Abtak Media Google News

શૈક્ષણિક વર્ષ 2018-19ના બીજા સત્રથી પ્રાથમિક વિભાગમાં ગુજરાતી ભાષા શીખવવાનું ફરજિયાત બનાવ્યું હતું છતાં તેની અમલવારીમાં સરકાર નિષ્ફળ

પ્રાથમિક ધોરણમાં ગુજરાતીને ફરજિયાત વિષય તરીકે સામેલ કરવાની પોલિસી શા માટે લાગુ નથી કરી તે અંગેની સ્પષ્ટતા મંગળવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી માગી હતી. જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠે માતૃભાષા અભિયાન માટે વકીલ અમર ભટ્ટ અને અર્ચિત જાની દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલના જવાબમાં નોટિસ જાહેર કરી હતી.

અરજદારોએ 13 એપ્રિલ, 2018ના રોજ પસાર થયેલા સરકારી ઠરાવને ટાંકયો હતો, જેમાં રાજ્યની તમામ શાળાઓ માટે ઓછામાં શૈક્ષણિક વર્ષ 2018-19ના બીજા સત્રથી પ્રાથમિક વિભાગમાં ગુજરાતી ભાષા શીખવવાનું ફરજિયાત બનાવ્યું હતું. અરજદારોએ ફરિયાદ કરી હતી કે, સરકારે પોલિસી અપનાવી હોવા છતાં તેનો અમલ હજી સુધી થયો નથી.

અંગ્રેજી મીડિયમનું શિક્ષણ આપતી સ્કૂલોની સંખ્યા વધી

અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી શાળાઓની સંખ્યા વધતા અને ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા ઘટવાના કારણે ગુજરાતી વિષય પર પ્રતિકૂળ અસર પડી છે. વકીલોએ રજૂઆત કરી હતી કે, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ માત્ર સ્થાનિક ભાષાના ફરિજયાત શિક્ષણ માટે પોલિસી જ નથી બનાવી પરંતુ કાયદો પણ પસાર કર્યો છે, જે બંધારણની કલમ 29 હેઠળ આવે છે.

નીતિનો અમલ કરાવવાની જવાબદારી સરકારની સ્કૂલોમાં ગુજરાતી ભાષા શીખવવા પર ભાર

રાજ્ય સરકારે આગ્રહ કર્યો હતો કે સીબીએસઇ, આઇસીએસઇ અને આઈબીને પણ હાઈકોર્ટ દ્વારા પ્રશ્ન કરવામાં આવે કે તેઓએ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી શીખવવા અંગેના સરકારી આદેશનો અમલ કેમ કર્યો નથી. જો કે, જજે કહ્યું હતું કે, સરકાર એ નીતિ બનાવનાર અને તેના અમલકર્તા છે અને તેથી બોર્ડને પક્ષના પ્રતિવાદી તરીકે દાખલ કરવાની જરૂર નથી. કોર્ટે સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું કે, તેમને કેમ લાગે છે કે ગુજરાતી ભાષા શીખવવી તે બોર્ડ પર દયા સમાન છે. આ મામલે આગામી સુનાવણી 18 ઓક્ટોબરે થશે.

સીબીએસઇ, આઇસીએસઇ અને આઈબીએ નથી લાગુ કરી પોલિસી

તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઆઈ), ઈન્ડિયન સર્ટિફિકેટ ફોર સેક્ધડરી એજ્યુકેશન (આઇસીએસઇ) અને ઈન્ટરનેશનલ બેકલોરેટ (આઈબી) સાથે સંકળાયેલી શાળાઓમાં નીતિને અમલમાં મૂકવાના પ્રયાસો કરાયા નથી. સુનાવણી દરમિયાન, વકીલોએ કોઠારી કમિશનની ભલામણો, 2020ની નવી શિક્ષણ નીતિ અને ત્રિભાષી ફોમ્ર્યુલાના આગ્રહ પર પ્રકાશ પાડ્યો હતો, આ સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં અમલીકરણ એક સમસ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.