Abtak Media Google News

નાણામંત્રી અરૂણ જેટલી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડેની ઉપસ્થિતિમાં બપોરે કમલમ્ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીની પસંદગી કરાશે: વિજયભાઈ રૂપાણીનું નામ લગભગ નિશ્ર્ચિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૯૯ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી રાજયમાં સતત છઠ્ઠી વખત ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે ? તે વાત પરથી આજે સાંજ સુધીમાં પડદો ઉંચકાય જશે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડેની ઉપસ્થિતિમાં આજે બપોરે કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપના ચુંટાયેલા ૯૯ ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. હાલ તમામ સમીકરણો અને સ્થિતિને નજર સમક્ષ રાખતા વિજયભાઈ રૂપાણી ફરી ગુજરાતના નાથ બને તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.

ગુજરાત વિધાનસભાના નેતા નકકી કરવા માટે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નાણામંત્રી અ‚ણ જેટલી અને રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડેની નિરીક્ષક તરીકે વરણી કરી છે. આ બંને નિરીક્ષકો આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

જેટલી અને પાંડે ઉપરાંત ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ અને સંગઠન સહમહામંત્રી વિ.સતીષની ઉપસ્થિતિમાં આજે બપોરે ૩:૩૦ કલાકે કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ચુંટાયેલા ૯૯ ધારાસભ્યોની એક બેઠક મળશે. જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. આ એક માત્ર પ્રક્રિયા છે. જેમાં ચુંટાયેલા ધારાસભ્યોને પોતાના નેતા પસંદ કરવાની છુટ આપવામાં આવે છે. બાકી મુખ્યમંત્રીના નામની પસંદગી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જ કરતું હોય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે બે-ત્રણ વાર એવા સંકેતો આપ્યા હતા કે જો ગુજરાતમાં ભાજપ ફરી જીત હાંસલ કરશે તો મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીની પસંદગી કરવામાં આવશે.

તમામ સમીકરણો ધ્યાનમાં રાખતા હાલ એવું લાગી રહ્યું છે કે, વિજયભાઈની પસંદગી કરવામાં આવે. આ ઉપરાંત અન્ય બે થી ત્રણ નામો પણ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે ? તે વાત પરથી આજે સાંજ સુધીમાં પડદો ઉંચકાય જશે. રાજયમાં નવી સરકાર આગામી ૨૫મી ડિસેમ્બર સુધીમાં રચાઈ જાય તેવી સંભાવના જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.