કારણ વગરના ફોનથી શા માટે ડરો છો?

જો ડર ગયા વો મર ગયા…

સાવધાન..! તમારા વિરૂધ્ધ વોરંટ નિકળ્યું છે: જો જો… ડબ્બે પુરાઈ ન જતાં

 

ફક્ત અડધી જ કલાકમાં તમે જેલના સળિયા પાછળ ધકેલાઈ જશો !!!

સક્રિય ટોળકી દ્વારા ખૌફની કારોબાર કરાઈ રહ્યો છે. ટોળકી ફોન કરીને ધમકી આપે છે કે, આટલા રૂપિયાની ચૂકવણી કરો નહીંતર થોડી જ વારમાં તમારો કેસ બોર્ડ પર આવી જશે અને કોર્ટ વોરંટ જારી કરી દેશે. વોરંટ જારી કર્યાના થોડી જ વારમાં તમારા શહેરના સ્થાનિક પોલીસને વોરંટ ફેક્સ કરવામાં આવશે અને પોલીસ ફક્ત અડધી  કલાકમાં જ તમારી ધરપકડ કરી લેશે. દિવસો સુધી તમારે જેલમાં રહેવુ પડશે અને જેલમાંથી છૂટવા માટે તમારે દસ ગણો વધુ દંડ ભરવો પડશે.

સો મણનો સવાલ: સચોટ વિગત સાથેનો ડેટાબેઝ ક્યાંથી મેળવી લેવાય છે?

જે રીતે આ પ્રકારની ટોળકીઓ સચોટ વિગતો આપે છે તે સાંભળીને એક ઘડી માટે તો જે તે વ્યક્તિને પણ ભરોસો બેસી જાય કે કદાચ મેં લોન પુરી નહીં કરી હોય એટલે કેસ થયો છે. ત્યારે મોટો સવાલ એ ઉદ્ભવે છે કે, આટલી સચોટ વિગતો સાથેનો ડેટાબેઝ આવી ટોળકીઓ પાસે ક્યાંથી આવે છે ? લોનની વિગતોથી માંડી ઘરના સરનામાં સુધીની તમામ વિગતો આ ટોળકીઓ મેળવી લેતી હોય છે તો અમુક કંપનીના કર્મચારીઓની સાંઠગાંઠ છે કે પછી ટેકનોલોજીનો દુરુપયોગ ?