Abtak Media Google News

વિક્રમ સંવતનાં નૂતન વર્ષમાં રાજસત્તા-ધર્મસત્તાની ભૂમિકા કેવી હશે? દેશની મંદિર-સંસ્કૃતિ સંભવત: રાજકીય આતંકીઓના હુમલાઓના હુમલાનો પ્રતિકાર કરી શકશે? દેશ સામે નવો પ્રશ્ર્નાર્થ

વિક્રમ સંવતનું ૨૦૭૫મું વર્ષ કામનાં ગર્ભમાં વિલીન થયું છે અને ૨૦૭૬મું વર્ષ, એટલે કે નૂતન વર્ષ એની ભીતરમાં કોણ જાણે શું શું લઈને આરંભાયું છે એની ઉજવણી વખતે હરિમંદિરોમાં હરિભકતોની આસ્થા અને ઉમંગભરી જબરી ભીડ જામી અને અવનવી આશા-અરમાનોની હારમાળા ભગવાનની ઝળહળાટભરી પ્રતિમાઓ સમીપ અભિવ્યકત થઈ. એમાં પ્રાર્થનાઓ અંવિચળ સ્ત્રોત ભર્યો હોવાનો ભાવ નિતરતો હોવાનું નિહાળી શકાયું હતું. લાખો રૂપિયાની ભેટ ધરવાનો ઘસારો જોવા મળ્યો હતો. શ્રી ગણેશ, લક્ષ્મી, સરસ્વતી, મહાકાળી, શારદા એમ જુદા-જુદા દેવદેવીઓની પ્રસન્નતા અને કૃપા પામવાના શાસ્ત્રોકત વિધિવિધાન અને સાંસ્કૃતિક મંત્રોનાં માંગલ્ય ભીના ઘ્વનિ પણ ઉઠયા હતા.

આ બધુ જોતા જોતા અને સાંભળતા સાંભળતા એવું જાણી શકાયું હતું કે, આપણા દેશનાં મંદિરો-દેવાલયો અને દેવસ્થાનોમાં અબજો રૂપિયા અને સોના-ચાંદી-ઝવેરાતની અઢળક સંપતિ છે અને તેનો વહિવટ-કારોબાર બિનસરકારી મહાનુભાવો અને સાધુ-સંતો, સન્યાસીઓ દ્વારા થાય છે. પદ્યનાતી મંદિરનાં ભંડારમાં હાથ લાગેલી જુદા-જુદા સ્વરૂપની અઢળક સંપતિ પ્રકાશમાં આવી હોવાની સનસનીખેજ ઘટના આપણા દેશમાં બની જ છે. વિદેશી અલણમાં પણ અઢળક ભેટ-સોગાદો આવે છે. એવું પણ જાણી શકાયું છે કે, ચેરિટી કમિશનરની નિગરાની હેઠળ આને લગતાં નીતિ-નિયમો તથા ધારાધોરણ હેઠળ મંદિર-સંસ્કૃતિની થતી રહે છે.

બીજી અતિ મહત્વની બાબત એ છે કે, આપણા દેશ ઉપર અસાધરણ અને અ-ધ-ધ-ધ કહેવાય જાય એટલું ઘર આંગણાનું અને વિદેશી નાણા ભંડોળ (નાણાનિધિ)નું દેણુ છે. કરવેરા હવે અસહ્ય બન્યા છે અને તેનાં વ્યાજમાં તથા વહિવટી તંત્રનાં ખર્ચમાં આમદાની બુરી રીતે તણાઈ જતી હોવાનું અને મોંઘવારી બેકાબુ હોવાનું અર્થતંત્રનાં સર્વાંગી આંકડા દર્શાવે છે. આપણા દેશની આર્થિક-અર્થતંત્રિય હાલત બહદ ખરાબ અને કદરૂપી-કઢંગી હોવાની ટીકાટીપ્પણી થતી રહે છે.. ‘બધુ બરાબર છે’ એમ રાજકર્તાઓ દેશની પ્રજા સાથે ઠગાઈ કર્યા કરે છે. આવી ઠગાઈ પ્રજાતંત્રમાં ન જ શોભે છતાં દલીલ થાય છે કે, પોતાના સંતાન ઉપર કયાં મા-બાપને પ્રેમના હોય ? બધા જ માવતરને પોતાની ઓલાદ ઉપર પ્રેમ હોય એ નિવિર્વાદ હકિકત છે. સંતાનનાં જન્મથી માંડીને એના લાલન પાલન અને એની કારકિર્દીના ઘડતર સુધી જ નહીં પરંતુ એના સર્વે સુખનું નિર્માણ કરવા પ્રત્યેક મા-બાપ હંમેશા આકાશ-પાતાળ એક કરતા હોય છે. પોતાના સંતાનો અને કુટુંબકબીલાથી પણ દેશનો મહિમા ઉંચો હોય છે એ વાત જયારે નાની-મોટી સહુ કોઈ વ્યકિત સમજે ત્યારે કોઈપણ દેશનું મહાત્મય વધે છે. એવી એક પ્રેરણાત્મક કથા આપણને રશિયાના ઈતિહાસમાંથી મળે છે.

