કોણ કરશે મહાનગર પર કબજો, ભાજપ, કોંગ્રેસ કે આપ ?

રાજકોટઃ રવિવારે યોજાયેલી છ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાઇ ગયું છે. હવે તમામ પક્ષો કાગડોળે મંગળવારે થનારી મતગણતરીની રાહ જોઇ રહ્યાં છે. આ વખતે સરેરાશ 42 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ જામનગર અને સૌથી ઓછું અમદાવાદમાં નોંધાયું હતું. ઓછા મતદાનને લઇને રાજકીય સમીકરણોના દાખલા ગણ્યા બાદ તમામ રાજકીય પક્ષોમાં ચિંતાના વાદળો છવાઇ ગયા હતા.

મતગણતરી માટે તંત્ર સજ્જ

વાત કરીએ મતગણતરીની તો રાજકોટમાં મંગળવારે છ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત 11થી 14 રાઉન્ડમાં 982 વ્યક્તિનો ચૂંટણી સ્ટાફ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે. તો જામનગરમાં 16 વોર્ડની 64 બેઠકોના 236 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થયું હતું ત્યારબાદ મંગળવારે શહેરમાં આવેલી હરિયા કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ 53.60 મતદાન નોંધાયું હતું.

મહાનગરની ચૂંટણીને લઇને બૂકીબજાર પણ ગરમ હોવાનું સામે આવ્યું છે. બૂકી બજારના મતે મનપા ચૂંટણીમાં ભાજપને જામનગરમાં આ વખતે 40થી 42 બેઠકો મળે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો રાજકોટમાં કોંગ્રેસને ચૂંટણીમાં ઘણો ફાયદો થશે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પાછળ એવું કારણ દર્શાવવામાં આવ્યું છે કે આ વખતે ધાર્યા કરતાં ઓછું મતદાન થયું છે જેના કારણે ભાજપને 43 સીટ આવશે.