Abtak Media Google News

 

હાલ કોરોનામાં હેન્ડવોશ થકી ઇન્ફેક્શનથી દૂર રહી શકીએ છીએ તેવી જ રીતે ડોક્ટર ઇગ્નાઝ ફિલિપ સેમલ વેઇઝે વિયેનામાં બાળકના જન્મબાદ 20 થી 25 ટકા સ્ત્રીઓનું તાવમાં થતું મૃત્યુ અટકાવ્યું હતું: હેન્ડવોશ જેવી સામાન્ય ટેકનીકથી તે વિશ્ર્વમાં “માતાઓના તારણહાર” તરીકે સુવિખ્યાત થયા હતા

1865માં પાગલખાનામાં મૃત્યુ પામેલ તબીબની યાદમાં 2018માં હંગેરી દેશે તેમના નામથી યુનિવર્સિટી શરૂ કરીને દ્વિશતાબ્દીએ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી: હાલના વાતાવરણમાં પ્રીવેન્ટિવ મેડિસીનના પિતામહ એવા હિરોને કરોડો સલામ

ડોક્ટર ઇગ્નાઝ ફિલિપ સેમલવેઇઝ યુરોપનો તબિબ હતો. 1818માં જન્મેલ અને 1865માં વિયેનાના પાગલખાનામાં મૃત્યું થયું. આ તબિબે 1844માં જ્યારે ડોક્ટર બન્યો ત્યારે આખા યુરોપમાં સુવાવડી સ્ત્રીઓમાં તાવનો એપેડેમિક હતો. સાલ 1865માં માત્ર 21 વર્ષની મેડીકલ પ્રેક્ટીસ બાદ પાગલખાનામાં દમ તોડ્યો હતો. તે વિશ્ર્વમાં ‘માતાઓના તારણહાર’ તરીકે સુવિખ્યાત થઇ ગયો હતો.સગર્ભા સ્ત્રીઓમાં તાવનો ચેપ પ્રસરવાનું કારણ શોધનાર અને દુનિયાનો પ્રથમ ડોક્ટર કે જેણે હાથ ધોવાથી ચેપ ફેલાતો અટકે છે એવું સાબિત કરી બતાવ્યું હતું. વિધીની વક્રતા જોવો કે જે રોગની પોતે બીજાની સારવાર કરતો તેજ રોગથી તેમનું મૃત્યુ થયું હતું.

છેલ્લે માનસિક તબિયત લથડતા તેને પાગલખાનામાં ભરતી કરાયો ત્યાંથી એક-બેવાર ભાગવાના પ્રયાસમાં કર્મચારીઓએ માર પણ માર્યો હતો. 1844માં ઇગ્નાઝ ડોક્ટર બનીને વિયેનાની હોસ્પિટલમાં સ્ત્રી રોગ વિભાગમાં આસિ.ડોક્ટર જોડાયો હતો. આ ગાળામાં હાલના કોરોનાની જેમ સગર્ભા મહિલા-સુવાવડી સ્ત્રીઓમાં તાવનો એપિડેમિક હતો.બાળકના જન્મ પછી 20-25 ટકા સ્ત્રીઓ તાવને લીધે મૃત્યું પામતી હતી. આ સમયે બધા ડોક્ટર પણ જાણે કે બાળકના જન્મ પછીની આ અનિવાર્ય હકિકત ગણતાને આ સ્વીકારી લેતા. એ જમાનામાં કુંટુંબ નિયોજન તો હતું જ નહી એટલે સ્ત્રીઓ ગર્ભવતી થાય ત્યારથી જ ફફડતી કે મોત આવ્યું જ સમજો. યુવા ડોક્ટર ઇગ્નાઝ ફિલિપે આનો સ્ટેટિસ્ટિકલ અભ્યાસ-સંશોધન કરી મૂળ શોધ્યું. તેને સંશોધનમાં જાણવા મળેલ કે બે વોર્ડ દર્દીની સંખ્યા સરખી વેન્ટિલેશન પણ બરાબર છતાં પહેલા વોર્ડ કરતાં બીજા વોર્ડમાં મૃત્યુદર ત્રણ ગણો વધારે હતો.

પહેલાં વોર્ડમાં દર્દી પાસે ઇન્ટર્ની ડોક્ટર મરણ પામેલી સ્ત્રીની ઓટોપ્સી માટે જતાં જેથી મોતનું સાચુ કારણ જાણી શકાય. જ્યારે બીજો વોર્ડ ફક્ત દાયણો જ સંભાળતી હતી. ડો.ઇગ્નાઝે અવલોકન કર્યું કે મરેલ સ્ત્રીની ઓટોપ્સી કર્યા બાદ ડોક્ટર હાથ ધોયા વગર બાજુના વોર્ડ બીજા સ્ત્રીને દર્દીને તપાસતા જેને કારણે ચેપ લાગતો હતો. આજે આપણને ખબર છે કે ફક્તે એન્ટિસેપ્ટિક રીતે હાથ ધોવાથી જ કેટલાક બેક્ટેરિયા નાશ પામે છે. અને સર્જનો સ્ક્રબિંગ કર્યાં વગર ઓપરેશન કરતાં નથી. પણ 1800ની સાલમાં આવું ન હતું. ડો.ઇગ્નાઝે દરેક ડોક્ટર ને મંદ ક્લોરીન વોટરથી હાથ સાફ કરીને વોર્ડમાં જવાનું કહેતા તરત જ વોર્ડમાં મૃત્યુ દર 18.27 ટકામાંથી ઘટીને 1.27 ટકા થઇ ગયો હતો. માર્ચથી ઓગષ્ટ 1848માં એકપણ સ્ત્રીનું મૃત્યું સુવાવડ પછીના તાવને લીધે ન થયું.

