રાજકોટ મનપાની પ્રાથમિક શિક્ષણ સમિતિના કોણ બનશે ચેરમેન, કોના નામ ચર્ચામાં ?

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના નવા ચેરમેન તરીકે શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી અથવા નીતિનભાઈ ભુતની વરણી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ત્રીજા નામ તરીકે શહેર ભાજપ મહામંત્રી તરીકે કિશોરભાઈ રાઠોડના નામની પણ ચર્ચા ચાલી રહી છે. સૌપ્રથમ   મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનની વરણી માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બજેટ મંજૂર કરવાનું કામ હાથ પર લેવામાં આવશે. ત્યારબાદ મહાપાલિકાની અલગ અલગ ૧૫ ખાસ સમીતીના સભ્યો અને ચેરમેનની નિમણૂંક કરાશે અને સૌથી છેલ્લે નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના સભ્યોની નિમણૂંક કરવાનું કામ ભાજપ હાથ પર લેશે.

શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીનું નામ વોર્ડ નં.૭ના ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદારો પૈકીનું એક હતું. જો કે, મહાપાલિકાની ચૂંટણીમાં પક્ષે તેઓને ટિકિટ આપી ન હતી. હવે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના ચેરમેનની નિમણૂંક કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે ત્યારે સૌથી પ્રથમ નામ જીતુભાઈ કોઠારીનું હોવાનું ચર્ચાય રહ્યું છે. આ ઉપરાંત વર્ષોથી પક્ષના એક વફાદાર સૈનિક તરીકે કામ કરતા નીતિનભાઈ ભુતનું નામ પણ શિક્ષણ સમીતીના ચેરમેન તરીકે હાલ ચર્ચામાં છે. અગાઉ તેઓ સમીતીના સભ્યપદે પણ રહી ચૂક્યા છે. જ્યારે ત્રીજુ નામ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડનું ચર્ચાઈ રહ્યું છે. જો કે શહેર ભાજપના સુત્રો એવું કહી રહ્યાં છે કે શિક્ષણ સમીતી માટે હાલ કોઈ જાતની ચર્ચા-વિચારણા કરવામાં આવી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન પૂર્ણ થયા બાદ સૌપ્રથમ મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની વરણી કરવા માટેની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે અને ત્યારબાદ પદાધિકારીઓ વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ મંજૂર કરવાનું કામ હાથ પર લેશે. બાદમાં ૧૫ ખાસ સમીતીની રચના કરાશે અને સૌથી છેલ્લે શિક્ષણ સમીતીની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવાની હાયે જેમાં અંદાજે ૨ મહિનો જેટલો સમય પસાર થઈ જશે. આવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમીતીમાં સભ્ય તરીકે કોનો સમાવેશ કરવો અને ચેરમેન પદે કોના નામ ચર્ચામાં છે તેની હજુ સુધી કોઈ જ ચર્ચા થઈ નથી.