Abtak Media Google News

રાજકીય પક્ષોએ અને ચૂંટણી તંત્રએ એડી ચોટીનું જોર લગાવ્યું છતાં મતદાન ઘટ્યું, પરિણામ ઉપર અસર થવાની ભીતિએ જબરું સસ્પેન્સ સર્જાયું : ઉમેદવારો માટે હવે 8 તારીખ સુધીનો વિલંબ કપરો બન્યો

અંદાજે 4 ટકા જેટલો મતદાનમાં ઘટાડો કોની ગણતરી ઊંઘી પાડી દેશે ? તે સવાલ અત્યારે સૌને ઉદ્દભવી રહ્યો છે. રાજકીય પક્ષોએ અને ચૂંટણી તંત્રએ એડી ચોટીનું જોર લગાવ્યું છતાં મતદાન ઘટ્યું છે.  પરિણામ ઉપર અસર થવાની ભીતિએ જબરું સસ્પેન્સ સર્જાયું છે. જેને કારણે હવે ઉમેદવારો માટે હવે 8 તારીખ સુધીનો વિલંબ કપરો બન્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગઈકાલે પહેલા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠકો પર મતદાન યોજાયું હતું. જોકે, પહેલા તબક્કામાં મતદારોનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. સરેરાશ માત્ર 63.95  ટકા મતદાન જ થયું હતું. પહેલા તબક્કામાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. પહેલા તબક્કામાં કિરીટસિંહ રાણા, જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, કનુ દેસાઈ, જીતુભાઈ ચૌધરી, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, નરેશ પટેલ, મુકેશ પટેલ, વિનુ મોરડિયા, દેવા આલમ સહિત કુલ 11 મંત્રીઓનું ભવિષ્ય આજે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. આ ઉપરાંત આ વખતે કોઈ મોટા બનાવ પણ સામે આવ્યા ન હતા. જેને પગલે ચૂંટણી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

મતદારોને રીઝવવા માટે દરેક પક્ષે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જોકે, મતદારોને મતદાન મથક સુધી લાવવામાં તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. વળી, હાલની લગ્નની સીઝન ચાલતી હોવાની અસર પર પણ મતદાન પર પડી છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા વોટિંગ થયું હતું. દર વખતે છેલ્લી ઘડીએ મતદાન માટે ધસારો થતો હોય છે, પરંતુ આ વખતે એવું જોવા મળ્યું ન હતું અને મતદાનનો સમય પૂરો થયો ત્યારે 63.95 ટકા સુધી જ આંકડો પહોંચી શક્યો હતો. આમ, નિરસ મતદાનને પગલે રાજકીય પક્ષોની ઊંઘ ઉડી ગઈ છે અને હવે બીજા તબક્કામાં મતદાન વધારવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓએ પહેલા તબક્કામાં સમાવિષ્ટ બેઠકો પર પ્રચાર કર્યો હતો. તેમ છતાં મતદારોએ કોઈ ખાસ ઉત્સાહ નથી બતાવ્યો, તે દર્શાવી રહ્યું છે કે, મતદારોમાં અંડરકરન્ટ છે. જોકે, આ અંડરકરન્ટ કોને ફાયદો કરાવશે તે તો 8મી ડિસેમ્બરે જ ખબર પડશે.

ઉલ્લેખનીય છે કે પરિણામ ઉપર અસર થવાની ભીતિએ જબરું સસ્પેન્સ સર્જાયું છે.  ઉમેદવારો માટે હવે 8 તારીખ સુધીનો વિલંબ કપરો બન્યો છે. હવે 8 તારીખે કોણ ધારાસભ્ય બને છે તેની ઉપર પ્રજાની પણ મીટ મંડરાયેલી છે.

  • મતદાન ઘટ્યું પણ મતો વધુ પડ્યા!!
  • મતદારોની સંખ્યા વધતા ગત ચૂંટણી કરતા 2 લાખ મત વધુ પડ્યા

2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની વાત કરીએ તો 2017માં 68 ટકા મતદાન થયું હતું. તે વખતે કુલ મતદારો 2 કરોડ 12 લાખ હતા. જેમાં 1 કરોડ 44 લાખ લોકોએ 2017માં મતદાન કર્યું હતું. પરંતુ વર્ષ 2022ની વાત કરીએ તો આ વખતે નવા વોટર્સ વધ્યા છે. આ વખતે મતદારોની સંખ્યા 2 કરોડ 39 લાખ હતી. જેમાંથી 1 કરોડ 46 લાખ લોકોએ મતદાન કર્યું છે. એ પ્રમાણે મતદારોની સંખ્યા જોવા જઈએ તો 63 ટકા જેટલું મતદાન થયું છે. પણ જો 2017ની ચૂંટણી કુલ મતદાનનો આંકડો જોવા જઈએ તો આ વખતની ચૂંટણીમાં 2 લાખ મત વધારે પડ્યા છે. વર્ષ 2017ની સરખામણીએ આ વખતે 27 લાખ મતદારો વધ્યાં છે. એટલેકે, 27 લાખ નવા મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે.

