રાજકોટ :કોઠારીયાના ખરાબામાં “મીઠો” કોની “મીઠી” નજર નીચે “મીઠાઈ” વહેંચી રહ્યો છે?

કોઠારીયામાં બે’લગામ થયેલા ભૂ-માફિયાઓને કોનું પીઠબળ છે કે તેઓ બેફામ સરકારની માલિકીની જમીનો વહેંચી રહ્યા છે? તે સવાલ ઉભો થયો છે. તાજેતરમાં જ ‘અબતક’ દ્વારા કોઠારીયાની સરકારી જમીનમાં ઔદ્યોગિક બાંધકામ ખડકી દેવાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની ભૂમિકામાં રહેલો ‘મીઠો’ બેફામ ‘મીઠાઈ’ વહેંચી રહ્યો છે અને મલાઈ ખાઈ રહ્યો છે. ‘મીઠો’ બેફામ ‘મીઠાઈ’ વહેંચે અને ગામના ‘કંદોઈ’ને જાણ ન થાય તેવું તેવું તો બની જ શકે નહીં તો શું ‘કંદોઈ’નું પણ મોઢું ‘મીઠું’ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ? તેવો સવાલ ઉભો થયો છે.

જેની સામે સારા-સારા છેડા ધરાવતાં વગવાન લોકો ગોઠણીયે બેસી જાય તેણે શા માટે ગેરકાયદેસર ’મીઠાઈ’ના વેંચાણને અટકાવ્યું નહીં? તેવો પણ સવાલ છે. જો કે, આશ્ચર્યજનક બાબત એ છે કે, જેની ‘ચોકલેટ’ વહેંચવાની ઓકાત નથી તે ‘મીઠાઈ’ કંઈ રીતે વહેંચવા લાગ્યો? કોણે પીઠબળ પૂરું પાડ્યું કે, એક મદિરાપાનનો શોખીન ‘મીઠાઈ’ વહેંચવાનો ધંધો કરી બેફામ થવા લાગ્યો? આ તમામ વાતો વચ્ચે મુખ્ય સવાલ એ છે કે, ‘મીઠો’ કોની ‘મીઠી’ નજર નીચે ‘મીઠાઈ’ વહેંચી રહ્યો છે? સવાલ અનેક પણ જવાબ કંઈ નહીં. ગામનો ‘ધણી’ ધારે તો ‘મીઠાઈ’ના ધંધાર્થીને ધણધણાવી શકે છે પણ જાણે ગામના ‘ધણી’ના મોઢામાં ‘ચાસણીયુક્ત મીઠાઈ’ ભરી દેવામાં આવી હોય કે પછી હાથ-પગ બાંધી દેવાયા હોય જેથી જવાબના નામે ફક્ત ‘જલેબી’નો રસથાળ પીરસાઈ રહ્યો છે.

કોઠારીયા વિસ્તાર શહેરમાં ભળ્યા બાદ ‘કંદોઇ’ ઝાઝા વધી ગયા છે પણ આ કંદોઈ એવા કે, ના દુકાન, ના માલ, બસ મલાઈ અને વેંચાણ. કોઠારીયા વિસ્તારમાં વહેંચાઈ રહેલા આડેધડ સરકારી ખરાબામાં અંગે અગાઉ જે અહેવાલ રજૂ કરાયો હતો. તેમાં શરાબ-શબાબના શોખીન યુવાન, બધું જાણતા હોવા છતાં વંડા વારવા પૈસા પુરા પાડતો રોકાણકાર અને ભોમિયા જેવો ગ્રાહક શોધી કાઢનાર દલાલની ભૂમિકા સામે આવી હતી. હવે આ ચિત્રમાં વધુ એક પાત્ર ઉપસી આવ્યો છે. જે ’ મીઠો’ અગાઉથી જ ‘મીઠાઈ’ વેચવામાં ‘માસ્ટર’ માનવામાં આવે છે. જેના વહીવટ પણ ઉંચા અને છેડા પણ ઊંચા હોવાનું મનાય રહ્યું છે.

કહેવાતા ઊંચા છેડાવાળો ‘મીઠા’ના કારનામા તો એવા છે કે, જેના માટે ‘વિજયે’ પણ શરમાવું પડે. ગમે ત્યાં ‘જીત’ માટે નામ વાપરી લેતા ‘મીઠા’ના કારણે ‘વિજયે’ બદનામ થવું પડી રહ્યું છે. ‘જીત’ મેળવવા માટે ગમે તે હદે જવા તૈયાર રહેનાર અને કુકર્મનો પર્યાયનો બનેલા ‘મીઠા’ને કદાચ ખબર જ નથી કે, કુકર્મથી ‘જીત’ મળે નહીં પણ આવા લોકોની ‘મીઠાઈ’થી ‘વિજયે’ બદનામ થવું પડી રહ્યું છે.

