- ગૃહમંત્રી અને પો. કમિશ્નરને ’ઉઠા ભણાવનાર’ અધિકારીઓને ’ઘર ભેગા’ કરી દેવાશે?
- કતલખાને ધકેલવામાં આવતી ગૌ માતા ક્યાંથી લાવ્યા હતા તે પણ ઓકાવી નહિ શકનાર પોલીસ શંકાના દાયરામાં
રાજકોટ શહેરમાં અગાઉ ત્રણ વેપારી મહાજનોની દુકાનના તાળા તોડી કબ્જો મેળવી લેનાર ફારૂક મુસાણી અને તેની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ પણ તેઓ બેફામ હોય તેવા અહેવાલ સામે આવ્યા હતા. 31 ડિસેમ્બરની રાત્રે ગેરકાયદે કબ્જો, મિલ્કતને નુકસાની, ધમકી સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પણ ફારૂક મુસાણીને ખાખીનો ખૌફ ન હોય તેમ તેણે મોચી બજારમાં ગેરકાયદે કતલખાનું શરૂ કરી તેમાં ગૌ માતાનું કતલ્લેઆમ શરૂ રાખ્યું હતું. આ મામલે જીવદયાપ્રેમીઓએ પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો, માસનો સેમ્પલ એફએસએલમાં મોકલાયો, એફએસએલએ ગૌ માસ હોવાની પુષ્ટિ કરી અને ત્યારબાદ પણ પોલીસે ફારૂક વિરુદ્ધ ગુનો નોંધવામાં ઢીલી નીતિ અપનાવી હતી. બાદમાં મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થતાં અંતે ફારૂક આણી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને ફારૂક સહિતનાને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા પણ કતલખાનામાં ધકેલાતી ગૌવંશ ક્યાથી લાવવામાં આવતા હતા તે પણ નહિ ઓકાવી શકનાર બાહોશ પોલીસની કામગીરી અત્યંત શંકાના દાયરામાં છે. ત્યારે હવે આ મામલે પીઆઈ બારોટ અને પીએસઆઈ પરમારની અત્યંત શંકાસ્પદ ભૂમિકા સામે આવતા શિક્ષાત્મક પગલાં તરીકે સસ્પેનશન કે બદલી જેવા પગલાં લેવાય તેવી પ્રબળ શક્યતા છે.
સમગ્ર ઘટના પર એકવાર નજર કરવામાં આવે તો ગત 31 ડિસેમ્બર 2024ની બપોરે અંદાજિત પાંચ વાગ્યાંના અરસામાં દાણાપીઠ ખાતે આવેલી નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક ઈબ્રાહીમ મુસાણીએ 20થી વધુનું ટોળું લઇ નવાબ મસ્જિદમાં આવેલી અને 70 વર્ષથી વધુ સમયથી પાઘડી પેટે રહેલી ત્રણ દુકાનના તાળા ભાડુઆતોને જાણ કર્યા વિના જ તોડી નાખી, દુકાનમાં રહેલો સામાન બહાર ફેંકી કબ્જો મેળવી લીધો હતો. જે મામલે મહાજન વેપારી વીરેન્દ્ર કોટેચાએ ફારૂક મુસાણીને આવું નહિ કરવા જણાવતા વકફ બોર્ડએ અમને કબ્જો લઇ લેવા આદેશ આપ્યો છે કહી વકફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો હતો. ઉપરાંત વેપારીઓને ડરાવી-ધમકાવી કબ્જો આપી દેવા ધમકીઓ આપવામાં આવી હતી. ડઘાઈ ગયેલા ભાડુઆતી વેપારીઓ ભયમાં મુકાઈ ગયાં હતા તેવા જ સમયે સમગ્ર ઘટનાની જાણ ’અબતક’ને થતાં ચોથી જાગીરે તેની ફરજ બજાવી હતી અને આ પ્રકારે કબ્જો મેળવી શકાતો જ નથી તેવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો તેમજ આ મામલે ગુનો નોંધવામાં આવે તેવી ધારદાર રજુઆત પોલીસ સમક્ષ કરવામાં આવી હતી.
