સૌરાષ્ટ્રમાં ચાલતા 8 હજાર ઇંટ ઉત્પાદકો કેમ ચિંતામાં ગરકાવ ?

અરબી સમુદ્રમાં સર્જાનાર વાવાઝોડુ અને તેની અસરથી સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગામી થતા, સૌરાષ્ટ્રમાં ચાલતા 8 હજાર જેટલા ઇંટ ઉત્પાદકોમાં વરસાદને લઇને કાચી ઇંટો પલળી જવાની અને આર્થિક નુકશાન થવાની ચિતાઓ વ્યાપી ગઇ છે.

ઇંટ ભઠ્ઠામાં કાચી ઇંટો બનાવનાર અને ભઠ્ઠામાં ઇંટો પકાવવા માટેના મોટાભાગના શ્રમિકો પરપ્રાંતિય હોય છે. છેલ્લા એક માસથી કોરોના  મહામારીની આફતને લઇને પરપ્રાંતિય શ્રમિકો વતન જતા રહ્યા છે. જેને કારણે ઇંટ ભઠ્ઠાઓમાં કાચી ઇંટોનું ઉત્પાદન અને ઇંટો ભઠ્ઠીમાં પકાવવા સહીતના કામકાજ ઠપ્પ જેવા થઇ ગયા છે.ઇંટ ભઠ્ઠામાં શ્રમિકોની કમીના કારણે લાખોની સંખ્ઠામાં ઇંટ ઉત્પાદકોની કાચી ઇંટો ખુલ્લામાં પડેલી છે.

ત્યારે આગામી દિવસોમાં વાવાઝોડા અને વરસાદની આગામી થતા સૌરાષ્ટ્રભરના ઇંટ ઉત્પાદકો કાચી ઇંટો પલળી જવાની દહેશતને લઇને ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા દશેક દિવસથી સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ કમૌસમી વરસાદ થતા ઇંટ ઉત્પાદકોની કાચી ઇંટો પલળી જતા ઇંટ ઉત્પાદકોને મોટો આર્થિક ફટકો પડેલ છે. ઇંટ ભઠ્ઠામાં શ્રમિકોની તંગીના કારણેઇંટ ઉત્પાદકો પોતાની કાચી ઇંટો પકાવી શકવા પણ અસમર્થ હોય કોરોનાની મહામારી તેમજ વાવાઝોડા અને વરસાદની આગાહીને લઇને સીઝનલ ઇંટ ઉત્પાદન કરતા ઇંટ ઉત્પાદકો કફોડી પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે.