Abtak Media Google News

છેલ્લા ૪ વર્ષમાં ૨૩૦૦૦ ધનવાનોએ ભારતની નાગરિકતા ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ બેંકોનું ફુલેકુ ફેરવી અઢળક પૈસા કમાયા પછી ટેકસથી બચવા ધનકુબેરોનું ‘વિદેશ ગમન’

મોદી રાજમાં ૨૩૦૦૦ ધનવાન લોકોએ ભારતની નાગરિકતા ત્યજી દીધી છે એટલે કે વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૨૩૦૦૦ ભારતીય ધનકુબેરો ભારત છોડી વિદેશ ભાગી ગયા છે. આ અંચબિત કરે તેવો ઘટસ્ફોટ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની મોર્ગન સ્ટેન્લીના અહેવાલમાં થયો છે. આ પરથી પ્રશ્ર્નો ઉઠે છે કે, શા માટે કરોડપતિ લોકો ભારતને છોડી વિદેશ ચાલ્યા જાય છે ? બેંકોનું ફુલેકુ ફેરવી અને અઢળક પૈસા કમાયા પછી પોતાના દેશમાં જ અસલામતી અનુભવાતા ૨૩૦૦૦ લોકોએ ભારતનું નાગરિકત્વ જ છોડી દીધું છે. આ માટેનું એક અહમ કારણ ટેકસમાંથી બચવાનું છે.

ભારતીય બેંકો પાસેથી મોટી સંખ્યામાં લોન પેટે ઉછીના નાણા લે છે અને નાણા કમાયા બાદ ઉછીના રૂપિયા બેંકને પાછા ન કરવાની લાલસા તેમજ ટેકસ ન ચુકવવાની દગાખોરોથી આવા ધનવાનો વિદેશ ચાલ્યા જાય છે. આવા લોકોને દેશદ્રોહી જ ગણી શકાય. મોર્ગન સ્ટેન્લીના અહેવાલ પરથી એ પણ જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં જ ૭૦૦૦ ભારતીયોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો હતો. આ પડકારરૂપ વલણની અર્થતંત્ર પર માઠી અસરો ઉપજે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ધનવાનોનું ભારત છોડવાના કારણે દેશની ટેકસની આવકમાં પણ ઘટાડો થવાનો મોટો ખતરો રહેલો છે.

આ તમામ અસરોને જાણવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ-સીબીડીટીએ પાંચ સભ્યોની એક સમિતિની રચના કરી છે. સીબીડીટીએ આ અંગે કહ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં ભારતીય ધનિક ઉધોગપતિઓનું અન્ય દેશોમાં સ્થળાંતર થવાનું પ્રમાણ વધ્યું છે. ધનિક ઉધોગપતિઓનું એનઆરઆઈ બનવાથી દેશની ટેકસની આવક સામે પણ ખતરો ઉભો થયો છે.

ભારતીય ઉધોગપતિઓ ભારતમાં મોટા પ્રમાણમાં બિઝનેસ ધરાવતા હોવા છતાં તેમની ગણના એનઆરઆઈ તરીકે કરાઈ છે. જેથી ભારતીય અર્થતંત્ર પર માઠી અસર ઉપજશે. છેલ્લે હીરાનંદની ગ્રુપના કો-ફાઉન્ડર સુરેન્દ્ર હીરાનંદનીએ ભારતના પાસપોર્ટનો ત્યાગ કરી સાયપ્રસની નાગરિકતા સ્વિકારી છે. આ સંદર્ભમાં હિરાનંદનીએ જણાવ્યું કે, ભારત છોડવાનું મુખ્ય કારણ ભારતીય પાસપોર્ટ પર વર્ક વિઝા મેળવવા મુશ્કેલ છે અને ટેકસ રેટ અંગે મને કોઈ તકલીફ નથી. મારો પુત્ર ભારતીય નાગરીક તરીકે ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, ફોર્બ્સની યાદી મુજબ ૧.૨૯ અબજ ડોલરની સંપતિ સાથે હિરાનંદની ભારતના ટોચના ૧૦૦ ધનવાનોમાં સામેલ છે. આમ, ટેકસથી બચવા અથવા વિઝામાં મુશ્કેલી જેવા પ્રશ્ર્નોથી ભારતીય ધનકુબેરો ભારતથી દુર ભાગી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.