Abtak Media Google News

 

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના સંવિધાનમાં નાગરિકોના મૌલીક અધિકાર અને સમાનતાનો ભાવ બંધારણના મુળભૂત તત્ત્વો છે ત્યારે દેશમાં સમાન સિવિલ કોડના અમલ માટે લાંબા સમયથી કવાયત અને વાતો થાય છે પરંતુ સંવિધાનની કલમ 44માં સમાન નાગરિક ધારાની અમલની સ્પષ્ટ હિમાયત કરવામાં આવી છે છતાં તેમના અમલ માટે અત્યાર સુધીની રાજકીય સરકારોએ એક યા બીજા બહાને દેશમાં સમાન સિવિલ કોડ લાગુ થાય તેવા કોઈ અસરકારક પ્રયાસો કર્યા નથી. સંવિધાનમાં વિવિધતામાં એકતા અને દેશનો દરેક નાગરિક એક સમાન અધિકાર ભોગવે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. આઝાદીકાળ બાદ સ્વતંત્ર ભારતમાં ભારતીય બંધારણના અમલ છતાં પણ સંવિધાનના મુળભૂત સિદ્ધાંતોને એક યા બીજી રીતે નજર અંદાજ કરવામાં આવી રહ્યાં છે. સંવિધાનથી ઉપર કંઈ જ ન હોય સર્વોચ્ચ રાજધર્મ એ જ હોય છે કે જે સંવિધાનનું નિરર્પેક્ષપણે અમલ કરાવે. ભારતમાં વિવિધતામાં એકતાની અનેરી સંસ્કૃતિ ફાલેફૂલે છે ત્યારે અલગ અલગ ધર્મના રીલીઝીયન લોની સામાજિક પ્રથા ભલે રાજકીય મજબૂરી બની રહેતી હોય પરંતુ જ્યારે બંધારણ અને દેશના સર્વભૌમત્વની વાત આવે ત્યારે રાજધર્મને સર્વોપરી માનવામાં આવે છે.

બંધારણની કલમ 44માં સ્પષ્ટપણે આદેશ આપવામાં આવ્યો છે કે, દેશમાં ધર્મ-જાતિને લઈને કોઈપણ જાતના કાયદાની વિસંગતતા ન હોવી જોઈએ અને જેમ બને તેમ જલ્દીથી જલ્દી દેશમાં સમાન નાગરિક ધારો લગાવવો જોઈએ. વડી અદાલતથી લઈને દેશના વિવિધ ન્યાયાલયો દ્વારા કાળક્રમે જ્યારે જ્યારે હિંદુ અને મુસ્લિમ પર્સનલ લો ના અમલથી ઉભી થતી બંધારણીય વિસંગતતાની પરિસ્થિતિ સામે આવે ત્યારે ત્યારે સમાન સિવિલ કોડ કે જે, બંધારણની કલમ 44માં સ્પષ્ટપણે અમલ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે તેની હિમાયત કરવાની ન્યાયાલયોએ તાકીદ કરતા સુચનો કર્યા જ છે પરંતુ અત્યાર સુધી વિવિધ સરકારોએ સમાન સિવિલ કોડ જેવી દેશ માટે આવશ્યક બંધારણીય પરિસ્થિતિના અમલ માટે જેવા મોઢા એવા નાના મોટા ઘુંઘટા તાળી બંધારણની હિમાયતની ઉપેક્ષા જ કરી છે.

હવે એ સમય આવી ગયો છે કે રાજધર્મનો અમલ થવો જ જોઈએ. સમાન નાગરિક ધારો હવે દેશ માટે આવશ્યક છે ત્યારે સુપ્રીમે સરકાર પાસે જવાબ માંગ્યો છે ત્યારે બંધારણની કલમ 44માં સમાન નાગરિક ધારાની અમલમાં હિમાયત કરવામાં આવી છે ત્યારે દેશને અખંડ, અતુટ અને અવિભાજીય સામાજીક વ્યવસ્થાના નિર્માણ થકી મજબૂત કરવા માટે હવે દેશમાં સમાન નાગરિક ધારાનો અમલનો સમય પાકી ગયો છે. બંધારણની કલમ 44 સમાન નાગરિક ધારાની હિમાયત કરી રહી છે ત્યારે તેના અમલમાં વિલંબથી ક્યાં સુધી દેશની જુબેદા અને જ્યોતિને ધર્મના નામે પોતાના અધિકારોથી વંચિત રાખવામાં આવશે. હવે દેશમાં સમાન નાગરિક ધારાનો સમય આવી જ ગયો છે તેમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.