Abtak Media Google News

કોઈ પણ દેશની વિશેષ ચીજ-વસ્તુઓ પછી એ ખાદ્ય ચીજવસ્તુ હોય કે રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી અન્ય વસ્તુ. કોઈ પણ ક્ષેત્રની વિશેષતા દર્શાવતી ચીજ વસ્તુઓ કે જેને પ્રાદેશિકથી ઉપર ઉઠી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે એક ચિન્હ આપવામાં આવે છે. જેને જિયોગ્રાફીકલ ઈન્ડેક્સ ટેગ- જીઆઈ ટેગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં એવી ઘણી પ્રકારની ચીજવસ્તુઓ છે જે માત્રને માત્ર ભારતના અમુક પ્રદેશમાં જ ઉત્પાદિત થાય છે. જેમ કે, દાર્જિલિંગ ચા, બાસમતી ચોખા, પાષ્મીના શાલ, પાટણનાં પટોળા વગેરે… કે છે કે અન્ય કોઈપણ દેશમાં ઉત્પાદિત કે જોવા મળતા નથી. વિશિષ્ટ લાયકાત અને પોતાની અનન્ય એવી વસ્તુને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ એક અલગ ઓળખ મળે તે માટે ભારત હાલ આવી ચીજવસ્તુઓને જીઆઈ ટેગ આપવા પર વધુ ભાર મૂકી રહ્યું છે.

ગત વર્ષે બાસમતી ચોખાને જીઆઈ ટેગ આપવાને લઈ ભારતે યુરોપિયન સંઘમાં કરેલી અરજીને લઈ પાકિસ્તાન દ્વારા ભારે વિવાદ કરવામાં આવ્યો હતો આ બાદ જીઆઈ ટેગની સમજ તેમજ તેના ઉપયોગ, ફાયદા અંગે ભારતમાં વધુ જાગરૂકતા પ્રવર્તી છે. વિસ્તારથી જણાવીએ તો ભારતે ગયા વર્ષે બાસમતી ચોખામાં યુરોપિયન યુનિયનમાં ( બાસમતી રાઇસ જિયોગ્રાફિક ઇન્ડેકશન (જીઆઈ)) ટેગ મેળવવા માટે અરજી કરી હતી. જેમાં ભારતે જણાવ્યું હતું કે બાસમતી ચોખાએ ભારતીય ઉપખંડના કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઉગાડવામાં આવતા ખાસ પ્રકારના લાંબા અને સુગંધિત  ચોખા છે. પર્યાવરણીય મુદ્દાઓ અને ઉત્પાદન લાક્ષણિકતાઓ સાથે સપ્ટેમ્બર 2020માં યુરોપિયન યુનિયન દ્વારા ભારતને બાસમતી ચોખા માટે જીઆઈ ટેગ અપાયો.

બાસમતી ચોખા માટે જીઆઈ ટેગની માંગ પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો, પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે પાકિસ્તાનની જમીન પર પણ બાસમતી ચોખા ઉત્પાદિત થાય છે. ભારતને બાસમતી ચોખા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યા પછી, પાકિસ્તાને કહ્યું હતું કે તેની બાસમતી ચોખાની નિકાસને અસર થઈ શકે છે. અને તેના ખેડૂતોના જીવનનિર્વાહને તે અસર કરી શકે છે. જો કે હાલ ભારત અને પાકિસ્તાન બંને યુરોપિયન યુનિયન (ઇયુ)માં બાસમતી ચોખાના જીઆઈ ટેગ માટે સંયુક્ત માલિકી પર સંમત થયા છે.

ભારતમાં રજિસ્ટ્રેશન અને પ્રોટેક્શન એક્ટ-1999 અંતર્ગત અત્યાર સુધીમાં દેશની આશરે 370 જેટલી ચીજવસ્તુઓને જીઆઈ ટેગ મળી ચૂક્યો છે. જેમાં કૃષિ, હેન્ડીક્રાફ્ટ, બાગાયતી સહિતના અનેકમેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો સમાવેશ છે. સૌથી પહેલા પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં થતી દાર્જિલિંગ ચાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. આના ઘણાં ફાયદા છે આથી જ તો જીઆઈ ટેગ પર વિશ્વના મોટાભાગના દેશો ભાર મૂકી રહ્યા છે. પોતાની પ્રાદેશિક-ભૌગોલિક ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઓળખ મળે. આ ચીજવસ્તુ પોતાના સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રનું વિશિષ્ઠ પ્રતિનિધિત્વ કરે તેમજ આ થકી ગુણવત્તાને આધારે નિકાસમાં પણ વધારો થાય છે આનો પ્રત્યક્ષ લાભ ખેડૂતોને થાય છે. આથી જીઆઈ ટેગ વિભિન્ન ક્ષેત્રે ખાસ મહત્વ ધરાવે છે.

GI ટેગના ફાયદાઓ શું..??

  • જી.આઈ. ટેગ પ્રાપ્ત ચીજ વસ્તુઓના ડુપ્લિકેશન પર રોક લાગે છે
  • GI ટેગથી પ્રાદેશિક ઉત્પાદનોને કાનૂની સુરક્ષા મળે છે
  • ગ્રાહકોને વધુ ગુણવતભેર સુવિધા આપી તેમનો સંતોષ વધારવા માટે સુનિશ્ચિત કરે છે
  • જીઆઈ ટેગથી કોઈ પણ ચીજ વસ્તુની ગુણવત્તા નક્કી થઈ જાય છે
  • ગુણવત્તાના માપદંડ નક્કી થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણનો માર્ગ મોકળો થાય છે
  • આ ક્ષેત્રમાં ઉત્પાદકો અને રોજગાર નિર્માણની આવકમાં વધારો થયો છે.
  • GI ટેગથી નિકાસમાં પણ વધારો થાય છે
  • ઉત્પાદન એકમ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ખેડૂતોને મોટો ફાયદો થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.