Abtak Media Google News

ભાજપની અહંકારી અને ભ્રષ્ટાચારી સરકાર સામે લોકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને મારા તથા લાખોની સંખ્યામાં સંનિષ્ઠ આગેવાનો અને કાર્યકરો આપમાં જોડાતા એસી ચેમ્બરમાં બેઠેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ધ્રુજી ગયા છે. અને એક વાત પાકી છે કે, જે ધડક હતી તે આજે પણ છે, અને આવતીકાલે પણ રહેવાની જ છે. કારણ કે, ટાઈગર અભી જિંદા હૈ આ વાક્યો રવિવારે આપના નેતા અને પત્રકાર ઈશુદાન ગઢવી જુનાગઢ ખાતે આપના એક સંમેલનમાં બોલ્યા હતા.

મુદ્દા સાથે મત માંગશું, લોકોના મત બીજાની જેમ વ્યર્થ નહીં જવા દઇએ : આપના નેતા ઇસુદાનની જુનાગઢમાં તડાફડી

ઈશુદાન ગઢવી એ રવિવારે જૂનાગઢ ખાતે આપના એક સંમેલનમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારી, અહંકારી ભાજપનો અનુભવ લોકોએ કોરોના કાળ સહિત વારંવાર કર્યો છે. હવે લોકોને ભાજપ ઉપર વિશ્વાસ નથી. જ્યારે કોંગ્રેસના લોકો મંત્રીપદ લેવા પેદા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, બીજી બાજુ ભારત અને કોંગ્રેસની મીલીભગત ચાલી રહી છે. લોકો આવા નેતા અને પક્ષને સ્વીકારી રહ્યા નથી. ત્યારે હું આપમાં જોડાયો છું, અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો એક ઈમાનદાર લડાઈમાં જોડાઈ રહ્યા છે. મારા જોડાવાના કારણે એ.સી. માં બેસેલા નેતાઓની ચિંતા વધી ગઈ છે અને બંને પાર્ટીઓ આ નિર્ણયથી ધ્રૂજી ઊઠયા છે. ત્યારે આ લોકો દ્વારા અનેક ખેલ શરૂ થયા છે. પરંતુ ટાઈગર અભી જિંદા હૈ. આ લોકોને જેટલી તાકાત લગાવી હોય એટલી લગાવી દે.

આપ અને ગુજરાતના લોકો આ લોકોને ઘરમાંથી પણ ભગાડી દેશે એટલો વિરોધ હાલ જોવા મળી રહ્યો છે. અને એ લોકો એ પણ જાણે છે કે ઈમાનદારી અને આપ કોઈના બાપથી નહિ વેચાય ત્યારે મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાતા ભાજપ અને કોંગ્રેસમાં ધ્રુજારી વછૂટી ગઈ છે. લોકો કોંગ્રેસ અને ભાજપની મીલીભગત જાણી ગયા છે, બુચશિયાઓ લોકો ઉપર કબજો જમાવી બેઠા છે, જેની સાથે પાંચ લોકો પણ ન હોય, જેમના પર કોઈ વિશ્વાસ ન હોય, તેવા ગજબના કલાકારો હવે નેતા કે મંત્રી બની બેઠા છે. જેને લોકોમાં નહીં, પરંતુ પોતાના ઘર, બંગલા અને ફાર્મ હાઉસ વધારવાની ચિંતા છે, અને આવા લોકોને સીધા કરવા મેદાનમાં ઉતરવું પડ્યું છે.

ઈશુદાન ગઢવી એ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે મુદ્દા સાથે લોકો વચ્ચે જશું, મુદ્દા સાથે મત માંગશું અને લોકોનો મત વ્યર્થ નહીં જવા દઈએ તેનું ગેરેન્ટી કાર્ડ પણ આપશું.

પત્રકારોના જવાબમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પત્રકારની પણ એક લક્ષ્મણ રેખા હોય છે, એક સીમા હોય છે, પાર્ટીના ષડયંત્ર વિરુદ્ધ વધુ બોલી શકાતું નથી અને બીજી બાજુ લોકોની અપેક્ષા પત્રકારો તરફ હોય છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસની મીલીભગત ચાલતી હોય તેવું લાગ્યું અને જો આમ જ ચાલશે તો સો વર્ષનું બીજો શાસન પણ ચાલશે. જેના કારણે ભાવિ પેઢી ભણવા માટે, આરોગ્ય માટે, રોજગારી માટે તડપતા રહેશે. ત્યારે હું રાજકારણમાં આવ્યો છું. પણ મારી જે ધડક હતી તે આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે કારણ કે ટાઈગર અભી જિંદા હૈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.