- વિસાવદર તેનો મિજાજ યથાવત રાખશે કે બદલશે?
- 2007 પછી ભાજપ વિસાવદર વિધાનસભા બેઠક જીતી શકયું નથી: પાટીદારોના મત નિર્ણાયક, આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને કુરજીભાઇ ભેંસાણીયા ત્રણ-ત્રણ વાર જીત્યાં છે: એકવાર હારેલા ઉમેદવાર કયારેય બીજીવાર અહી જીતતો નથી
સત્તાના સમીકરણો પર કોઇ અસર કરતી ન હોવા છતાં ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીએ રાજયભરમાં ભારે રાજકીય ગરમાવો લાવી દીધો છે. જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક 1995 થી હાઇ પ્રોફાઇલ બની ગઇ છે. આ એજ બેઠક છે જેને ગુજરાતમાં ભાજપ સરકારને પ્રથમ મુખ્યમંત્રી આપ્યા, વિસાવદરના મતદારો પોતાનો મિજાજ યથાવત રાખશે કે બદલશે તેના પર તમામની મીટ મંડાયેલી છે.
પાટીદાર સમાજ કોના પર રીઝશે વિધાનસભામાં ભાજપનું બળ વધશે કે પછી કોંગ્રેસ ફરી આ બેઠક પર પંજાની પકડ જમાવી શકશે? કે આમ આદમી પાર્ટી પોતાની બેઠક જાળવી રાખશે તે વાત પરથી રરમીએ પડદો ઉંચકાય જશે.
કેશુભાઇ પટેલ જયારે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે 1995માં વિસાવદર બેઠક પરથી ચુંટણી લડવા આવ્યા ત્યારથી આ બેઠક ગુજરાતની 182 બેઠકોમાંથી હાઇ પ્રોફાઇડ બેઠકોમાં સ્થાન મેળવી ચુકી છે. 1995 અને 1998માં ભાજપના ઉમેદવાર તરીકે જયારે 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે એમ કુલ ત્રણ વાર કેશુભાઇ પટેલ વિજેતા બન્યા છે. જયારે કુરજીભાઇ ભેંસણીયા 1967 માં સ્વતંત્ર પક્ષમાંથી, 1975માં ક્રીમલોયમાંથી અને 1990માં જનતા દળમાંથી વિસાવદર બેઠક પરથી ધારાસભ્ તરીકે ચુંટાઇ આવ્યા હતા. આ બેઠક પર સૌ પ્રથમવાર ધારાસભ્ય તરીકે મુસ્લિમ મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી ચૂંટાય આવ્યા હતા. 1962, 1972 અને 1985માં આ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ હતું. 1995થી આ બેઠક પર કેશુભાઇ પટેલના કારણે ભાજપ વધુ મજબૂત બન્યું. કનુભાઇ ભાલાળાએ પણ અહી કમલને વધુ મજબુત પ્રદાન કરી આ બેઠક પર જનતાદળ, કેએસપી, અને જીપીપી જેવા પક્ષો પણ મેદાન મારી ચૂકયા છે. 2022માં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભુપતભાઇ ભાયાણીએ વિસાવદર બેઠક પરથી ચુંટણી જંગ લડવા અને ધારાસભ્ય બન્યા તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા આગામી 19મી જુનના રોજ વિસાવદર બેઠકની પેટા ચુંટણી માટે મતદાન યોજવાનું છે.
જેમાં ભાજપના ઉમેદવાર કિરીટભાઇ પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલભાઇ ઇટાલીયા અને કોંગ્રેસના નીતીનભાઇ રાણપરિયા વચ્ચે જંગ છે હવે વિસાવદરના મતદારો પોતાને મિજાજ બદલશે કે યથાવત રાખશે તેના પર મદાર છે. આ બેઠક પર 2,58,104 મતદારો છે. જેમાં 1,34,870 પુરૂષ મતદાર અને 1,23,232 મહિલા મતદાર છે.
આ બેઠક પર સૌથી વધુ 1,35,000 પાટીદાર મતદારો છે. જેનો સિઘ્ધો અર્થ એવો થાય છે કે પાટીદારો જેના પર રિઝે તેનો રાજકીય સુર્યાદય થાય પરંતુ આ બેઠક પર પાટીદાર સમાજે કયારેય કોઇ એક પાર્ટી પર સતત પ્રેમ વરસાવવાનું ચાલુ રાખ્યું નથી. તમામને આવકાર્યા છે. અને સમય આવતા જાકારો પણ આપી દીધો છે. બીજા ક્રમે 21000 દલીત મતદારો, ત્રીજા ક્રમે 20000 કોળી, મતદારો અને ચોથા ક્રમે 12000 જેટલા મુસ્લિમ મતદારો છે.
વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અહી પાટીદાર સમાજને ટિકીટ આપી છે હવે જયારે મતપેટી (ઇવીએમ) ખુલશે ત્યારે ખબર પડશે કે વિસાવદરવાસીઓ કોના પર રિઝયા છે. કોઇપણ રાજકીય પંડિત આ બેઠક અંગે સચોટ આગાહી કરતો નથી. ભરેલા નાળીયેર જેવી સ્થિતિ છે. ત્રણેય પક્ષો એડી ચૌટીનું જોર લગાવી રહી છે.
1995થી વિસાવદર બેઠકનું પરિણામ
* 1995માં ભાજપના ઉમેદવાર તરીકે કેશુભાઈ પટેલ જીત્યા
* 1998માં ફરી કમળ પરથી ચૂંટણી લડી કેશુબાપા બન્યા ધારાસભ્ય
* 2002માં ભાજપના કનુભાઈ ભાલાળા વિજેતા બન્યા
* 2007માં ફરી મતદારોએ કનુભાઈ ભાલાળા પર કળશ ઢોળ્યો
* 2012માં કેશુબાપા જીપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા
* 2014માં પેટા ચૂંટણીમાં હર્ષદ રિબડીયા કોંગ્રેસમાંથી જીત્યા
* 2017માં ફરી હર્ષદભાઈ રીબડીયા કોંગ્રેસમાંથી જીત્યા
* 2022માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપત ભાયાણી બન્યા વિજેતા