એકતરફ ગંભીર ગુનો આચરનાર ફારૂક મુસાણી આણી ટોળકી બેખૌફ થઈને ફરી રહી હતી અને બીજી બાજુ ફરિયાદ નોંધાવવામાં પહોંચેલા ફરિયાદીને અરજી પરત ખેંચી લેવા દબાણ કરવામાં આવ્યું હતું. ’અબતક’એ આ મામલે ગુનો નોંધાવો જ જોઈએ તેવી રજુઆત કરતા એ ડિવિઝન પોલીસના પીઆઈ આર જી બારોટએ આ મામલામાં કોઈ ગુનો બનતો જ નથી, ફક્ત અટકાયતી પગલાં લઇ શકાય તેવી શેખી હાકી હતી. જે બાદ ’અબતક’ દ્વારા આ મામલે પોલીસ કમિશ્નર, ડીસીપી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખથી માંડી ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતને ટેલિફોનિક રજુઆત કરી હતી કે, ફારૂક મુસાણી અને ટોળાંએ ગેરકાયદે તાળા તોડી ભાડુઆતની દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો, માલ સામાન બહાર ફેંકી દઈ મિલ્કતને નુકસાની અને ટોળાં સ્વરૂપે ધસી જઈ વેપારીઓને ધમકાવવા સહિતનો ગંભીર ગુનો આચર્યો હોય તેવું જણાવતા અંતે ઉચ્ચ સ્તરેથી ગુનો નોંધવા આદેશ થતાં પોલીસે અંતે ગુનો નોંધ્યો હતો અને ફારૂક સહીતની ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનાને એક માસનો સમય વીતતા જીવદયા પ્રેમીઓને જાણ થઇ હતી કે, ફારૂક મુસાણી આઈપી મિશન સ્કૂલ પાછળ આવેલ ઇમારતમાં ગેરકાયદે કતલખાનું ચલાવી ગૌ વંશની કતલ્લેઆમ કરી રહ્યો છે. જે મામલે ગૌ પ્રેમીઓએ એ ડિવિઝન પોલીસને સાથે રાખી દરોડો પાડતા ત્યાથી 40 કિલો માસ મળી આવ્યું હતું. જે માસનો સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. ચાર દિવસ બાદ એફએસએલએ પુષ્ટિ કરી હતી કે, આ ગૌ માસ જ છે. ત્યારબાદ પણ એ ડિવિઝન પોલીસના પીઆઈ રવિ બારોટ અને પીએસઆઈ પરમારે ગુનો નોંધવામાં તદ્દન ઢીલી નીતિ અપનાવી હતી પણ ’અબતક’ સહિતના અખબારોએ આ મામલે અહેવાલો પ્રસિદ્ધ કરતા અંતે ફારૂક મુસાણી અને અજાણ્યા શખ્સોં વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ ધરપકડ કરી લેવામાં આવી હતી.
એ ડિવિઝન પોલીસે ફારૂક ઇબ્રાહિમ મુસાણી અને તેના બે સાગરીત જંગલેશ્વરના મનાના હારુન લીંગડિયા અને આબીદ ઉર્ફે ઇમરાન યુનુસ મુસાણીને રિમાન્ડ અર્થે રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા પણ બાહોશ પોલીસ રિમાન્ડ દરમિયાન એટલું પણ ઓકાવી શકી ન હતી કે, ફારૂક ગૌ વંશ ક્યાંથી લાવતો હતો? કોણ કોણ આ કતલ્લેઆમમાં શામેલ હતું? શું આ ટોળકી ગૌ માતાનું કતલ્લેઆમ કરતી મસમોટી ટોળકીના સભ્યો છે? આ કોઈ બાબતે બાહોશ પોલીસના અધિકારીઓ કંઈ પણ કઢાવી શક્યા ન હતા ત્યારે રીઢા ગુનેગારોનું પેન્ટ ભીનું કરી દેવા સક્ષમ પોલીસ ફારૂક જેવા ગુનેગારો પાસે કેમ કંઈ કઢાવી શકી નહીં તે એક મોટો સવાલ છે. સવાલ એ પણ છે કે, શું એ ડિવિઝન પોલીસના થાણા અધિકારી બારોટ અને ફોજદાર પરમાર ફારૂક આણી ટોળકીને છાવરી રહ્યા છે? અધૂરામાં પૂરું જયારે ફારૂકએ મહાજન વેપારીઓની દુકાનોના તાળા તોડ્યા તે સમયથી જ પીઆઈ બારોટ પોલીસ કમિશ્નરથી માંડી ગૃહમંત્રી સુધીને ઉઠા ભણાવી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે ત્યારે શું આ બંને અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાશે કે કેમ તેવો પણ સવાલ ઉઠ્યો છે.
બેફામ બનેલા ગુનેગારોના વધતા જતાં આતંક બાદ રેપિડ એક્શન ફોર્સ સાથે એ ડીવી. પોલીસના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ
એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોમાં સતત લુખ્ખા અને આવાર તત્વોનો રંઝાડ બાદ આજે રેપિડ એક્શન ફોર્સણે સાથે રાખી એ ડિવિઝન પોલીસે ફૂટ પેટ્રોલિંગ યોજ્યો હતો. ફારૂક મુસાણીએ કરેલા કબ્જા, ગેરકાયદે કતલખાના, ગુંદાવાડી પોલીસ ચોકીમાં બુટલેગરે મચાવેલી ધમાલ સહીતની ઘટનાઓ બાદ આજે એ ડિવિઝન પોલીસ દ્વારા આરએએફને સાથે રાખી કોઠારીયા નાકા પોલીસ ચોકીથી શરૂ કરી ગરુડ ચોક, રામનાથપરા, જિલ્લા ગાર્ડન, ગુંદાવાડી સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
મિલકત પચાવનાર, ગેરકાયદે કતલખાનું ચલાવનારનો ’વરઘોડો’ કેમ નહિ?
સામાન્ય રીતે ગંભીર ગુનો આચરનાર ગુનેગારોનો વરઘોડો એટલે કે પોલીસની ભાષામાં રી-ક્ધસ્ટ્રકશન કરવામાં આવે છે ત્યારે મિલ્કતના તાળા તોડી કબ્જો મેળવનાર, કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક સમાન ગૌ માતાઓને કતલખાનામાં ધકેલનાર ફારૂક મુસાણી આણી ટોળકીનો પોલીસે વરઘોડો કેમ ન કાઢ્યો? શું એ ડિવિઝન પોલીસ આ ગુનાને ગંભીર ગણતી નથી કે પછી ફારૂક પોતાનો માનીતો હોય એટલા માટે ધરપકડ બાદ બંનેની દેખાવરૂપી પૂછપરછ કર્યા બાદ જેલ હવાલે કરી દેવાયો હતો.
દાણાપીઠને કતલખાનામાં તબદીલ કરી દેવાનો ખતરનાક મનસુબો
આખેઆખી ઘટનામાં ફારૂક મુસાણીનો ખૌફનાક ઈરાદો સામે આવ્યો હતો. પ્રથમ નવાબ મસ્જિદમાં આવેલી ત્રણ દુકાનોનો કબ્જો મેળવી લીધા બાદ તેમાં ગેરકાયદે નોનવેજની દુકાન ચાલુ કરવાનો પ્લાન હતો. ઉપરાંત જો આ ખતરનાક મનસુબો સફળ થાય તો નવાબ મસ્જિદની પાછળ આવેલી નગીના મસ્જિદની 15 દુકાનો પચાવી પાડી તેમાં પણ કતલખાનું શરૂ કરી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જો આ વિસ્તારમાં મોટાપાયે કતલખાના અને નોનવેજના હાટડા શરૂ કરી દેવામાં આવે તો મહાજનો આપોઆપ તેમની મિલ્કત છોડીને જવા મજબૂર થઇ જાય અને દાણાપીઠ તેમજ સટ્ટાબજારને કતલખાનામાં પરિવર્તિત કરી દેવાનો ખૌફનાક પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ અહેવાલ પણ અગાઉ ’અબતક’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફારૂક મુસાણીનું ગેરકાયદે કતલખાનું તેમજ ગૌ માસ મળી આવતા આ વાતને સમર્થન મળ્યું હતું.
મહાજન વેપારીઓની દુકાન પચાવી લેવા રઘવાયા ફારૂકએ યુનુસ ઉકાની વખાર પણ પચાવી લીધી
મહાજન વેપારીઓની દુકાનના તાળા તોડી, માલ સામાન બહાર ફેંકી દઈ કબ્જો મેળવી લેનાર ફારૂક મુસાણીએ તેના સમાજના લોકોને પણ બખ્સયાં નથી. મોચી બજારમાં બે માળની વખાર આવેલી છે તે વખારનો ઉપલા માળનો કબજો યુસુફભાઇ સુલેમાનભાઇ ઉકા પાસે છે અને વખારનો નીચેનો ભાગ ફારૂકના કબજામાં છે. આ મામલે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, છતાં યુસુફભાઇના હિસ્સાની વખારનો કબજો મેળવવા ફારૂકે તેઓ પોતાની વખારે ન જઈ શકે તે માટે વખાર આડે મોટું વાહન ગોઠવી દીધું હતું અને યુસુફભાઈની વખારમાં પોતાનું તાળું મારી દીધું હતું. આ મામલે ગત તા.3 જાન્યુઆરીના યુસુફભાઇએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફારૂક મુસાણી સામે લેખિત ફરિયાદ કરી હતી. આ મામલાની તપાસનું પોલીસે ફીંડલું વાળી દીધું હતું અને યુસુફભાઇને કોઠારિયા નાકા ચોકીના પીએસઆઈ પરમારે ધમકાવ્યા હતા કે, મામલો કોર્ટમાં છે. વારંવાર અરજી કરશો તો તમને ફિટ કરીને બેસાડી દઇશ. ત્યારે ફારૂક મુસાણી માટે મહેરબાન પીઆઈ બારોટ અને પીએસઆઈ પરમાર વિરુદ્ધ વધુ એક પુરાવો પ્રકાશમાં આવ્યો છે.