Abtak Media Google News

રાજકોટ જેલમાં ખૂનના ગુનામાં સજા ભોગવતા કેદીએ બે દિવસ પહેલાં શરૂ કરેલી ભુખ હડતાલ દરમિયાન તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. પેરોલ પર છુટી ફરાર થયેલા કેદીએ પોતાના થયેલા અપહરણ અંગે પોલીસે રજૂઆત ન સાંભળતા ઉપવાસ આંદોલન શરૂ કર્યાનું બહાર આવ્યું છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં 11 વર્ષ પહેલાં થયેલા ખૂનના ગુનામાં સજા ભોગવતા પાકા કામના કેદી સુરેશ ધનજી મકવાણા નામના 38 વર્ષના કોળી યુવાને જેલમાં ઉપવાસ આંદોલન શરૂ કરતા તેની તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ભાવનગરમાં 2010માં કરેલા ખૂનના ગુનામાં ભાવનગર સેશન્સ કોર્ટે 2012માં સુરેશ મકવાણાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી ત્યાથી તે રાજકોટ જેલ હવાલે કરાયો છે. તાજેતરમાં જ કોરોના કાળ દરમિયાન જેલમાં સજા ભોગવતા કેદીઓને પેરોલ પર છોડવાના નિર્ણયના પગલે એકાદ વર્ષ પહેલાં સુરેશ મકવાણા પેરોલ પર છુટી જેલમાં હાજર થયો ન હતો.

દરમિયાન સુરેશ મકવાણાને આજી ડેમ પોલીસે પેરોલ જમ્પના ગુનામાં ઝડપી ફરી જેલ હવાલે કર્યો ત્યારે સુરેશ મકવાણાએ પોતાનું અપહરણ થયું હોવાથી જેલમાં હાજર થયો ન હોવા અંગેની રાવ કરી હતી પરંતુ પોલીસે તેની રજૂઆત સાંભળી ન હોવાના આક્ષેપ સાથે સુરેશ મકવાણાએ બે દિવસ પહેલાં જેલમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.