1975માં લાદવામાં આવેલી ઇમર્જન્સીને આજે પણ અંધકારમય દિવસ કેમ કહેવામાં આવે છે ?

ભૂતકાળ જો સારો હોય તો યાદ કરીને ખુશ થાયે છીએ, અને જો ખરાબ હોય તો તેને ભૂલવાની કોશિશ કરીયે છીએ. 25 જૂન એટલે કે આજનો દિવસ ભારતના ઇતિહાસમાં ઘણા લોકો તેને અંધકારમય દિવસ કહે છે. આજથી 46 વર્ષ પહેલા 25 જૂન 1975ના દિવસે ભારતના પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. આ કટોકટી લાદતા જ દેશના નાગરિકોના મૂળભૂત હતો પણ છીનવાય ગયા હતા.

25 જૂન 1975ની રાતે અંદાજે રાત્રે 11.30 કલાકે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી હતી. 12 જૂનના રોજ અલાહાબાદ હાઈકોર્ટમાં ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રાયબરેલી લોકસભા ચૂંટણીમાં અનિયમિતતાઓ મામલે નિર્ણય થયા બાદ દેશમાં રાજકીય ઘટનાઓએ જોર પકડ્યું હતું. ઈમરજન્સી લાગુ થયા પહેલાના એકદમ બે દિવસ દરમિયાન ઈન્દિરા ગાંધીની આસપાસ શું ચાલી રહ્યું હતું, તે અંગે રામચંદ્ર ગુહાનું પુસ્તક “ઈન્ડિયા આફ્ટર નહેરૂ”માં જણાવવામાં આવ્યું છે કે, ’23 જૂનના રોજ સુપ્રીમ કોર્ટમાં ઈન્દિરા ગાંધીની અરજી પર સુનાવણી શરૂ થઈ.’

ત્યારબાદના દિવસે જસ્ટિસ વી આર કૃષ્ણા ઐયરે અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયો પર કેટલીક શરતો સાથે રોક લગાવી દીધી. અદાલતે કહ્યું કે, ‘ગાંધી સંસદમાં ઉપસ્થિત થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી તેમની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી સંસદમાં થનાર મીટિંગમાં તેઓ ભાગ નહીં લઈ શકે.’ ઈન્ડિયન એક્સપ્રેસે 25 જૂનના અંકમાં પ્રકાશિત કર્યું કે પ્રધાનમંત્રીએ વ્યક્તિગત હિત અને દેશના હિત માટે રાજીનામું આપી દેવું જોઈએ.

પ્રધાનમંત્રી પદ માટે કદાચ સ્વર્ણ સિંહના નામનું સૂચન કરવામાં આવ્યું હતું, જે એક બિન વિવાદાસ્પદ નેતા હતા. સંજય ગાંધી અને સિદ્ધાર્થ શંકરે ઇન્દિરા ગાંધીને રાજીનામું ના આપવાની સલાહ આપી. સિદ્ધાર્થ શંકર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને એક જાણીતા વકીલ હતા. આ સમય દરમિયાન તેઓ ઈન્દિરા ગાંધીને સલાહ આપવા માટે દિલ્હી આવ્યા હતા. ઈન્દિરાએ 24 જૂનની રાત સુધીમાં નક્કી કરી લીધુ હતું કે તે રાજીનામું નહીં આપે.

જાણીતા પત્રકાર કુલદીપ નાયરના પુસ્તક “બેયોન્ડ ધ લાઈન્સ- એન ઓટોબાયોગ્રાફી” અનુસાર “ઈન્દિરા ગાંધીએ 22 જૂનના રોજ ઈમરજન્સી લાગુ કરવાની યોજના બનાવી દીધી હતી. 25 જૂનની સવારે તેમણે તેમના વિશ્વાસપ્રદ સાથીઓ સાથે આ વિશે વાત કરી હતી.”

કટોકટીની ઘોષણા સાથે જ દેશના તમામ નાગરિકોના મૂળભૂત અધિકારને સ્થગિત કરવામાં આવ્યા હતા. અભિવ્યક્તિનો અધિકાર જ નહીં, લોકોને જીવન જીવવાનો પણ અધિકાર નહોતો. 25 જૂનની રાતથી દેશમાં વિપક્ષી નેતાઓની ધરપકડનો દોર શરૂ થઈ ગયો હતો. જયપ્રકાશ નારાયણ, લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી, જ્યોર્જ ફર્નાન્ડિઝ વગેરે મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. કટોકટી બાદ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ભારે પજવણીની વાતો આવી હતી. પ્રેસ ઉપર સેન્સરશીપ પણ લાદવામાં આવી હતી. દરેક અખબારોમાં સેન્સર અધિકારી મૂકવામાં આવ્યા હતા, તેની પરવાનગી પછી જ કોઈ સમાચાર પ્રકાશિત થઈ શક્યા. સરકાર વિરોધી સમાચાર પ્રકાશિત કરવા માટે ધરપકડ થઈ શકે છે. 23 જાન્યુઆરી 1977 ના રોજ માર્ચ મહિનામાં ચૂંટણીઓની ઘોષણા કરવામાં આવી ત્યારે આ બધું અટકી ગયું.

ઈન્દિરા ગાંધીએ લગાવેલી કટોકટી સામે અવાજ ઉઠાવનારા નેતાઓથી લઈને સામાજિક કાર્યકરો સુધી બધાને કેદ કરવામાં આવ્યા હતા. એટલા બધા લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા કે જેલમાં જગ્યા રહી ના હતી. આખરે 21 મહિના પછી, 21 માર્ચ 1977 ના રોજ દેશમાંથી કટોકટી હટાવી લેવામાં આવી. આ કટોકટીની અસર ઇન્દિરા ગાંધીની સતા પર પડી. તે પછીની ચૂંટણીમાં જનતાએ ઇન્દિરા ગાંધીને મત ના આપી સતામાંથી હટાવ્યા હતા.

કટોકટીમાં જે જુલ્મો કરવામાં આવ્યા હતા જેને આજે પણ દેશ યાદ કરી ધ્રુજી ઉઠે છે. જેમાં નાગરિકના મૂળભૂત હતો પણ છીનવી લીધા અને તેની સાથે ઘણા બધા જુલ્મો કરવામાં આવ્યા હતા. તેથી આજે પણ કટોકટીના દિવસને અંધકારમય દિવસ તરીકે ઓળખવામાં આવે છે