રશિયામાં ઝાર વંશનું સામ્રાજય હતું ત્યારે એમાં પીટર નામનો એક રાજા થયો હતો. જે કુટુંબવત્સલ હોવાની સાથો સાથ પ્રજાવત્સલ પણ હતો. રશિયા જેવા વિશાળ દેશનાં સમ્રાટને કોઈને વાતની કમીના હોય એ સ્વાભાવિક છે. આ રાજા પિટરને એની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે એવો એક બત્રીસ લક્ષણો રાજકુમાર પણ હતો. જેના લાલનપાલન માટે પીટરે કોઈ વાતે બાકી રાખ્યું ન હોતું પરંતુ કુદરતને સુખ મંજુર ન હોય એમ, રાજકુમારરૂપી સુર્યનો હજુ ઉદય થઈ રહ્યો હતો ત્યાંજ કાળનાં કોઈ કારમા પ્રહારથી અચાનક એનો અસ્ત થઈ ગયો.

સમ્રાટ પીટર સમા પિતાને માટે તો રાજકુમારની વિદાયથી જીવન અંધારમય બની ગયું. રાજા જેવો રાજા લાચાર થઈ ગયો. એ સાવ સુનમુન અને અવાક બની ગયો. મહેલનાં એક અજ્ઞાત ખંડમાં આશરો લઈને એ આઘાતને જીરવવા પ્રયત્નશીલ બન્યો. દિવસો વિતવા છતાં એ શોકગ્રસ્ત વાતાવરણમાંથી ઉગરી ન શકયો. પીટરની લાચારીનો લાભ ઉઠાવીને પાડોશી દેશો રશિયા ઉપર ચડાઈ કરવા પ્રવૃત બન્યા. રાજાના વજીરો અને અમલદારો ખુબ ચિંતિત થઈ ગયા બધા ભેગા મળીને રાજાને મનાવવા બંધ ખંડનાં દ્વારે પહોંચ્યા. બારણા ખખડાવ્યા તો પીટરે જવાબ દીધો કે મારા પ્રિય પુત્રના શોકમાં હું ગરકાવ છું. મને દખ્ખલ ન કરો. ત્યારે બધાયે અન્ય દેશો આપણા દેશ ઉપર ચડાઈ કરવાની ચેષ્ટા કરી રહ્યા છે એ વાત જણાવી. આપ પુત્ર વિયોગથી ઝૂરી રહ્યાં છો એનું અમોને પણ અનહદ દુ:ખ છે. પરંતુ સંતાન અને પરિવારથી પણ મોટો મહિમા દેશનો છે. આપ તુરંત બહાર આવો અને દેશને ઉગારી લો ! રાજાને દેશનું મહાત્મય સમજાયું એ તુરંત બહાર આવ્યો અને દેશની ધુરા સંભાળી લઈ દેશનાં રક્ષણમાં લાગી ગયો. છતાં રાજકર્તાઓ પ્રજાને કાયમ માટે છેતરી કે ઠગી શકે નહીં… હમણા હમણા મંદિર-સંસ્કૃતિ ચર્ચાના ચગડોળે ચઢી છે. આપણી સરકાર મંદિરોની અબજોની સંપતિ પોતાના હસ્તક લઈ લેવાની અને સરકારનાં ભંગાર અર્થતંત્રને વધુ કથળતું રોકવા મંદિરોની સંપતિ પોતાના હસ્તક લઈને તેનો કારોબાર પોતાની મરજી મુજબ કરવાની વેતરણમાં છે એવી વાત બહાર આવી છે.

