અરબસાગરમાં શા માટે વધી રહ્યા છે ચક્રવાત ? ચોમાસાને વાદળની જેમ વાવઝોડાં સાથે પણ નાતો ?

વાયરસના જોખમ વચ્ચે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દીધી છે. હજુ અરબી સમુદ્રમાં લક્ષદીપ પાસે સર્જાયેલ “તાઉતે”થી થયેલ નુકસાનની ભરપાઈથઈ નથી ત્યાં બીજું એક વાવાઝોડાનું જોખમ ઉભું થયું છે. પરંતુ આ વાવઝોડું જ ચોમાસુંને આમંત્રણ આપે છે. પ્રી-મોન્સૂનની શરૂઆત જ વાવાઝોડાથી થાય છે. અરબસાગર કા બંગાળની ખાડીમાં દર વર્ષે ઓછામાં ઓછા ત્રણ થી ચાર વાવાઝોડાં ઉભા થાય જ છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આ ચોમાસાની શરૂઆત પહેલાંના વાવઝોડા જ આખા વર્ષના વરસાદના વરતારા વર્ણવે છે. જો કે દરિયામાં ઉભા થતા આ વમળો નુકસાનકર્તા તો છે જ !!!

આબોહવા નિષ્ણાંતોના મત મુજબ પ્રી-મોન્સૂન વખતેના આ ચક્રવાત ચોમાસા સિસ્ટમ સાથે કડીરૂપ છે. જ્યાં ચક્રવાત રચાય છે અને તે કયા કેવી અસર કરે છે તેના આધારે પણ ચોમાસાને અસર કરે છે. ભારતીય દ્વીપકલ્પમાં પ્રી-મોન્સૂન અને તોફાનોનો ગાળો મે માસને માનવામાં છે. છેલ્લા 20 વર્ષના ગાળામાં, ફક્ત ત્રણ જ વર્ષ એવા નોંધાયા છે જ્યાં પ્રી મોન્સૂનની સિઝનમાં કોઈ તોફાન, વાવાઝોડું ન આવ્યું હોય અને તે છે વર્ષ 2005, 2011 અને 2012.

અગાઉ સૌથી વધુ ચક્રવાત અને તોફાનો બંગાળની ખાડીમાં ઉભા થતા હતા પરંતુ હવે અરબ સાગર પણ આ બંગાળની ખાડીની જેમ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર-પુણેની સંસ્થા હવામાન પરિવર્તન સંશોધન કેન્દ્ર (સીસીસીઆર)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું કે, હવે અરબી સમુદ્ર પણ બંગાળની ખાડીની જેમ તીવ્ર ગરમ થઈ રહ્યો છે. આ ચક્રવાત ચોમાસાની સિસ્ટમ સાથે સબંધ ધરાવે છે. દરિયામાં ઉભા થતા વમળો ક્યાં રચાય છે અને કયા ટ્રેકને અનુસરે છે તેના આધારે ચોમાસાના આગમનનો અંદાજો આવી જાય છે.

વર્ષ 2020માં, ચક્રવાત અમ્ફાન ચોમાસાની શરૂઆત પહેલાં રચાયું અને ઉત્તર બંગાળની ખાડી તરફ આગળ વધ્યું હતું. આનાથી ચોમાસાના પ્રારંભમાં વિલંબ થયો હતો એટલે કે વરસાદનું આગમન મોડું થયું હતું. દ્વીપકલ્પિય ભારતમાં ચક્રવાતે ભેજનું વધુ પ્રમાણ અને વરસાદને પાછળ ધકેલી દીધો હતો. ચક્રવાત અમ્ફાન ત્યારબાદ ચક્રવાત નિસારગા હતું, જે પણ અરબી સમુદ્રમાં સર્જાયા બાદ મહારાષ્ટ્ર કાંઠા તરફ આગળ વધ્યું હતું. પરંતુ આનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી અંદરની તરફ ખેંચાઈ અને દ્વીપકલ્પ ભારતીય પ્રદેશના ઉત્તર મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતનો પ્રારંભ થયો. 2020માં 4 વાવાઝોડાએ લેન્ડ ફોલ કર્યું હતું. જેમાં અમ્ફાન, નિસારગા, નિવાર અને બુરેવીનો સમાવેશ છે.

કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (કુસાટ)ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં જણાવાયું છે કે બંગાળની ખાડી કરતા અરબ સાગરમાં વાવાઝોડા વધી રહ્યા છે. આ અભ્યાસમાં વર્ષ 1955 થી 2014 દરમિયાન 60 વર્ષ આવરી લેવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે બંગાળની ખાડીમાં દર 20 વર્ષે ચક્રવાતની સંખ્યા ઓછી થઈ રહી છે. પ્રારંભિક (1955-74), મધ્ય (1975-94) અને તાજેતરના (1995-2014) વર્ષ એમ આખા અભ્યાસના સમયગાળાને ત્રણ સેટમાં વહેંચી દેવાયા છે. અરબી સમુદ્રમાં પ્રારંભિક યુગ એટલે કે 1955 થી 1974ના વર્ષમાં ઘટાડો થયો છે. તે પછી મધ્યયુગમાં લઘુતમ સ્તરે પહોંચતા પહેલા હાલના સેટમાં વધારો થયો છે.

છેલ્લાં પાંચ વર્ષોમાં, ચક્રવાતનાં દાખલા બન્યાં છે જે ચોમાસાની પ્રગતિને અસર કરે છે. 2015માં ચક્રવાત અશોભા 8-10 જૂનની વચ્ચે પહોંચ્યું હતું, અને તે વર્ષે ચોમાસાનો વહેલો પ્રારંભ થઈ ગયો હતો. કોચિન યુનિવર્સિટીના એડવાન્સ્ડ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રડાર રિસર્ચ (એસીએઆર)ના સહયોગી પ્રોફેસર એસ. અભિલાશે જણાવ્યું કે, 2018 માં મે મહિનામાં સાગર અને મેકુનુ નામના બે ચક્રવાત આવ્યા હતા. ચોમાસું આવી ગયું હોવા છતાં, વરસાદની ગતિ એક અઠવાડિયા માટે નબળી પડી ગઈ હતી. પછીના વર્ષે 2019 માં, ચક્રવાત વાયુ 10થી 13 જૂન વચ્ચે ત્રાટક્યું જેણે ભેજને દૂર કરતા ચોમાસાની પ્રગતિ પર નકારાત્મક અસર પહોંચી. આ બધી અરબી સમુદ્ર પ્રણાલીઓ છે. જોકે, મે મહિનામાં રચાયેલી મોટાભાગની બંગાળની ખાડી સિસ્ટમ્સે ચોમાસાને સામાન્ય શરૂઆત અને વધુ પ્રગતિ માટે મદદ કરી છે.

વાવાઝોડાંનું હોટ સ્પોટ અરબ સાગર શા માટે બની રહ્યું છે ??

છેલ્લાં થોડાં વર્ષોથી વાવઝોડાનું હોટ સ્પોટ અરબ સાગર બની રહ્યુ છે. બંગાળની ખાડી કરતા પણ વધુ ચક્રવાત અહીં ઉદ્ભવી રહ્યા છે. બંગાળની ખાડીની જેમજ અરબી સમુદ્ર પણ દિન-પ્રતિદિન ઉષ્ણ થઈ જઈ રહ્યો છે. અધ્યયનો દર્શાવે છે કે અરબી સમુદ્ર ઉપર હવે વધુ ચક્રવાત તોફાન સર્જાઇ રહ્યા છે. ચક્રવાત તાઉતે સતત ચોથી વખત પ્રી-મોન્સૂન સીઝનમાં અરબી સમુદ્રમાં ઉભું થયું છે. એટલે કે આ તાઉતે વાવાઝોડું એ એવું ચોથું વાવાઝોડું છે જે ચોમાસાની શરૂઆત પહેલા દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ત્રાટક્યું હોય. વર્ષ 2019 માં, દર વર્ષે 1 ની સરખામણીમાં આ ક્ષેત્રમાં રેકોર્ડ બ્રેક પાંચ ચક્રવાતની રચના થઈ. 2020માં ચક્રવાત નિસારગા અને 2019માં ચક્રવાત વાયુ ભારતના પશ્ચિમ કાંઠે સર્જાયું. બંગાળની ખાડી કરતા વધુ ઉષ્ણતામાન ઉભું થતા ઉચ્ચ દબાણને કારણે આમ બની રહ્યું છે.