હવે આવા લોકો જે ‘મીઠાઈ’ બેફામ વહેંચી રહ્યા છે તે ‘મીઠાઈ’ની ચાસણીથી કેટલાકે મોઢા મીઠા કર્યા છે તે પણ હાલ તો તપાસનો વિષય બની ગયો છે. અગાઉ જે પ્રકરણમાં ફક્ત 3 કંદોઈની ભૂમિકા હતી હવે તેમાં એક ‘મીઠો’ પણ ઉમેરાઈ ગયો છે. પ્રકરણમાં મુખ્ય સૂત્રધારની ભૂમિકામાં રહેલો શરાબ-શબાબનો શોખીન યુવાન એક રાજકીય આકાનો નજીકનો પન્ટર છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે અને જો પન્ટર ‘મીઠાઈ’ વહેંચવા નીકળ્યો હોય તો પછી ‘આકા’નું મોઢું સૌથી પહેલા મીઠું કરાવે તેમાં શંકાને સ્થાન નથી. હાલ ભીનું સંકેલી લેવા અને ચોગઠા ગોઠવી દેવા ‘આકા’ સક્રિય થયા છે તેવો પણ ગણગણાટ સ્થાનિકોમાં થઈ રહ્યો છે.

‘મીઠાઈ’ વેચવાનું કારસ્તાન ‘અબતકે’ ખુલ્લું પાડતા અનેક સ્થાનિકો રાજીના રેડ થયાના પણ અહેવાલ છે. અગાઉ નાના માણસોને સહેજ માત્ર ગેરકાયદેસર બાંધકામ કરે તો પણ નોટિસો અપાવી, ડીમોલિશન કરાવી દેવાની ધમકી આપી હપ્તા ઉઘરાવતા શૂટરો વિરુદ્ધ અહેવાલ પ્રકાશિત થતા સ્થાનિકોમાં હરખની હેલી જોવા મળી છે.

સત્તામાં રહેલાઓના “ચરણ” પકડવા પડે તેને “દંડવત” કરવા કોને મજબૂર કર્યા ?

પ્રકરણમાં સો મણનો સવાલ એ છે કે, ‘મીઠાઈ’ના બેફામ વેંચાણ કરનારાને ખુલ્લા પાડતાં અહેવાલ પ્રકાશિત થયા બાદ પણ કેમ કોઈ ગતિવિધી નહીં? સતામાં રહેલાં સારા-સારા વગધારી લોકો પણ જેના ‘ચરણ’ પકડે છે તેવા દબંગ અધિકારીને દંડવત કરવા કોણે મજબૂર કરી દીધા તેવા સવાલ પણ ઉદ્દભવ્યા છે. જે કોઈનું સાંભળે નહીં અને ધાર્યું જ કરે તેવા દબંગને શાંતિથી ખુરશીએ બેસી જવા કોણે મજબૂર કરી દીધા તેવો સળગતો સવાલ છે. શું આ ‘મીઠો’ ઉપર સુધી ‘મીઠાઈ’ની ચાસણી પહોંચાડતો હશે કે શું? અહેવાલ પ્રકાશિત થયાના ફક્ત 12 કલાકે જ સતારૂપી ‘બુલડોઝર’ ‘મીઠાઈ’નીં દુકાને પહોંચી ગયું હતું તો પછી એવો તો શું ખેલ નખાયો કે જાન લીલા તોરણે પાછી ફરી ગઈ?

‘મીઠા’ની ‘મીઠાઈ’માંથી કોણે કોણે  મોઢા ‘મીઠા’ કર્યા?

હાલ જે રીતે સમગ્ર કૌભાંડ ખુલ્લું પડ્યું છે. ત્યારે હજુ સુધી કાગળ બહાર કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે સવાલ થયો છે કે, આ ‘મીઠા’ની ‘મીઠાઈ’થી કોણે કોણે મોઢા ‘મીઠા’ કરી લીધા છે? અગાઉ જેણે મોઢું મીઠું કરાવ્યું હવે તેને ‘તીખી’ લાગે એવી વાનગી કેમ પીરસવી? કદાચ તે વિચારે તણખલું હલ્યું નહિ હોય. અગાઉ ‘મીઠા’ના સાગરીત પર રાજકીય માથાના ચાર હાથ અને પોતાની માથે આકાના આશીર્વાદ હોવાથી ‘મીઠો’ બેફામ બની ગયો છે. તેમાં પણ અગાઉ જે તે સમયે ‘મીઠાઈ’ની ચાસણી બધી જગ્યાએ પહોંચી ગઈ હોય તેના કારણે કોઈના પેટનું પાણી હલતું નથી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.