યુવાન ડોક્ટર સમજ્યા પણ સિનિયર ડોક્ટરે ડો.ઇગ્નાઝની વાતની વિરોધ કર્યો હતો. વિજ્ઞાનમાં પણ પ્રચલિત સિધ્ધાંતથી જુદી વાત સ્વીકારવી મુશ્કેલ હોય છે. આજ સુધી સ્પર્શથી ચેપ ફેલાય તેવી વાત કોઇએ કરી ન હતી, એટલે વડિલ ડોક્ટરે ડો.ઇગ્નાઝની મશ્કરી કરી હતી. અને અંતે 1849માં તેને હોસ્પિટલમાંથી છૂટો કરી દીધો. ત્યાંથી તે બુડાપેસ્ટની હોસ્પિટલમાં જોડાયો ત્યાં પણ સુવાવડી સ્ત્રીઓમાં તાવના ખૂબ જ વાયરા હતા. તેણે સ્ત્રી વોર્ડમાં ફરજ બજાવીને સ્ત્રી મૃત્યુંદર 0.85 ટકા કરી દીધો હતો. તેણે મેડિકલ સોસાયટીમાં રીસર્ચ પેપર રજુ કર્યું ને 1855માં હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગનો હેડ બની ગયો. તેમનું માત્ર 47 વર્ષની વયે અવસાન થયું હતું.

તેણે તેના સંશોધનની કોપી બધે મોકલી પણ બધેથી તેને નકારીને ‘હેન્ડવોશ’ના તૂતને બંધ કરવા જણાવ્યું. બાદમાં તે માનસિક ભાગી ગયોને બાય પોલર ડીઝીઝ થતાં મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાયો. જુના ઓપરેશનના ઝખમમાં ચેપ લાગ્યો અને સાવ અજ્ઞાત દશામાં એ જે આખી જિંદગી રોગ સામે લડ્યો હતો તેની સામે જ હારી ગયો. એન મૃત્યુ બાદ સમગ્ર વિશ્ર્વનાં મેડિકલ સાયન્સ અને વૈજ્ઞાનિકોએ એની થિયરી સ્વીકારી હતી. એને ‘માતાઓના તારણહાર’ તરીકે બીરદાવવામાં આવ્યો હતો.

2018માં હંગેરીમાં એમના નામની યુનિવર્સિટીની સ્થાપના કરાય અને દ્વીશતાબ્દિએ એક ટપાલ ટીકીટ બહાર પડી, જેમાં ગર્ભવતી માતા અને હાથ ધોવાની ક્રિયા બતાવી છે. અત્યારે કોરોનાના પેનડેમિક સમયે પ્રીવેન્ટિવ મેડિસીનના પિતામહ એવા હિરોને સૌ શ્રધ્ધાંજલિ અપર્ણ કરીએ.

સુવાવડી સ્ત્રીઓમાં તાવના ચેપનું કારણ શોધનાર વિશ્ર્વનો પ્રથમ ડોક્ટર

વિયેનાની હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ 20 થી 25 ટકા સ્ત્રીઓ તાવને કારણે મૃત્યુ પામતી હતી. આ તાવના ચેપનું કારણ શોધનાર વિશ્ર્વનો તે પ્રથમ ડોક્ટર હતો જેમણે માત્ર હેન્ડવોશ કરવાથી ચેપ અટકે છે તેવું સાબિત કર્યું હતું. આખા યુરોપમાં એ જમાનામાં આ તાવનો રોગચાળો હતો. એ જમાનામાં સ્ત્રીઓ ગર્ભવતી થાય ત્યારથી જ ફફડતી કે મોત આવ્યું જ સમજો. એ જમાનામાં મૃત્યુ પામેલ સ્ત્રીઓની એટોપ્સી કરીને આ કારણ જાણવા મળ્યું હતું. આજે આપણને ખબર છે કે ફક્ત એન્ટિસેપ્ટિક રીતે હાથ ધોવાથી ઘણા બેક્ટેરિયા મરી જાય છે પણ એ જમાનામાં એવું ન હતું માત્ર હેન્ડવોશ અમલથી મૃત્યુદર 18.27માંથી ઘટીને 1.27 ટકા થઇ ગયો હતો. 1848માં તો એક પણ સ્ત્રીનું મૃત્યું ના થયું. યુવાન ડોક્ટરે વાત સ્વીકારી પણ સિનિયર ડોક્ટરે વિરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.