“તે મારી પત્નીની કેમ છેડતી કરી?” કહીને પાડોશી અને તેના સાગરીતો તલવાર વડે તૂટી પડ્યા

રાજકોટ: વાહન છાયે પાર્ક કરવા બાબતે યુવાન પર ચાર શખ્સોનો ખૂની હુમલો

રાજકોટમાં ગરમીનો પારો વધતા લોકોના મગજના પારા પણ જાણે તપી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. તેઓ જ એક કિસ્સો શહેરના કોઠારિયા રોડ પર નોંધાયો છે. જેમાં છાયામાં વાહન પાર્ક કરવા બાબતે પાડોશી અને તેના સાગરીતોએ યુવાન પર ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પોલીસે પાડોશી સહિત ચાર શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર રામ પાર્ક ની બાજુમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા અને પિતા સાથે બહુમાળીમાં ઇ-સ્ટેમ્પિંગનું કામકાજ કરતા સંકેતભાઈ રાજેશભાઈ રાવલ (ઉ. વ.૨૨) તેના પાડોશમાં રહેતા જય પરેશ કુબાવત સહિત ચાર શખ્સોએ તલવાર વડે ખૂની હુમલો કરતા યુવાનને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલના બિછાને રહેલા સંકેતભાઈ રાવલ જણાવ્યું હતું કે ગઈકાલે પોતે પોતાનું બાઇક ઘર પાસે આવેલા ઝાડ નીચે છાયામાં પાર્ક કર્યું હતું. જે ભાઈ હટાવીને આરોપી જય કુબાવતએ પોતાની ગાડી પાર્ક કરી હતી. પરંતુ આરોપી જય પોતાની ગાડી પાર્ક કરી સંકેતના બાઇકને રોડ વચ્ચે વાહન અડચણરૂપ થાય તે રીતે મૂકીને જતો રહ્યો હતો.
આ અંગે સંકેત રાવલ ને જાણ થતા જે બાબતે જય કુબાવત ના ઘરે સમજાવા ગયો હતો પરંતુ ત્યાં આરોપીના પત્નીએ બોલાચાલી કરતા સંકેત ત્યાંથી પરત ઘરે જતો રહ્યો હતો ત્યારબાદ જય કુબાવતને આ બાબતે જાણ ખાતા સંકેતને ફોન કરી ડિલક્સ પાન પાસે બોલાવ્યો હતો. ક્યાં જય કુબાવતએ “તે મારી પત્નીની છેડતી કેમ કરી?” તેવું કહીને તેની સાથે રહેલા અન્ય ત્રણ શખ્સો યુવાન પર તલવાર વડે ખૂની હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સંકેત રાવલને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે પોલીસને જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને જય કુબાવત સહિત ચાર શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પીઆઈ એક. એલ.ચાવડા સહિતના સ્ટાફે આગળની તપાસ હાથ ધરી છે.