ઇતિહાસના સૌથી ‘વિરાટ’ યુઘ્ધ ‘મહાભારત’માં સૈનિકો માટે ભોજન વ્યવસ્થા કોણે કરી હશે?

ધર્મશાસ્ત્રોમાં વર્ણિત પ્રસંગો વિશે સ્વાભાવિક રીતે કુતુહલતા પમાડે તેવા ઉદભાવતા પ્રશ્ર્નોના ઉતરો જાણવા પ્રયાસ કરીને બાળકો સાથે તેની ચર્ચા કરવી જોઇએ

હિન્દુ શાસ્ત્રોકત માન્યતાનુસાર ‘મહાભારત’ તથા તેના યુઘ્ધ વિશે અનેક રોચક તથ્યો અને માહિતી જાણવાની દરેકને ઉત્કંઠા હોય છે. ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં બાળકોના મનમાં પણ સહજ પ્રશ્ર્નો ઉઠતા હોય છે. તેવી જ એક રોચક બાબત મહાભારતના ૧૮ દિવસ ચાલેલા યુઘ્ધ વિશે જાણવામાં દરેકને રસ પડે છે. ખાસ કરીને એવી વાતો જે આશ્ર્ચર્ય પમાડે આવી જ એક રોચક બાબત છે કે મહાભારતના યોઘ્ધાઓની ભોજન વ્યવસ્થા કેવી રીતે અને કોના દ્વારા કરવામાં આવી હશે? તો ચાલો જાણીએ આ રોચક તથ્ય વિશે

મહાભારતને ઇતિહાસનું સૌથી મોટું યુઘ્ધ માનવામાં આવે  છે. જેમાં લાખો સૈનિકો જોડાયા હતા. કૌરવો પાસે ૧૧ અક્ષૌહિણી અને પાંડવો પાસે ૭ અક્ષૌહિણી સેના હતી. આ બન્નેને મેળવીએ તો આશરે ૪૫ લાખ સૈનિકો મહાભારતના યુઘ્ધમાં જોડાયા હતા. એવામાં સહજ પણે આ સૈનિકોની ભોજન વ્યવસ્થા વિશે પ્રશ્ર્ન થાય કે આટલી વિશાળ સેના માટે ભોજન વ્યવસ્થા કોણે અને કેવી રીતે પાર પાડી હશે?

ઉડ્ડપી નરેશ દ્વારા કરવામાં આવેલી ‘મહાભારત’ યોઘ્ધાઓની ભોજન વ્યવસ્થા

કૌરવ-પાંડવ વચ્ચે જયારે યુઘ્ધની ઘોષણા કરવામાં આવી ત્યારે દરેક પક્ષ અન્ય રાજાઓને પોતાની સાથે મિલાવવામાં લાગી ગયા હતા. કિવોદંતિ અનુસાર કૌરવ-પાંડવના પ્રતિનિધિ ઉડ્ડપીના રાજાને પણ યુઘ્ધ માટે મનાવવામાં આવ્યા હતા. ત્યારે બન્ને પક્ષોની વાતો સાંભળીને ઉડ્ડપ્પી રાજા નકકી કરી શકતા ન હતા. કે તેઓ કોના તરફથી લડશે, એવામાં તેઓ શ્રી કૃષ્ણનું માર્ગદર્શન લેવા પહોંચી ગયા હતા. અને પોતાની અંદર ચાલી રહેલા અસમંજસની વાત તેમણે રી કૃષ્ણને કરી હતી. અને સાથે યુઘ્ધ દરમિયાન ભોજન વ્યવસ્થા કોણ સંભાળશે? તેવો પ્રશ્ર્ન મૂકયો હતો.

ઉડ્ડપી રાજાની વાત સાંભળી શ્રી કૃષ્ણ તેના મનની વાત જાણી ગયા હતા. અને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને શસ્ત્ર વગર પણ યુઘ્ધમાં સહભાગી થવાની એટલે કે બન્ને સૈનિકોની ભોજન વ્યવસ્થા સંભાળવાની અનુમતિ આપી હતી. આમ, ઉડ્ડપીના રાજાએ ૧૮ દિવસ સુધી બન્ને પક્ષના યોઘ્ધાઓ માટે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. યુઘ્ધિષ્ઠીરે યુઘ્ધના સમાપન બાદ પોતાના રાજતિલક સમારોહમાં ઉડ્ડપી રાજાની પ્રસંસા પણ કરી હતી.