કાયદામાં પ્રથમ વર્ગ એટલે કે પ્રાથમિક, હકકદારોની યાદી પણ સ્પષ્ટ કરવામાં આવી છે. જો પ્રાથમિક હકકદારો ન હોય મૃત્યુ પામનારા હિન્દુ પુરૂષના બીજા વર્ગનાં વારસદારો અને તે પણ ન હોય તો ત્રીજા વર્ગના વારસદારોને મિલ્કતમાં વારસાઈ હકક મળે છે. જો મૃત્યુ પામનારા હિન્દુ પુરૂષના આવા ત્રણ વર્ગમાં કોઈ જ વારસદાર ન હોય તેની વડીલોપાર્જીત મિલ્કતનો ભાગ તેના ભાઈ બહેનો વચ્ચે વેંચી દેવામાં આવે છે. પ્રથમ વર્ગનાં વારસદારોમાં મૃતક પુરૂષના પુત્ર, પુત્રી, માતા, મૃત્યુ પામનાર પુત્રનો પુત્ર મૃત્યુ પામનાર પુત્રીને પુત્ર-પુત્રી એટલે કે દૌહિત્ર-દૌહિત્રી મૃત્યુ પામનાર પુત્રની વિધવા, એમ તમામ સીધી લીટીના વારસદારો ગણી શકાય

જોકે, મૃત્યુ હિન્દુ પુરૂષની બિન વસિયતી મિલ્કત પર તેના પિતા પ્રથમ વર્ગના વારસદાર ગણાતા નથી આવી મિલ્કતમાં મૃતકના દીકરા-દીકરીના તમામ વારસદારો પણ સમાન હકકનાં હકકદાર ગણાય છે. પણ જો, પિતાની મિલ્કતો હડપ કરવા એક માત્ર વારસદાર સંતાન તેની હત્યા કરે અને તેનો ગુન્હો સાબિત થાય તો હત્યા કરનાર પુત્ર તેના મૃતક પિતાની મિલ્કતમાં વારસદાર રહેતો નથી અને મૃતકની મિલ્કતને બીજા કે ત્રીજા વર્ગનાં વારસદારોમાં વહેચી દેવામાં આવે છે. પ્રથમ વર્ગના વારસદારોમાં અનઔરસ બાળકોનો સમાવેશ થતો નથી. જો મૃત્યુ પામનારને કોઈપણ વારસદાર ન હોય તો તેની તમામ મિલ્કત સરકારશ્રી થાય છે અને સરકારી તંત્ર આવી મિલ્કતનો કબ્જો લઈ શકે છે.

જયારે હિન્દુ પુરૂષની મિલ્કત સ્વપાર્જીત હોય તો તેનું વસિયતનામું કરીને તેના વારસદારો સિવાયના ગમે તે વ્યકિતને પોતાની મિલ્કત વારસાઈમાં આપી શકે છે. તેમ તેના કોઈપણ વારસદારો દાવો કરી શકતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.