  • 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ, હવે 8મીએ પરિણામ

Img 20221202 Wa0003

રાજ્યની પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણીમાં 89 બેઠકો ઉપર મતદાન પૂર્ણ થયુ છે. 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સિલ થયા છે. હવે આ ઇવીએમનું સિલ 8 તરીખે ખુલવાનું છે. શાંતિપૂર્ણ રીતે યોજાયેલા મતદાનને લઈને જે તે પક્ષ દ્વારા પોતાના તરફી મતદાન થયાના દાવા કરવામાં આવ્યાં છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યાં છે. તથા આગામી 8મી ડિસેમ્બરે પોતે જ જીતશે તેવો આશાવાદ પણ ઉમેદવારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

Screenshot 1 6

  • શહેરી મતદારો ઓછા બહાર નીકળ્યા, ગ્રામ્ય મતદારોએ રંગ રાખ્યો
  • ગ્રામ્યના સેંકડો બુથ ઉપર 80 થી 90%નું મતદાન નોંધાયું

Kajurda Polling Booth 4

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેનો ડર હતો અંતે તેજ થયું છે. શહેરોમાં મતદાન ઘટ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોએ રંગ રાખ્યો છે અને મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે. ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગઈકાલે મતદાન પ્રક્રિયામાં વહેલી સવારે તમામ મતદાન મથકો ઉપર કતારો લાગી હતી પણ સમય જતા મતદાન મથકો ઠંડા પડી ગયા હતા. જો કે શહેરી વિસ્તારોના મતદાન મથકોમાં આ વખતે મતદાનના આંકડામાં ઘટાડો થયો છે. સામે ગ્રામ્ય વિસ્તારોમાં આ વખતે મતદાન સારૂ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ગ્રામ્ય વિસ્તારોના સેંકડો બુથોમાં તો 80થી 90 ટકા સુધીનું મતદાન રહ્યું છે. હવે જોવાનું એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મતદાન વધુ થયું છે તે કોના સમર્થનમાં છે. આ વધુ મતદાન રાજકીય પક્ષોના સમીકરણો બદલી શકવા સક્ષમ છે.

  • છેલ્લી 3 ચૂંટણીથી સતત ઘટતી મતદાનની ટકાવારી ચિંતનનો વિષય
  • દર 100 વ્યક્તિએ સરેરાશ 35થી 40 વ્યક્તિ મતદાનથી અળગા રહે છે, આ સંખ્યામાં ઉતરોતર વધારો: આવું થવા પાછળનું કારણ શું?

છેલ્લી 3 ચૂંટણીથી મતદાનની ટકાવારીમાં ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે. દર 100 વ્યક્તિએ સરેરાશ 35થી 40 વ્યક્તિ મતદાનથી અળગા રહે છે. આ સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આવું થવા પાછળનું કારણ શું ? તે ખરેખર સરકારે જાણવાની જરૂર છે.

ગુજરાતમાં પહેલી તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, હવે 5મી ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. 1 ડિસેમ્બરે શું થશે તે વિશે રાજકીય પાર્ટીઓ ગણિત ગોઠવીને હવે બાકીના અમુક કલાકોમાં બીજા તબક્કા માટે શું કરી શકાય તેના પ્લાનિંગમાં લાગી ગઈ ગઈ છે. પહેલા તબક્કાના મતદાન બાદ કેટલાક બેઠકોના ગણિત ખોરવાતા હોવાની શક્યતા સાથે અણધાર્યા પરિણામ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાનના કારણે ગણિત ખોરવાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે પ્રમાણે રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે તે પ્રમાણે મતદાન થયું નથી. જે પ્રમાણે 2017માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થયો હતો તે આ વખતે યથાવત રહેશે કે પછી કોઈ નવાજૂની થશે તે પરિણામના દિવસે સ્પષ્ટ થઈ જશે. પ્રથમ તબક્કાનું 89 બેઠકો પર મતદાન થઈ ગયું છે અને જે પ્રકારે ઓછું મતદાન થયું છે તેના કારણે રાજકીય પાર્ટીઓના ગણિત ઉલટફેર થાય તો નવાઈ નહીં. બીજી તરફ છેલ્લી 3 ચૂંટણીથી દર વખતે મતદાનમાં ઘટાડો આવી રહ્યો છે. 2012માં જે મતદાન થયું તેનાથી ઓછું મતદાન 2017માં થયુ હતું. 2017થી ઓછું મતદાન 2022માં થયું હતું. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં મતદારો કેમ દર વર્ષે ક્રમશ: ઓછો ઉત્સાહ દાખવી રહ્યા છે તેનું કારણ ચૂંટણી પંચે અને સરકારે જાણવાની જરૂર છે.

  • દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કરતા ઊંચું મતદાન

સૌરાષ્ટ્રની તમામ બેઠકોમાં આ વખતે ચૂંટણીમાં મતદારોમાં ભારે નિરસતા જોવા મળી છે. સામે દક્ષિણ ગુજરાતની બેઠકોમાં સૌરાષ્ટ્ર કરતા ઊંચું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 76.91 ટકા નોંધાયું છે. જ્યારે નર્મદા જિલ્લામાં 73.50 ટકા, નવસારીમાં 71.06 ટકા, વલસાડમાં 69.05 ટકા જેટલું મતદાન થયું છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં પણ સારું એવું મતદાન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.