શા માટે વેપારીઓ લાભ પાંચમના દિવસે જ દુકાન ખોલે છે?

દિવાળી પછીનો એક દિવસ ખુબજ અગત્યનો છે, જ્યારે બહુજ મહત્વની પુજા કરવામાં આવે છે .આ દિવાળીના તહેવારનો અંતિમ દિવસ હોય છે.આ દિવસ એટલે કે લાભ પાંચમ અને લાભપાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો, તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.

આ દિવસે વેપારીઓ,ધંધાર્થીઓ કંકુનો ચાંદલો અને સાથિયો બનાવી નવા અકાઉન્ટની શરૂઆત કરે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.

લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ અને ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.

લાભ પાંચમ કોઈપણ નવું કાર્ય કરવા માટે પણ શુભ ગણાય છે.ગુજરાતમાં આ દિવસ ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે.