Abtak Media Google News

મોદી સાહેબ હિસાબ આપો…

નાગરિકોએ જમા કરાવેલા નાણાં અને તેના ઉપયોગ અંગેની વિગતો માંગવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો હતો

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એમ.બી. લોકુરે પીએમ કેયર ફંડ અંગે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું છે કે, આ ભંડોળ અંગે અમારી પાસે પણ કોઈ જ વિગતો નથી. તેમણે પૂછ્યું હતું કે, નાગરિકો અને મોટા ઉદ્યોગો દ્વારા દાન કરવામાં આવેલા કરોડો અને કરોડોના નાણાં કેવી રીતે ખર્ચવામાં આવી રહ્યા છે તે અંગે સાર્વજનિક ક્ષેત્રમાં કોઈ માહિતી નથી? તેમણે કહ્યું કે અમને ખબર નથી કે વડાપ્રધાન નિધિ ભંડોળમાં જમા પૈસા ક્યાં જઈ રહ્યા છે.

લોકુરે કહ્યું કે, વડાપ્રધાન નિધિ ભંડોળમાં કરોડો રૂપિયા છે. અમે જાણીએ છીએ કે, સરકારી કર્મચારીઓએ નાણાંનું દાન કર્યું છે. સીએસઆરને પીએમ-કેયર્સ તરફ વાળવામાં આવ્યું છે પરંતુ ફંડ હેઠળ કેટલા પૈસા છે? તે કેવી રીતે ખર્ચવામાં આવ્યા? અમને કંઈ જ ખબર નથી. અમને કહેવામાં આવ્યું હતું કે, તેનો ઉપયોગ કોરોના મહામારીનો સામનો કરવા, વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવશે. ખરેખર શું થયું છે? અમને તે અંગે પણ કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

પીએમ-કેયર્સ વેબસાઇટ પર જાઓ તો તમે જોશો કે, 28 માર્ચ 2020 થી 31 માર્ચ 2020 ના સમયગાળાનો ઓડિટ રિપોર્ટ છે જે મુજબ ફક્ત 4 દિવસમાં રૂ. 3000 કરોડ એકત્રિત કરવામાં આવ્યા હતા. જો સરેરાશ ગણતરી કરવામાં આવે તો આપણે સેંકડો અને હજારો કરોડની વાત કરી રહ્યા છીએ. પણ આ પૈસા ક્યાં જઈ રહ્યા છે? અમને ખબર નથી.

ન્યાયમૂર્તિ લોકુરે કહ્યું કે, વર્ષ 2020-21ના સમયગાળા માટેનો ઓડિટ રિપોર્ટ હજુ સુધી તૈયાર કરવામાં આવ્યો નથી. એક વર્ષ વીતી ગયું છે, આજે 12મી ઓક્ટોબર છે, ઓડિટ રિપોર્ટ્સ વિશે કોઈને કોઈ જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કાર્યાલયે આરટીઆઈ અરજીઓને ફગાવી દીધી છે. જેમાં પીએમ-કેયર્સ ફંડ્સ વિશેની માહિતી માંગવામાં આવી હતી. આરટીઆઈમાં માંગવામાં આવેલી વિગતો કેન્દ્રએ જાહેર કરવાની ના પાડી દીધી હોવાથી અરજદારે સુપ્રીમમાં પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી સુપ્રીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.