ચીનમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ ભારત માટે એક મોટી તક કેમ..?

ક્રીપ્ટો કરન્સીના વધતા જતા ક્રેઝ વચ્ચે વધુ એક વખત ડિજિટલ કરન્સી બિટકોઇન અને ઈથેરિયમ પર પ્રતિબંધ લાદ્યો છે. ગત 24 સપ્ટેમ્બરના રોજ બીટકોઈન અને ઈથેરિયમના ભાવ ગગડતા ચીનની સેન્ટ્રલ બેન્ક દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે બિટકોઈન અને ઈથેરિયમ પર પ્રતિબંધ લાદવામાં આવે છે. એક તરફ વિશ્વ આખું ડિજિટલાઈઝેશન તરફ વળી રહ્યું છે રોકાણકારો આકર્ષાઈ રહ્યા છે એવામાં ચીન દ્વારા સતત ચોથી વખત ડિજિટલ કરન્સી પર પ્રતિબંધ મુકાયો છે.

સાયબર સુરક્ષાના અભાવે હેકિંગના ખતરા અને અનિશ્ચિતતાઓથી ભરેલા ડિજિટલ વ્યવહારોને સ્વાયત્તતા આપવી જોખમ ભર્યું પગલું છે પણ આજના ડિજિટલ યુગમાં તેને સંપૂર્ણપણે બંધ કરવી એ સમસ્યાનો નિવેડો નથી. દક્ષિણ એશિયામાં ઝડપથી ઊભરતાં અર્થતંત્ર તરીકે ચીન અને ભારત આગલી હરોળમાં છે ત્યારે ડિજિટલ ક્ષેત્રે ચીનના આ નિર્ણયથી ચીનને નુકસાન તો છે જ પણ સાથે ભારતને પરોક્ષપણે ફાયદો જરૂરથી મળશે.

બાર્ટરથી શરૂ થયેલી વિનિમય પ્રથા બીટકોઈન સુધી પહોંચી: મોંઘવારીને નાથવા ડિજિટલ કરન્સી મદદરૂપ..?

ચીન પોતાના નાગરિકોને ટેકનોલોજી ક્ષેત્રે સ્વતંત્રતા પર પહેલેથી જ કાપ મૂકી રહ્યું છે. ડિજિટલ કરન્સી પર સીધો જ પ્રતિબંધ મૂક્યો છે જ્યારે ભારત પ્રતિબંધ ન મૂકી તેને માટે યોગ્ય માળખું ઘડી કાઢવા અને તેના મોનીટરીંગ પર સતત ધ્યાન આપી રહ્યું છે. ભારતનું આ પગલું ભારતીય અર્થતંત્રને મોટો ફાયદો અપાવશે. આ ઉપરાંત ચીનના જે રોકાણકારો છે, ક્રીપ્ટો ધારકો છે તેઓ અન્ય દેશો તરફ ડિજિટલ રોકાણ માટે આકર્ષાશે. જેમાં ભારતનો પણ ટોચના સ્થાનોમાં સમાવેશ છે.