આપણા દેશમાં હજારો નાના મોટા મંદિરો છે અને કરોડોની ધાર્મિક માન્યતાનો એક હિસ્સો બની ચુકયા છે. છેક વિદેશો સુધી હિન્દુ-મંદિરો પથરાયેલા છે. આ મંદિરોનો નિભાવ હિન્દુ પ્રજાના દાન-ભેટ દ્વારા થાય છે. એક વખતે આપણી મુળભુત ભાષા સંસ્કૃત હતી. કુલગુરુ કાલીદાસ સહિત ઘણા બધા કવિઓ, સાહિત્યકારો અને ઋષિમુનિઓ તેમજ સંત-મહંતો અને સાધુ સન્યાસીઓએ આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી હતી છેક ક્ધયાકુમારીથી કાશ્મીર અને હિમાલયની પર્વતમાળા સુધી, દ્વારકા-સોમનાથ પાટણ વગેરે વિશ્ર્વવિખ્યાત મંદિરો અહીં આજેય મોજુદ છે. ચારધામની યાત્રા અને મોટા મોટા તિર્થસ્થાનો લાખો ભાવિકોને આજેય આકર્ષે છે. આ બધુ આપણી સરકાર, વડાપ્રધાન, અન્ય પ્રધાનો અને સતાધીશો જાણે છે. આ મંદિરોને શ્રદ્ધા અને આસ્થા સાથે જંગીદાન સાથે આ દેશની પ્રજાએ અત્યારે છે તેટલી પ્રભુતા બક્ષી છે. મંદિરો પાસે અબજો રૂપિયા જેટલી સંપતિ છે. એ આ દેશની પ્રજાએ અર્પી છે. હવે કેન્દ્ર સરકાર મંદિરોની સંપતિને પોતાના હસ્તક એટલે કે પોતાના કબજે લેવા લલચાઈ છે. એનો ઉપયોગ સરકાર દ્વારા એની મરજી મુજબ થાય એવી જોગવાઈ કરવાનો સંકેતો સાંપડે છે. રૂપિયાની નોટો વિશે તે નિરંકુશપણે નિર્ણયો લે છે એજ રીતે તે મંદિરોની સંપતિ હસ્તગત કરવાની તજવીજમાં છે એવા સમાચાર પ્રકાશમાં આવી ચુકયા છે. આનો અર્થ એવો થાય કે, આ સરકાર મનઘડત રીતે મંદિર-સંસ્કૃતિ સાથે ચેડા કરીને રાષ્ટ્રનાં વ્યાપક હિતોનાં નામે અબજોની કબજે લેવા માગે છે. આ હિલચાલ મંદિર-સંસ્કૃતિને અને સમગ્ર દેશની ધર્મપ્રધાનતાને છિન્ન ભિન્ન કરી શકે છે. જો આમ થશે તો તે આપણી મંદિરની સંપતિ ઉપર અને ધાર્મિકતા ઉપર રાજકિય આતંકી હુમલાઓ બરાબર લેખાશે. ઝેરનાં પારખા જેવા પગલાથી સરકાર દુર રહે એમાં જ દેશનું ભલુ છે. હા, આ મુદ્દે જે કાંઈ સુધારા કરવા જેવું લાગે તે રાષ્ટ્રીય ચર્ચા સાથે તે કરે, તે કદાચ અનુચિત નહીં લેખાય !  જોકે એવો અવાજ ઉઠી શકે કે મંદિરોની સંપતિ કોઈની બાપુની મિલકત નથી એ ભગવાનની મિલકત છે. પ્રજાએ ચુંટેલા થોડા લોકો પ્રજાને વિશ્ર્વાસમાં લીધા વગર નિરંકુશપણે કોઈ નિર્ણય ન લઈ શકે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.