- નજીવી ફીએ ભણાવતી ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલ-કોલેજો બંધ થશે તો ગરીબ વિદ્યાર્થીઓને નાછૂટકે ખાનગી કોલેજમાં અભ્યાસ માટે જવું પડશે
- 21મી સદીમાં ભણતર તો સરળ બન્યું પરંતુ ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલ અને કોલેજોનું મહત્વ ઘટી ગયું ! વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે?
આજે 21મી સદીમાં શિક્ષણ મેળવવું સરળ તો બન્યું છે પરંતુ ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલો અને કોલેજોનું મહત્વ ઘટતું જાય છે. એક ટાઇમ હતો કે વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં જ અભ્યાસ અર્થે જતા હતા પરંતુ ક્યાંકને ક્યાંક અત્યારના સમયમાં ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો અને સ્કૂલોનું ભવિષ્ય ધુંધળુ થતું દેખાઇ રહ્યું છે. ફક્ત સૌરાષ્ટ્ર જ નહિં પરંતુ રાજ્યભરમાં ઘણી એવી ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલો અને કોલેજો છે કે જેમાં તાળા મારવાની અરજીઓ આવી છે. હવે પ્રશ્ર્નએ થાય કે આવી ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલો અને કોલેજો પતાવી દેવાનું કારસ્તાન કોનું છે?
ઉલ્લેખનીય છે કે રાજકોટની ધમસાણીયા અને સદ્ગુરૂ મહિલા હોમ સાયન્સ કોલેજ બંધ કરવાની અરજી યુનિવર્સિટીને મળી હતી. હવે આ બંને કોલેજોમાં રાજ્ય સરકાર કેવા નિર્ણય કરે છે તે જોવું રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ, મોરબી, અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર મળીને કુલ 60 ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં અધ્યાપકોની ભરતી કરવામાં આવી ન હોવાનો સૂર ઉઠ્યો છે. આ ઉપરાંત નોન ટીચીંગ સ્ટાફની પણ ભરતી થતી ન હોય તેવી ફરિયાદ ઉઠી છે. સરકાર દ્વારા છેલ્લા 30 વર્ષથી ક્લાર્ક કે પટ્ટાવાળાની ભરતી પણ કરવામાં આવી નથી તેમજ સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ માંડ રૂ.60 ગ્રાન્ટ આપવામાં આવે છે અને તે પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી બંધ હોય તેવી માહિતી મળી છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ગ્રાન્ટ ઇન એઇડ કોલેજના ટ્રસ્ટીઓ નુકશાની વેઠી કોલેજ ચલાવતા હોય તેથી તેમને ઘણું નુકશાન ભોગવવું પડે છે.
જો ગ્રાન્ટ ઇન એઇડ કોેલેજો ધીમેધીમે બંધ થઇ જશે તો અધ્યાપકો નોકરી વિહોણા થશે જ પરંતુ સૌથી મોટું નુકશાન વિદ્યાર્થીઓને થશે કેમ કે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો બંધ થશે તો નાછૂટકે વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમાં અભ્યાસ અર્થે જવું પડશે અને ઉચ્ચી ફી ભરવી પડશે. આ સમગ્ર મામલે વિદ્યાર્થી સંગઠનો અને સમગ્ર સમાજ લડત ચલાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.
કાયમી સ્ટાફની અછત જ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ બંધ થવાનું કારણ: ડો.રાજેશ કાલરીયા
સમગ્ર મામલે ‘અબતક’ સાથેની વાતચિતમાં ડો.રાજેશ કાલરીયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ધમસાણીયા કોલેજ બંધ કરવા માટે અરજી આપવામાં આવી હતી. જેનું મુખ્ય કારણ કોલેજમાં છેલ્લા કેટલાક વર્ષથી પ્રોફેસર, લાયબ્રેરીયન, ટીટીઆઇ અને નોન ટીચીંગ સ્ટાફની કાયમી ભરતી થઇ જ નથી તો કોલેજ કંઇ રીતે ચાલે? રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી ક્લાર્ક અને પટ્ટાવાળાની પણ ભરતી કરવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાન્ટ ઇન એઇડ કોલેજના ટ્રસ્ટીઓ નુકશાની વેઠીને કોલેજ ચલાવી રહ્યા છે ત્યારે હવે ભવિષ્યમાં કોલેજ કંઇ રીતે આગળ ચલાવવું તે પણ એક પ્રશ્ર્ન થાય અને આગળ પણ અમે કોઇપણ પ્રકારના સેલ્ફ ફાયનાન્સ કોર્ષ શરૂ કરવાના નથી.
કાલે કણસાગરા કોલેજના કોમન હોલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો આવકાર સમારોહ !
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવ નિયુક્ત કુલપતિ ડો.ઉત્પલ જોશી આગામી પાંચ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચાર્જ સંભાળનાર છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ એસોસિએશન દ્વારા આવતીકાલે કણસાગરા કોલેજના કોમન હોલમાં કુલપતિનો આવકાર સમારોહ યોજાશે. સાથોસાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન દરેક સેલ્ફ ફાયનાન્સ કોલેજના સંચાલકો સાથે કુલપતિ મુલાકાત કરશે અને પરિચય મેળવશે.
ધમસાણીયા કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ કોલેજમાં રહીને જ અભ્યાસક્રમ પુરો કરી શકશે
ધમસાણીયા કોમર્સ કોલેજ જૂન-2025થી ક્રમશ: બંધ કરવા માટે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સરકારને જાણ કરતા પહેલા ટ્રસ્ટ દ્વારા વર્તમાન વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વિશે જણાવ્યું હતું કે એસ.વાય, ટી.વાયના વર્તમાન વિદ્યાર્થીઓ કોલેજમાં રહીને જ પોતાનો અભ્યાસક્રમ પુરો કરી શકશે. કોલેજના અધ્યાપકો ટ્રસ્ટની જ અન્ય મહિલા કોલેજમાં ફાજલ તરીકેનું રક્ષણ મેળવી શકશે. નવા શૈક્ષણિક વર્ષ-2025માં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ રાજકોટ શહેરની જ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધમસાણીયા કોલેજના કેમ્પસમાં અન્ય કોઇ સેલ્ફ ફાયનાન્સ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે નહિં. ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરી કેમ્પસને સુવિધાયુક્ત બનાવ્યું છે. જેથી વર્તમાન વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી.