Abtak Media Google News

સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા આઈટી નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. પરંતુ તેને લઈને સોશિયલ મીડિયા જાયન્ટસ અને સરકાર વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. એક તરફ સરકાર નિયમોના અમલીકરણ માટે કડક કાર્યવાહી જેવા પગલાં પણ ભરી રહી છે તો બીજી તરફ નિયમોનું પાલન કરવાથી સોશિયલ મીડિયા કંપનીઓ અળગી થઈ રહી છે. આ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ફરી એકવાર ફેસબુક, ટવીટર, યુટ્યૂબ અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓનો ઉધડો લીધો છે.

સોશિયલ મીડિયા લોકશાહી અને વાણી સ્વતંત્રતાના પાઠ અમને ન ભણાવે!!

ફેસબુક, ટવિટર, વોટસએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની ફરી ફટકાર

ભારતમાં નફો રળવો છે તો અહીંના કાયદાઓનું પાલન કરવું જ પડશે, હું સિમ્બોસીસ યુનિવર્સિટીના કાર્યક્રમમાં બેસી વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી રહ્યો છું તો એ લોકશાહી જ છે: રવિશંકર પ્રસાદ

નવા નિયમોથી યુઝર્સની ગોપનીયતા ભંગ થશે, વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિના મૂળભૂત અધિકાર પર રોક લાગશે તો લોકશાહીની ઉપેક્ષા થશે જેવા પાયાવિહોણાં આક્ષેપો નિયમોથી બચવા માટે સોશિયલ મીડિયા કંપનીઓએ કર્યા છે. ત્યારે આ સામે લાલ આંખ કરતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ લોકશાહી અને વાણી સ્વતંત્રતાના પાઠ અમને ન ભણાવે. આ સાથે, તેમણે પુનરાવર્તિત કર્યું કે જો ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર કે ઈન્સ્ટાગ્રામ સહિતની કંપનીઓ ભારતમાં નફો રળવા  ઇચ્છતી હોય તો તેઓએ ભારતીય બંધારણ અને ભારતીય કાયદાનું પાલન કરવું જ પડશે.

સિમ્બાયોસિસ ગોલ્ડન જ્યુબિલી લેક્ચર સિરીઝ અંતર્ગત સિમ્બિઓસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા આયોજીત ’સોશિયલ મીડિયા અને સોશ્યલ સિક્યુરિટી એન્ડ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ રિફોર્મ: એન અનફિનિસડ એજન્ડા’ વિષય પર સંબોધન કરતા કેન્દ્રીય પ્રધાન પ્રસાદે આકરી ટિપ્પણી કરી કે નવી માહિતી ટેકનોલોજી (આઇટી) ની માર્ગદર્શિકા સોશિયલ મીડિયાના ઉપયોગ સાથે સંબંધિત નથી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના “દુરૂપયોગ” સાથે સંબધિત છે અને તે તેના અંકુશ પર કામ કરશે. જાહેર કરાયેલા નવા આઇટી નિયમો આ પ્લેટફોર્મના વપરાશકારોને તેમની ફરિયાદોને દૂર કરવા માટે એક મિકેનિઝમ પૂરૂ પાડે છે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે નવા કાયદાઓનો હેતુ સોશિયલ મીડિયા કંપનીઓ પર થતા ગેરકાયદે કમેન્ટ, ક્ધટેન્ટ અને  પોસ્ટ્સ હટાવવાની કામગીરી ઝડપી બનાવવા તેમજ દુષણ ફેલાવનારા સંદેશાઓની ઉત્પત્તિ અંગેની વિગતો શેર કરવા માટેનો છે. કંપનીઓને કાનૂની વિગતો માટે વધુ જવાબદાર બનાવવાનો છે. નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં સ્થિત ફરિયાદ નિવારણ અધિકારી, પાલન અધિકારી અને નોડલ અધિકારીને તૈનાત કરવાની જરૂર છે. જેથી કરોડો સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓ તેમની ફરિયાદોના નિવારણ માટે એક મંચ મેળવી શકે.

હું વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી રહ્યો છું, આ વાસ્તવિક લોકશાહી છે: કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ

07 4

તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર વધતા દુષણને અટકાવવા  નવા કાયદા મૂળભૂત જરૂરિયાત છે. હું એ પુનરાવર્તિત કરવા માંગુ છું કે અમેરિકા સ્થિત નફાકારક કંપનીઓને ભારતને વાણી સ્વતંત્રતા અને લોકશાહી અંગેના પ્રવચન દેવાની જરૂર નથી. ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મીડિયા અને નાગરિક સંસ્થાઓ છે. અમારે આવી કંપનીઓના ભાષણની જરૂર નથી.

હું અહીં વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો છું અને તેમના પ્રશ્નો સાંભળી રહ્યો છું અને આ જ વાસ્તવિક લોકશાહી છે. તેથી આ નફાના ઉદ્દેશ્યથી ચાલતી કંપનીઓએ લોકશાહી પર ભાષણ ન આપવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.